LACથી ચીનની સેના 2 કિમી પાછળ હટી, પ્રક્રિયા પૂર્ણ, ચીની સૈનિકોએ તંબૂ પણ ખસેડ્યા

india National Politics Politics
  • હોટ સ્પ્રિંગના પેટ્રોલિંગ પોઇન્ટ 15 ખાતેથી 2 કિમી પાછળ હટ્યું

નવી દિલ્હી. પૂર્વ લદાખમાં એલએસી નજીક અથડામણનું મુખ્ય કેન્દ્ર રહેલા હોટ સ્પ્રિંગથી ચીનની સેનાએ બુધવારે તેના અસ્થાઈ તંબૂ અને સેના સંપૂર્ણપણે હટાવી લીધાં છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યીની બે કલાક ફોન પર થયેલી વાતચીત પછી પીછેહઠ કરવાની પ્રક્રિયા સોમવારે સવારે શરૂ થઇ હતી. આ વાતચીતમાં બંને પક્ષો સંમત થયા હતા કે ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા માટે બંને દેશ પોત-પોતાની સેના પાછળ ખસેડશે. તેના પછી ગલવાન ખીણ, હોટ સ્પ્રિંગ, ગોગ્રા અને પેંગોંત ત્સોના વિસ્તારમાંથી સેના પાછળ ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. 

એક સૈન્ય અધિકારીના જણાવ્યાનુસાર હોટ સ્પ્રિંગના પેટ્રોલિંગ પોઇન્ટ 15થી ચીનની સેના હટવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. જ્યારે ગોગ્રા(પેટ્રોલિંગ પોઇન્ટ 17એ)થી ગુરુવાર સુધીમાં ચીનની સેના પીછેહઠ કરી લેશે. હવે આગામી અમુક દિવસોમાં વિસ્તૃત તપાસ કરવામાં આવશે કે પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ગોગ્રા અને હોટ સ્પ્રિંગ એ જ મુખ્ય સ્થળો છે જ્યાં બંને દેશની સેનાઓ આઠ અઠવાડિયાંથી સામ-સામે હતી. 

પૂર્વ ભુતાનની જમીન પર ચીનના દાવા સામે ભુતાનના દૂતાવાસે કહ્યું- સરહદ અંગે વાતચીત જારી 
ચીન અને ભુતાન વચ્ચે પણ સરહદી વિવાદ વકરતો જઇ રહ્યો છે. ચીનના પૂર્વ ભુતાનમાં એક વિવાદિત જમીન પર દાવા વચ્ચે રોયલ ભુતાન દૂતાવાસે બુધવારે ચીનના દાવાનું સત્ય જણાવ્યું. દૂતાવાસે કહ્યું કે ભુતાન-ચીન વચ્ચે સરહદ નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે. હાલ તેનું સીમાંકન કરાયું નથી. દૂતાવાસે કહ્યું કે ચીન-ભુતાન વચ્ચે સરહદ અંગે 24 રાઉન્ડની મંત્રી સ્તરની મંત્રણા થઇ ચૂકી છે. 25મા રાઉન્ડની વાતચીતમાં કોરોના વાઈરસને લીધે વિલંબ થયો હતો. તમામ વિવાદિત ક્ષેત્રો અંગે આગામી દોરમાં ચર્ચા કરાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *