- પિતાએ કહ્યું, ડોકટર સૌથી પહેલાં ટેસ્ટ કરાવવાનું કહે, પરિવારને થોડી પણ શંકા લાગે તો ટેસ્ટ માટે કહે, કે જેથી ભવિષ્યમાં કોઈ પોતાનું બાળક ન ગુમાવે.
ઈન્દોરમાં ઈલાજ દરમિયાન કોરોનાથી 8 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. બાળક મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાનો રહેવાસી હતો. 16 માર્ચે તેને તાવ આવ્યો હતો. તેનું ડોકટર પાસે તબીબી પરીક્ષણ કરાવાયું હતું. બાળકની સ્થિતિ ગંભીર હોવાને કારણે પરિવારના લોકો તેને ઈન્દોર લઈને આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું. અહીં કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ડોકટર્સને એટલો સમય ન મળ્યો કે તેને બચાવી શકાય. ઝાબુઆ જ નહીં ઈન્દોર જિલ્લામાં પણ પહેલી વખત આટલી નાની ઉંમરના કોઈ દર્દીનું કોરોનાને કારણે મોત થયું હોય. આ પહેલાં 14થી 15 વર્ષના બાળકોના મોત કોરોનાને કારણે થઈ ચુક્યા છે.
ઝાબુઆની ગોપાલ કોલોની નિવાસ પિતાએ જણાવ્યું કે 16 તારીખે દિકરાની તબિયત બગડી હતી. તેને ઝાબુઆમાં જ બાળકોના ડોકટરને દેખાડ્યું. 18 તારીખ સુધી બાળકનો ઈલાજ ચાલ્યો, પરંતુ કોઈ જ સુધારો ન થયો. તેને ઉલ્ટી-ઝાડા થવા લાગ્યા. ડોકટરને કહ્યું તો તેઓએ વિશ્વાસ અપાવ્યો કે તે સ્વસ્થ થઈ જશે. પરંતુ તેવું ન થયું. 19 તારીખે રાત્રે તેની તબિયત વધુ બગડી ગઈ તો 20 તારીખે ઝાબુઆમાં જ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તપાસમાં બ્લડમાં સંક્રમણ વધારે જોવા મળ્યું. પ્લેટલેટ્સ સતત ઘટી રહ્યાં હતા. લીવરમાં સોજા અને ફેફસાંમાં પણ પાણી ભરાય ગયા હતા. ડોકટરે ડેન્ગ્યૂના લક્ષણ જણાવ્યા. તબિયત વધારે બગડતા અમે અમારા પુત્રને ઈન્દોર લઈને ગયા.
23 માર્ચે રિપોર્ટ પોઝિટિવ આવ્યો
પિતાએ જણાવ્યું કે ઈન્દોરમાં એક ખાનગી હોસ્પિટલમાં પુત્રને દાખલ કર્યો. ત્યાં સુધીમાં સંક્રમણ વધી ગયું હતું. બ્લડ પ્રેશર ઘટી રહ્યું હતું. હાર્ટ યોગ્ય રીતે પમ્પ કરી રહ્યું ન હતું. તેના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા. અહીં દાખલ થયો તે પહેલાંથી જ તે ઓક્સીજન પર હતો. 23 તારીખની રાત્રે તબિયત વધુ ખરાબ થઈ તો ડોકટરોએ લેબમાં ફોન કરીને કોરોનાનો રિપોર્ટ પૂછ્યો. રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો. જે બાદ અમને સલાહ આપવામાં આવી કે બીજી હોસ્પિટલમાં લઈ જાવ. બે હોસ્પિટલવાળાઓએ બેડ ન હોવાનું કહિને દાખલ કરવાનો ઈનકાર કરી દિધો. ટી ચોઈથરામમાં ભારે મુશ્કેલી બાદ એડમિટ કરાવવામાં આવ્યો. જ્યાં દાખલ કરવામાં આવ્યા બાદ તે સ્ટેબલ હતો. અચાનક ગુરૂવાર બોપરે ડોકટરે જણાવ્યું કે વેન્ટિલેટર પર મુકવો પડશે. સાંજ સુધીમાં દિકરાના શરીરમાં જીવ જ ન બચ્યો. બધું જ ખતમ થઈ ગયું. શુક્રવાર સવારે પરિવાર લોકો મૃતદેહ લઈને ઝાબુઆ માટે રવાના થઈ ગયા.
પિતાએ કહ્યું- બાળકો હોય કે મોટાં, તાવ આવે તો તાત્કાલિક સારા ડોકટરને દેખાડો
કોરોના સામેની જંગ હારનારા બાળકના પિતાએ કહ્યું- બાળકો હોય કે મોટાં જો તાવ આવ્યો હોય કે કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોકટરને દેખાડો. કોરોના ટેસ્ટ માટે જરૂરથી જણાવો. ડોકટર પણ સૌથી પહેલાં કોરોના ટેસ્ટ કરવાનું કહે. જો મારા પુત્રના મામલે આવું થયું હોત તો શક્ય છે સંક્રમણની પહેલેથી જ જાણ પડી ગઈ હોત તો તેનો જીવ બચી ગયો હોત. અને કોઈએ પોતાના પુત્ર કે પુત્રીને ગુમાવવા ન પડત, તેથી ટેસ્ટ જરૂરથી કરાવો.
ડોકટરે કહ્યું- બાળકની સ્થિતિ ઘણી જ સીરિયસ હતી
ચોઇથરામ હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. અમિત ભટ્ટ સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે બુધવારે બાળકને ખાનગી હોસ્પિટલથી અમારે ત્યાં રેફર કરવામાં આવ્યો હતો. બાળક જ્યાં સુધીમાં અમારે ત્યાં આવ્યો તેની સ્થિતિ ઘણી જ ગંભીર થઈ ગઈ હતી. તેને બચાવવા માટે ઘણાં જ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ગુરૂવારે સાંજે તેનું નિધન થઈ ગયું.