કોંગ્રેસનો CM રૂપાણી પર પલટવાર, ગુજરાતમાં દિલ્હીના રીમોટથી ચાલતી સરકાર

Gujarat Politics Politics

નવી દિલ્હી: 8 ડિસેમ્બરે કૃષિ બિલના કાળા કાયદા સામે ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યુ છે. ભારત બંધના એલાનનું ગુજરાત કોંગ્રેસે સમર્થન કર્યુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યુ કે, ભાજપનો ખેતી અને ખેડૂત વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે.

અમિત ચાવડાએ કહ્યુ કે, “દેશમાં ભાજપની સરકાર દ્વારા કાળો કાયદો અમલમાં લાવ્યા તેના કારણે આખા દેશમાં ખેડૂતોમાં આક્રોશ છે. ભાજપનો ખેતી અને ખેડૂત વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો છે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરી તે દિલ્હીમાંથી હિન્દીમાં આવેલુ ગુજરાતી અનુવાદ છે, ગુજરાતીમાં નકલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ સાબિત કર્યુ કે ગુજરાત માટે તેમના અલગ વિચાર નથી, ગુજરાતના ખેડૂતો માટે કોઇ નીતિ નથી. દિલ્હીની જેમ ગુજરાતની પણ ખેડૂત વિરોધી સરકાર છે. દિલ્હીની સ્ક્રિપ્ટનું અનુવાદ કરી પ્રેસ કરે તેનો સ્પષ્ટ મતલબ છે કે દિલ્હીના રીમોટ કંટ્રોલથી ગુજરાતના મુખ્યમંત્રી કામ કરે છે.”

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષે કહ્યુ, “તમામ સંગઠનો ભેગા થતા સરકાર ફફડી ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. મુખ્યમંત્રી પ્રેસના માધ્યમથી પોલીસનો ડર બતાવી લોકોને ધમકાવવાનો પ્રયાસ કરે છે, ગાંધીના ગુજરાતમાં આ ભૂમિકા સ્વીકાર્ય ના હોય, આ આંદોલન દેશના ખેડૂતોને વાંચા આપનારૂ આંદોલન છે. દેશના વિવિધ સંગઠનો દ્વારા આંદોલન અમલમાં મુકવામાં આવ્યુ છે. 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન ખેડૂત સંગઠનોએ આપ્યુ છે. ખેડૂતોના હક અધિકારની આ લડાઇ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળ અને તમામ વર્ગના લોકોએ સમર્થન આપ્યુ છે. ખેડૂત પોતાના ખેતરમાં એક ખેતરનો માલિક હતો તે જ ખેતરનો તે ખેત મજૂર બનીને રહી જવાનો છે, ખેડૂત અને ખેતીને ખતમ કરવાનું આ યોગ્ય ષડયંત્ર છે.”

ખેડૂત અને ખેતીને ખતમ કરવાનું આ યોગ્ય ષડયંત્ર છે.

અમિત ચાવડાએ વધુમાં કહ્યુ, “APMCની વ્યવસ્થાઓ ખતમ થશે અને આ વ્યવસ્થા ખતમ થશે તો એકલા ખેડૂતોને નુકસાન નહી થાય APMC સાથે જોડાયેલા નાના મોટા ધંધાદારીઓને પણ નુકસાન થશે. એવા સંજોગોમાં આ માર્કેટ બંધ થશે અને ખેડૂતોને પણ મોટુ નુકસાન થશે.” અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, “આખા દેશની ખેતી અને જમીનો ઉદ્યોગપતિઓના હાથમાં આવશે અને સંગ્રહખોરી વધશે, કાળા બજારી વધશે, નફાખોરી વધશે અને ખેડૂતોને નુકસાન થશે.”

આજે ખેડૂતોનો વારો છે કાલે તમારો વારો આવશે

ખેડૂત મદદ માંગી રહ્યો હોય, તેની વાત સાંભળવાને બદલે તેની પર લાઠીઓ વરસાવવામાં આવી રહી હોય, ખેડૂત આપણા સૌની મદદ માંગી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યુ છે. સાથે સાથે વિનંતી પણ કરીએ છીએ કે આ બંધનું એલાન ગાંધી માર્ગે થવુ જોઇએ, મિલકત અને સંસાધનોનું રક્ષણ કરીએ અને દરેક લોકો સ્વયંભૂ બંધમાં જોડાય તેવી વિનંતી છે.

અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, “ભાજપની ઉદ્યોગપતિઓને માલામાલ કરી દેશની આમ જનતાને પાયમાલ કરવાની નીતિ છે. સૌ જોઇ શકો છો કે સરકાર ભારતીય ખાદ્ય નિગમની પ્રોપર્ટી પર બિલ પાસ થયા પહેલા જ અદાણીના બોર્ડ લાગી ગયા છે, આવનારા સમયમાં સામાન્ય ખેડૂતના ખેતરમાં કંપનીનું બોર્ડ લાગ્યુ હશે. ક્યાક અદાણી તો ક્યાક રિલાયન્સનું બોર્ડ લાગ્યુ હશે. ખેતરના માલિકનું 7/12ની નકલમાં પણ નામ મીટાઇ જશે અને તે માલિકનું નામ ખેત મજૂર બનીને રહી જશે. આવી સ્થિતિનું નિર્માણ ના થાય તે માટે ખેડૂતોના હક અધિકારની આ લડાઇ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *