- સીરમે કહ્યું- હમણાં સરકાર જ વેક્સિન આપશે, ઉપલબ્ધતા વધારવા બજારમાં આપીશું
- સ્વદેશી કોવેક્સિન કેટલી અસરકારક છે એનું હજુ પ્રમાણ નથી
- કોવિશીલ્ડના 7.5 કરોડ ડોઝ, કોવેક્સિનના 1 કરોડ ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે
દેશમાં કોરોનાની રસીની જોવાતી રાહનો અંત આવ્યો છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ રવિવારે કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે. હાલમાં એના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલે છે. એ પહેલાં જ એને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે. એને બનાવનારી કંપની ભારત બાયોટેકે હજુ એ પણ જણાવ્યું નથી કે એ કેટલી અસરકારક છે. જોકે એ જરૂર જણાવ્યું છે કે એ ઉપયોગ માટે 100 ટકા સુરક્ષિત છે.
રિપોર્ટ આપ્યા બાદ લાઇસન્સ મળશે
કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપતા સમયે એની નિર્માતા કંપની માટે એવી કોઈ શરત રખાઈ નથી કે રસીને ખુલ્લા બજારમાં તેમને વેચવાથી રોકી શકાય. કંપનીઓને માત્ર એટલું જ કહેવાયું છે કે ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી કરીને રિપોર્ટ આપવો, જેથી સ્થાયી લાઈસન્સ અંગે નિર્ણય લઈ શકાય. આ પહેલાં રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ ટીબીની દવા બેડાક્યુલિનને ટ્રાયલ વગર મંજૂરી અપાઈ હતી, પરંતુ શરત હતી કે બજારમાં વેચી શકાશે નહીં. નેશનલ કોવિડ ટાસ્કફોર્સના વડા પ્રો. વી.કે. પોલે કહ્યું હતું કે ટેક્નિકલ રીતે કોરોનાની વેક્સિન બનાવનારી આ કંપનીઓ પર આવો કોઈ પ્રતિબંધ રહેશે નહીં. બીજી બાજુ, ડીસીજીઆઈએ કહ્યું છે કે બંને રસીથી સામાન્ય કે મામૂલી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે, જેમ કે હળવો તાવ, એલર્જી વગેરે, પરંતુ બંને રસી 100 ટકા સુરક્ષિત છે.
રસીથી નપુંસક બની જવાય એ વાત નિરાધાર છે
રસીને મંજૂરી મળવાથી આગામી દિવસોમાં દેશમાં ઓછામાં ઓછી બે રસી ઉપલબ્ધ થવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. બંને વેક્સિનના બે-બે ડોઝ અપાશે. આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ પ્રો. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે અત્યારે સમગ્ર દુનિયામાં વૃદ્ધોને જ રસી આપવામાં આવે છે, કારણ કે અત્યારસુધી ઓછી વયના લોકો પર અભ્યાસ થયો નથી. જુલાઈ સુધી 30 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક છે. ત્યાર પછી 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો અભ્યાસ કરાશે અને એનાં પરિણામ આવ્યાં પછી આ ઉંમરના લોકોને રસી આપવાનો નિર્ણય લેવાશે. આશા છે કે આ રસી ઓછી ઉંમરનાં બાળકો માટે પણ અસરકારક સાબિત થશે.
કોવેક્સિનઃ ત્રીજા તબક્કામાં 22 હજાર લોકોને રસી અપાઈ, પરિણામ આવવાનાં બાકી
આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ પ્રો. ભાર્ગવ કહે છે, આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. વાઈરસમાં અત્યારસુધીમાં જેટલા ફેરફાર આવ્યા છે એ તમામ પર કામ લાગશે. કેટલી અસરકારક છે એ સ્પષ્ટ થયું નથી. પશુઓ પર થયેલા અભ્યાસમાં એ સંપૂર્ણ અસરકારક રહી હતી. પહેલા અને બીજા તબક્કામાં 800 લોકોને રસી અપાઈ હતી. એમાંથી કોઈને કોરોના થયો નથી. ત્રીજા તબક્કામાં જે 22 હજાર લોકોને રસી અપાઈ હતી તેમનામાં હજુ સુધી સાઈડ ઇફેક્ટ દેખાઈ નથી.
કોવિશીલ્ડઃ હાફ ડોઝ 90% સુધી અસરકારક, 2 ફુલ ડોઝ 62% અસરકારક, સરેરાશ 70%
સીરમના સીઈઓ અદાર પૂનાવાલા કહે છે, અત્યારે અમે રસી માત્ર સરકારને આપીશું. જ્યારે અમારી પાસે પૂરતી માત્રામાં રસી હશે ત્યારે નિકાસ પણ કરી શકીશું અને બજારમાં પણ આપી શકીશું. એમાં કોઈ મુશ્કેલી નથી. ટ્રાયલમાં કોવિશીલ્ડના વૉલન્ટિયર્સને પ્રથમ હાફ અને પછી ફુલ ડોઝ અપાયો હતો. હાફ ડોઝ 90% અસરકારક રહ્યો. એક મહિના પછી ફુલ ડોઝ અપાયો. જ્યારે બંને ફુલ ડોઝ અપાયા એની અસર 62% થઈ. બંને પ્રકારના ડોઝમાં સરેરાશ અસરકારકતા 70% રહેશે.
જે રાજ્યમાં કોવિશીલ્ડ મોકલાશે ત્યાં કોવેક્સિન નહીં, જેથી કોઈ પ્રકારની મુશ્કેલી ન થાયઃ આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કોવિશીલ્ડના લગભગ 7.5 કરોડ ડોઝ અને કોવેક્સિનના લગભગ 1 લાખ ડોઝ તૈયાર છે. સંભવ છે કે જે રાજ્યમાં કોવિશીલ્ડ મોકલાશે ત્યાં કોવેક્સિન નહીં મોકલાય, જેથી રસીકરણ દરમિયાન કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય. બે-ત્રણ દિવસમાં એસઓપી નક્કી થઈ જશે.