- પીડિતાના પતિનું પાંચ વર્ષ પહેલાં મોત નીપજ્યું હતું, મજૂરી કરીને પોતાનાં બાળકોનો ઉછેર કરે છે
- ડિસેમ્બર 2018માં પીડિતાએ બાળકીને જન્મ આપ્યો હતો, તે બાળકી હજુ ભારત સરકારના એડોપ્શન સેન્ટરમાં છે
લગભગ બે વર્ષ પહેલાં 40 વર્ષની એક વિધવા આદિવાસી મહિલાની સાથે અડધી રાત્રે બે લોકો જબરદસ્તીથી તેની ઝૂંપડીમાં ઘૂસીને દુષ્કર્મ કરે છે. સવારે જ્યારે તે પોતાની આજુબાજુના લોકો અને સંબંધીઓને જણાવે છે તો તેના પર જ લાંછન લગાડવામાં આવે છે. તેની વાતને ગણકારવામાં નથી આવતી અને મામલો દબાવી દેવામાં આવે છે, પરંતુ થોડા મહિના પહેલાં તે વિધવા માતા બનવાની અવસ્થામાં પહોંચી જાય છે.
અને ફરી ત્યાંથી આ ઘટનાને લઈને ગામથી લઈને પોલીસ સ્ટેશન સુધી લોકો મેનેજ કરવામાં લાગી જાય છે. આ ઘટના અનગડા બ્લોકમાં પડતા નારાયણ સોસો ગામની છે, જે ઝારખંડના પાટનગર રાંચીથી લગભગ 25 કિલોમીટરના અંતરે જ છે. સરપંચ, સંબંધીઓ અને આજુબાજુના લોકો એવું માને છે કે પીડિતાની સાથે ખોટું થયું, તેની સાથે દુષ્કર્મ થયું, પરંતુ આરોપીઓને સજા આપવાની વાત તો દૂર, તેમની વિરુદ્ધ આજ દિવસ સુધી એક એફઆઈઆર પણ દાખલ નથી થયો.
ગામની એક મહિલા નામ ન જણાવવાની શરતે કહે છે, ‘આ ઘટનાને સંભવિત તમામ રીતે દબાવવાનો પ્રયાસ કરાયો. ગામમાં આ ઘટનાને લઈને પહેલાં બેઠક થઈ. તે મહિલાને પૂછવામાં આવ્યું કે કોનું બાળક છે, જ્યારે તેણે આરોપીનું નામ જણાવ્યું તો લોકો મહિલા પર લાંછન લગાવવા લાગ્યા. ત્યારે અમે લોકો ગામની ઘણી મહિલાઓ પીડિતાની સાથે 4 ઓક્ટોબર, 2018ની રાત્રે જ પોલીસ સ્ટેશન ગયા અને એફઆઈઆર કરવાનું કહ્યું, પરંતુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે એફઆઈઆર દાખલ ન કર્યો.’
તે વધુમાં જણાવે છે, ‘મેં આ મામલાને ઉઠાવ્યો તો આરોપીઓએ ધમકી આપી. મારા ગામની મહિલાઓને કહેવામાં આવ્યું કે કોઈ દિવસે જ્યારે રાત્રે એકલી બહાર નીકળીશ તો તે લોકો મારું કિડનેપ કરી લેશે.’
પીડિતાના પતિનું પાંચ વર્ષ પહેલાં એક બીમારીને કારણે મોત થઈ ગયું હતું. તે હાલ પણ મજૂરીકામ કરીને પોતાનાં બાળકોનો ઉછેર કરે છે. આ મામલે પીડિતાએ ઘટનાની સવારે જેને સૌથી પહેલા સમગ્ર ઘટના અંગે જણાવ્યું, તે પણ માને છે કે તેની સાથે ખોટું થયું છે, પરંતુ દબાણવશ તે કંઈ પણ બોલવાનું ટાળે છે. તો પીડિતાના પરિવારના લોકોના જણાવ્યા મુજબ, તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશન સુધી રજૂઆત કરી છે, પરંતુ આગળ આમાં કંઈ જ થયું નથી.

આંગણવાડી કેન્દ્રની સેવિકા આ અંગે કંઈ પણ કહેવાનું ટાળી રહી છે, પરંતુ તે એટલું જરૂરથી કહે છે કે બાળકીનો જન્મ 2 ડિસેમ્બર, 2018ના રોજ થયો હતો. ત્યારે તેનું વજન અઢી કિલો હતું. દુષ્કર્મથી જન્મેલી બાળકી પહેલા પીડિતાને ત્રણ બાળકો છે. (બે દીકરી, એક પુત્ર).
ગામની કેટલીક મહિલાઓનું માનવું હતું કે બાળકીને વેચી દેવામાં આવી. ત્યારે આ અંગે પીડિતાના પરિવાર અને પીડિતાએ પોતે કંઈ જ જણાવ્યું ન હતું. આ મામલે બે આરોપીઓનાં નામ સામે આવ્યાં, જે નજીકના ગામડામાં જ રહે છે. લલકુ કુમ્હાર અને રાજુ કુમ્હાર. આ બંને પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે.
લલકુ કુમ્હારે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે “ગ્રામવાસીઓના કહેવા પર તેણે પીડિતાને 15 હજાર રૂપિયા આપી દીધા છે. હવે તેની જવાબદારી પૂરી થઈ ગઈ છે, બાળક ક્યાં અને ક્યારે જન્મ્યું તેની કોઈ જાણ નથી.”
અનગડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શંકર પ્રસાદે કહ્યું હતું કે આરોપી અને પીડિતા પક્ષના લોકો અંદરોઅંદર સમગ્ર મામલાનું સમાધાન કરવા માટે તૈયાર છે. એમાં તેઓ હવે શું કરી શકે છે અને આરોપી પક્ષે પીડિતાના પેટમાં ઊછરી રહેલા બાળકની દેખરેખ રાખવાની જવાબદારી પણ સંભાળી લીધી છે, પરંતુ પીડિતા આજે પણ જો આ કેસમાં આવેદન આપે તો અમે કેસ ફાઈલ કરી દઈશું.
આ મુદ્દે ગામની મહિલાઓ કહે છે, “અમે લોકો તેને (પીડિતા) પોલીસ સ્ટેશને લઈ ગયાં હતાં. તે તો બાપડી મજૂરી કરે છે, એકદમ અભણ છે. ત્યારે તમે જણાવો કે તે કઈ રીતે આવેદન લખશે. જ્યારે અમે લોકો તેની સહમતિ પર કેસ દાખલ કરવા માટે આવેદન આપી રહ્યા હતા તો તેણે (પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ) કેસ નોંધ્યો નહીં. ગામના સરપંચ મધુસૂદન મુંડાની વાત માનવામાં આવે તો તેમણે પણ કેસ નોંધાય એ માટેના પ્રયાસ કર્યા હતા કે જેથી પીડિતાને ન્યાય મળે, પરંતુ ગ્રામવાસીઓએ તેને કોઈપણ જાતની જાણ કર્યા વગર બેઠક કરીને મામલાને દબાવી દીધો.”

હાલ તો જ્યારે બાળકીને વેચવાની અને બળાત્કાર લઈને સમાચાર છપાયા તો રાંચી ચાઈલ્ડ વેલફેર કમિટીએ સમગ્ર મામલે હસ્તક્ષેપ કર્યો. એસપીથી લઈને આ કેસ રાંચીના સિલ્લી ડીએસપી સુધી પહોંચ્યો. એ બાદ તપાસના નિર્દેશ પછી અનગડા પોલીસ સ્ટેશન સક્રિય થયું અને બાળકીની શોધખોળમાં લાગી ગયા. તાત્કાલિક બાળકીને શોધીને તેને ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું.
શું એ પછી કોઈ એફઆઈઆર થયો, જેના જવાબમાં પોલીસ સ્ટેશનના તત્કાલીન ઈન્ચાર્જ શંકર પ્રસાદ કહે છે કે “હું હતો ત્યાં સુધી કોઈ જ એફઆઈઆર નથી થયો. હું કોના નિવેદન પર એફઆઈઆર દાખલ કરત. પીડિતાનું કહેવું હતું કે કોના વિરુદ્ધ એફઆઈઆર કરું, તેને તે જ ગામમાં રહેવું છે. બની શકે છે કે તેના પણ દબાણ હોય, તેથી તે કોઈની વિરુદ્ધ કંઈ જ બોલી નથી.”
તેની જ્યારે પૂછપરછ કરાઈ કે બાળક ક્યાં, તેને વેચી દીધું શું?, તો તેને કહ્યું કે વેચ્યું નથી. પોતાના મનથી જ કોઈ સંબંધીને બાળકના ભરણપોષણ માટે આપી દીધું છે, પરંતુ તેને તે કોઈ ફોડ ન પાળ્યો કે બાળક ક્યાં અને કોને આપ્યું છે. જે બાદ ગ્રામવાસીઓની મદદથી બાળકનો કબજો રાંચીના ડોરંડાથી મેળવી અને સીડબ્લ્યુસીને સોંપી દીધું છે.
અનગડાના હાલ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અનિલ કુમાર તિવારી કહે છે, કોઈ ફરિયાદ લખાવવા તૈયાર જ ન હતું, તેથી એફઆઈઆર નથી થયો. બાળક હજુ પણ ભારત સરકારના એડોપ્શન સેન્ટરમાં જ છે.
રાંચી ચાઈલ્ડ વેલફેર કમિટી (સીડબ્લ્યુસી)નાં ચેરપર્સને રૂપા વર્માએ જણાવ્યું હતું કે “અમારા લોકોના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે પીડિતા રેપ વિક્ટિમ હતી. બાળકને અમારા લોકો દ્વારા રિકવર કરતાં પહેલાં તમામ પેપરવર્ક કરવામાં આવ્યું છે. એ પછી કાયદાકીય રીતે આમાં 60 દિવસની રાહ જોવામાં આવે છે જે અમે જોઈ હતી.”
આવા કેસમાં દાવેદાર, જેમ કે મા-બાપ કે અન્ય સંબંધી જો બાળકને લેવા આવે છે તો એક ઈન્કવાયરી સેટઅપ કરીને એ જોવામાં આવે છે કે દાવેદારી યોગ્ય છે કે નહીં. જો યોગ્ય હોય તો બાળકને સોંપી દેવામાં આવે છે. અનગડા કેસમાં જ્યારે કોઈ ન આવ્યું તો અમે લોકોએ તે બાળકીને ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીને સોંપી દીધી છે.
કાયદા મુજબ, જો કોઈ 60 દિવસના એક દિવસ પછી પણ આવે છે, ત્યાં સુધી કે તેનાં સગાં માતા-પિતા પણ જો આવે છે તો તે બાળકને સોંપવામાં નથી આવતું.