અમદાવાદમાં ડોક્ટરની પત્નીનો આપઘાત:સાથળ પર સુસાઇડ નોટમાં લખ્યું ‘પતિએ સેક્સ માટે લગ્નનું નાટક કર્યું, ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર.’

Ahmedabad Gujarat
  • ઘાટલોડિયામાં ઓર્થોપેડિક સર્જન જમાઈ સામે સસરાએ ફરિયાદ નોંધાવી
  • આંગણામાં જ ઝેરી દવા પી લીધી, સાસુ-સસરા સામે પણ દુષ્પ્રેરણાની ફરિયાદ

ઘાટલોડિયાની દેવકુટીર સોસા.માં રહેતા ઓર્થોપેડિક સર્જનની પત્નીએ આંગણામાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં ડાબા પગના સાથળ પર પેનથી લખ્યું હતું કે, ‘લગ્નની લાલચ આપીને ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધી, હિતેન્દ્રે તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું, ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર.’

આ લખાણ તેમજ મહિલાના પિતાની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે સર્જન અને તેનાં માતાપિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. ઓઢવમાં રહેતા નાનજીભાઈ પટેલ (63)ની ફરિયાદ મુજબ, તેમની દીકરી હર્ષા (42)નાં લગ્ન મેરેજ બ્યુરોમાં નોંધણીના આધારે ઘાટલોડિયામાં રહેતા અને દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ સાથે ગત ઓગસ્ટમાં થયાં હતાં. લગ્ન બાદ સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ હર્ષાને પરેશાન કરી કહેતાં કે ‘અમે અમારી છોકરીને દહેજમાં 25 તોલા સોનું આપ્યું છે, તું માત્ર 5 તોલા જ લાવી છું.’ આ અંગે હર્ષા હિતેન્દ્રને ફરિયાદ કરે તો તે માતા-પિતાનો પક્ષ લઈ હર્ષાને મારઝૂડ કરતો, જેથી કંટાળીને હર્ષાએ આપઘાત કરી લીધો હતો.

હિતેન્દ્રે હર્ષાને પાછી આવવાની ના પાડી હતી
લગ્નના 3 માસ બાદ હિતેન્દ્રે હર્ષાના ભાઈ સંજયને ફોન કરીને કહ્યું હતું કે, ‘મારાં માતાપિતાને તારી બેન સાથે મનમેળ નથી, એટલે તેને તમારા ઘરે મોકલું છું, હવે તેને મારા ઘરે મોકલતા નહીં.’ આમ કહીને હિતેન્દ્રે હર્ષાને પિયર મોકલી દીધી હતી. ત્યાર બાદ હર્ષાનાં માતાપિતાએ સમજાવીને મામલો શાંત પાડીને હર્ષાને સાસરીમાં મોકલી હતી.

સાસુ-સસરાની ફરિયાદ કરી તો માર માર્યો
ફરિયાદ મુજબ, સાસુ-સસરા નાની નાની બાબતે હેરાન કરતા હોવાથી કંટાળીને હર્ષા હિતેન્દ્રને મળવા 4 ફેબ્રુઆરીએ તેની હોસ્પિટલ ગઈ હતી અને હિતેન્દ્રે તેની વાત સાંભળીને મારઝૂડ કરીને તેને હોસ્પિટલમાંથી કાઢી મૂકી હતી. તે દિવસથી હર્ષા માનસિક તણાવમાં આવી જતાં, કોઈની સાથે વાતચીત કરતી નહોતી. થોડા દિવસ પહેલાં બંનેએ ધાબા પર હિતેન્દ્રનો બર્થડે ઊજવ્યો હતો, જેથી સાસુ સસરા નારાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *