- બે કરોડ લીટર પાણી વપરાયું હોવા છતાં સવાર સુધી આગ કાબૂમાં આવી નથી
- એલીવેશન તોડવા માટેની કામગીરી કરીને પાણીનો મારો કરવામાં આવ્યો
સુરતઃ કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને બ્રિગેડ કોલ જાહેર કરાતાં ફાયર બિગ્રેડની 70થી વધુ ગાડીઓ સાથે 500થી વધુ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. બે કરોડ લીટર પાણી વપરાયું હોવા છતાં સવાર સુધી આગ કાબૂમાં આવી નથી. ત્યારે 29 કલાક બાદ રહી રહીને આગ લાગી છે અને ફાયરના જવાનો જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે.
ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે મુશ્કેલી
કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ આગ લાગેલી આગ 29 કલાક થવા છતાં હજુ પણ કાબુમાં આવી નથી. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન રહી રહીને પણ માર્કેટમાં આગ લાગી રહી છે. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું
આજે સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગ પર સાડા બાર વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સિન્થેટીક કાપડના કારણે રહી રહીને આગ લાગી રહી છે. હાલ ફાયરના જવાનો સ્ટેન્ડ બાય છે અને કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આજે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્ટીને લઈને ચર્ચા કરવામાં આવશે.
જીવના જોખમે કામગીરી
ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે, આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને આ આગના કારણે ઈમારતનું તાપમાન પણ વધી ગયું છે. હાલ પણ આગના લપકારાના કારણે ફાયરના જવાનો ઈમારતની અંદર પ્રવેશી જીવના જોખમે કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી અંદાજે હજુ સાંજ સુધી ચાલશે.