મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસોની સંખ્યા ઉત્તરપ્રદેશ કરતાં ગુજરાતમાં ભલે ઓછી હોય છતાં પણ રાજ્યમાં આ પ્રકારના અપરાધની સંખ્યા નાની નથી. ગુજરાત સરકારના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, 2014થી અત્યારસુધીમાં મહિલાઓની સતામણીની દર વરસે સરેરાશ 1400 ઘટના નોંધાય છે. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં જ દુષ્કર્મ અને છેડતીના 4 હજારથી વધુ બનાવો નોંધાઈ ચૂક્યા છે. 2014થી પછી રાજ્યમાં દરરોજ દુષ્કર્મની સરેરાશ 1 ઘટના તથા સતામણીની સરેરાશ 3 ઘટના નોંધાય છે.
ગત માર્ચમાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ, છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મની 2,723 ઘટના નોંધાઈ હતી, જેમાંથી 41 સામૂહિક દુષ્કર્મની ઘટના હતી, બીજી તરફ 20 સપ્ટેમ્બરે લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના પેન્ડિંગ કેસોની સંખ્યા 81,138 છે, જ્યારે પોસ્કો હેઠળ નોંધાયેલા પેન્ડિંગ કેસોની સંખ્યા 6,947 છે.