ભાજપ શાષિત ખેડબ્રહ્મા નગરપાલિકામાં મંગળવારે 11 કાઉન્સીલરોઅે કારોબારી ચેરમેનની કાર્ય પદ્વતિ અને વલણ સામે વિરોધ દર્શાવી નગરપાલિકા પ્રમુખને વિવિધ સમિતિઓમાંથી રાજીનામા આપી આગામી સમયમાં સભ્ય પદેથી રાજીનામાની ચીમકી ઉચ્ચારતા રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી.
11 સભ્યોએ એકઠા થઈ વિવિધ સમિતિપદેથી રાજીનામાં આપ્યા.
ખેડબ્રહ્મા પાલિકામાં સત્તાધારી ભાજપના સભ્યોમાં ઘણા લાંબા સમયથી અંદરખાને ચાલી આવતો ખટરાગ આખરે બહાર આવ્યો હતો. 11 સભ્યોએ સોમવારે ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અરવિંદભાઇ રાવલને મળી કારોબારી ચેરમેનના વલણ સામે અસંતોષ હોઇ તેમને દૂર કરવા જાણ કરી હતી અને અલ્ટીમેટમ આપ્યું હતું કે કારોબારી ચેરમેનને દૂર કરવામાં આવે નહિતર મંગળવારે બપોરે રાજીનામાં આપી દઇશ. પંરતુ ભાજપ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા મંગળવારે સાંજે 11 સભ્યોએ એકઠા થઈ નગર પાલિકા પ્રમુખ જલકબેન એમ પટેલને વિવિધ સમિતિપદેથી રાજીનામાં આપી દીધા હતા.
રાજીનામાં સાથે એક કાગળમાં જણાવ્યાનુસાર ભાજપના મેંડેટ ઉપર ચૂંટાયેલ 10 સભ્યોએ અને 1 ઉપ પ્રમુખ દ્વારા કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર મહેતાની કાર્ય પદ્ધતિ અને સભ્યોના કામ ન થતાં હોવાથી અને શહેરમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠવા પામી હોઇ ભાજપના ચૂંટાયેલ 14 માંથી 11 સભ્યોએ વિવિધ સમિતિઓમાંથી સ્વેચ્છાએ રાજીનામાં આપી દેતા સત્તાધારી પક્ષ ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો.આ અંગે કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર મહેતાના જણાવ્યાનુસાર આ બાબતે કોઈ જાણ નથી નોંધનીય છે કે આજે બુધવારે બપોરે 3 કલાકે નગરપાલિકામાં કારોબારી સમિતિની મિટીંગ છે અને રાજીનામા આપેલ સભ્યો હાજર રહે છે કે નહીં તે જોવુ રસપ્રદ બની રહેશે.
ઉચ્ચ કક્ષાએ જાણ કરાશે
11 સભ્યોએ સમિતિ પદેથી રાજીનામા આપ્યા છે આ અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરાશે
રાજીનામુ આપનાર સમિતિઓના સભ્યો
- અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કર – પસંદગી સમિતિ (ઉપપ્રમુખ પદેથી નથી આપ્યું )
- દશરથભાઈ કાળુભાઇ પ્રજાપતિ – ચેરમેન, દીવાબત્તી સિમિતિ
- નવીનભાઈ અભેસિંગ વસાવા – ચેરમેન ટાઉન હૉલ સમિતિ
- ઇશ્વરભાઇ સાજુભાઈ તરાલ – ચેરમેન સામાજિક ન્યાય સમિતિ
- નિકુંજકુમાર યોગેશભાઈ રાવલ- ચેરમેન પાણી પુરવઠા સમિતિ
- બ્રિજેશકુમાર નારાયણદાસ બારોટ – ચેરમેન ટાઉન પ્લાનિંગ સમિતિ
- સોનુબેન ઈશ્વરભાઇ પટેલ – ચેરમેન બગીચા સમિતિ
- પપલબેન તારાચંદ પ્રજાપતિ – ચેરમેન વસૂલાત સમિતિ
- મધુબેન નરસિંહભાઈ પટેલ – ચેરમેન બાંધકામ સમિતિ
- નિશાબેન દિલીપભાઇ રાવલ – ચેરમેન આરોગ્ય સમિતિ
- અન્નપૂર્ણાબેન સતિષભાઇ રાવલ – ચેરમેન ગુમાસ્તા સિમિતિ