કોરોનાનો કહેર:એક મહિનામાં અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 35 ટકા વધ્યા જ્યારે સુરતમાં 15 દિવસમાં અઢી ગણો વધારો થયો

Ahmedabad Gujarat
  • અમદાવાદમાં 14 ફેબ્રુઆરીએ 50 કેસ નોંધાયા હતાં જેની સરખામણીએ 14 માર્ચે 165 કેસ સામે આવ્યા
  • સુરતમાં બે સપ્તાહ અગાઉ 462 એક્ટિવ કેસ હતા જ્યારે હવે અઢી ગણા વધીને 1187 થયા

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના સુધી કોરોના લગભગ કાબુમાં આવી ગયો હતો. પરંતુ ચૂંટણીના સમયમાં લોકો નિયમોનો ઉલાળીયો કરીને રાજકીય રંગમાં રંગાઈ ગયા હતાં. જેનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. 28 ફેબ્રુઆરીના એક્ટિવ કેસનો આંક 632 હતો જ્યારે હવે 14 માર્ચના રોજ વધીને 850 થયો છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો
અમદાવાદમાં બરાબર એક મહિના અગાઉ 14 ફેબ્રુઆરીના રોજ 50 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે 14 માર્ચના રોજ 165 કેસ સામે આવ્યા છે. આમ, એક મહિનામાં જ કોરોનાના દૈનિક કેસની ગતિમાં બમણો વધારો થયો છે. હાલ અમદાવાદમાં કોરોનના કુલ કેસનો આંક 64 હજાર 636 છે જ્યારે અત્યાર સુધી 2323ના મૃત્યુ થયા છે. સુરતમા પણ કોરોનાથી સ્થિતિ સતત વકરી રહી છે. બરાબર 15 દિવસ અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ સુરતમાં 462 એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં 1187 એક્ટિવ કેસ છે.

અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થયો

અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થયો

સુરતમાં 15 દિવસમાં અઢી ગણો વધારો થયો
સુરતમાં છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસમાં અઢી ગણો વધારો નોંધાયો છે. બરાબર એક મહિના અગાઉ 14 ફેબુ્રઆરીના સુરતમાં 38 દૈનિક કેસ નોંધાતા હતા જ્યારે હવે છેલ્લા બે દિવસથી 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરથી જ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સ્થિતિ કેટલી વકરી છે તેનો અંદાજ મેળવી શકાય છે. સુરતમાં કોરોનનાા કુલ કેસનો આંક 55 હજાર 829 જ્યારે કુલ મરણાંક 978 છે.

અમદાવાદ શહેરમાં 46 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 46 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જેમાં થલતેજના 20 ઘરના 80 લોકો, વિરાટનગરની અમરકુંજ સોસાયટીના 5 ઘરના 30 લોકો અને ચાંદખેડાની સુબોધ સાગર સોસાયટીના 45 ઘરના 215 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.જ્યારે શહેરના ગોતા વિસ્તારના એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 12 ઘરના 50 લોકોને દૂર કરાયા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (15 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં 165 નવા કેસ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી બાદ તો નવા કેસોમાં તોતિંગ ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 165 નવા કેસ અને 153 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,323 પર પહોંચ્યો છે.13 માર્ચની સાંજથી 14 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 163 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 150 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 64,636 થયો છે. જ્યારે 61,463 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

ચૂંટણી અને મેચની અસર કોરોનાના કેસો પર દેખાઈ
ચૂંટણી અને મેચની અસર કોરોનાના કેસો પર દેખાઈ

સુરતમાં 99 દિવસ બાદ 241 કોરોના કેસ
સુરત શહેર જિલ્લામાં કોરોનાએ ફરીથી કહેર મચાવવાનું શરૂ કર્યું છે. શહેર જિલ્લામાં 99 દિવસ બાદ ફરી એક વખત કોરોનાના કેસની સંખ્યા વધીને 241 નોંધાઈ છે. શહેરમાં 217 અને જિલ્લામાં 24 કેસ સાથે રવિવારે શહેર જિલ્લામાં કોરોનાના 241 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 55834 થઈ ગઈ છે. ગઈ તા.5 ડિસેમ્બરના રોજ શહેર જિલ્લામાં 241 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જે ઘટીને 8 ફેબ્રુઆરીના રોજ 25 સુધી પહોંચ્યા હતા. રવિવારે શહેરમાંથી 127 અને જીલ્લામાંથી 18 મળી 145 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયાં છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 53482 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.

રાજ્યમાં 76 દિવસ બાદ ફરી કોરોનાના 810 નવા કેસ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 28 ડિસેમ્બર બાદ ફરી 810 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 810 નવા કેસ નોંધાયા છે. આમ કોરોના મામલે ગુજરાત 76 દિવસ પાછું ધકેલાયું છે. જેને પગલે રાજ્ય દિવાળી સમયની સ્થિતિ તરફ ધકેલાય રહ્યું છે.

આ 24 કલાક દરમિયાન 586 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,424 થયો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ ઘટીને 96.82 ટકા થયો છે.રાજ્યમાં છેલ્લા 22 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર થયો છે અને હાલ 4422 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *