છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસ દિવસે ને દિવસે નવો રેકોર્ડ સર્જી રહ્યાં છે. કેસની સાથે સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યું છે. હોસ્પિટલમાં દાખલ થવાથી માંડી સ્મશાનોમાં પણ લાબું વેઈટિંગ ચાલી રહ્યું છે. વેજલપુર વિસ્તારમાં શબવાહિની ના આવતાં સ્વજનોએ પેડલરિક્ષામાં મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી.

બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે બુધવારે પણ 50થી વધુ એમ્બ્યુલન્સની લાઈન લાગી હતી. રાજકોટના એક દર્દીને તેના સંબંધીઓ ઓક્સિજન સિલિન્ડર સાથે ઊંચકીને આ રીતે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ધન્વંતરિ હોસ્પિટલમાં દાખલ થવા ટોકન લેવું પડશે
યુનિવર્સિટીના કન્વેશન સેન્ટરમાં ઊભી કરાયેલી 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિશન લેવા માટે દર્દીના સગાંએ ફોર્મ ભરી કોરોના રિપોર્ટ અને અન્ય રિપોર્ટ આપીને ટોકન લેવાનું રહેશે. સવારે 8થી 9ના ગાળામાં હોસ્પિટલની બહારથી ફોર્મ લેવાનું રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે ટોકન લઈને આવવાનું રહેશે. જે દર્દીનું ઓક્સિજન લેવલ 92 ટકાથી ઓછું હશે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા અપાશે. જેટલા બેડ પ્રવેશ પાત્ર હશે એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ખાલી બેડની વિગત ડિસપ્લે બોર્ડ પર પણ મુકાશે.
હોસ્પિટલ રિયલ ટાઇમ બેડની માહિતી આપશે
તમામ હોસ્પિટલને આદેશ અપાયો છેકે, રાજ્ય સરકારની વેબસાઇટ પર રિયલ ટાઇમ બેડની ઉપલબ્ધતાની માહિતી સતત અપલોડ કરવાની રહેશે. તમામ હોસ્પિટલની બહાર ડિસપ્લે બોર્ડ મુકવાનું રહેશે. જેમાં કેટલા બેડ ખાલી છે તે દર્શાવવાનું રહેશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 5672 કેસ નોંધવાની સાથે 26 દર્દીના મૃત્યુ થયા છે. રાહતની વાત એ છે કે,2200થી વધુ દર્દી સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ પણ શહેરમાં 55,618 અેક્ટિવ કેસ છે. 207 ક્રિટીકલ કેરના બેડ ઉપલબ્ધ હોવાનું પણ મ્યુનિ.એ જણાવ્યું છે. શહેરમાં કુલ કેસનો આંકડો દોઢ લાખને પાર કરી ગયો છે. બુધવારે 20624 લોકોએ વેક્સિન લીધી હતી.