- સુપ્રીમ કોર્ટે 9 જાન્યુઆરીએ કહ્યું હતું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, હિંસા અટકશે પછી સુનાવણી કરાશે
- દિલ્હીના શાહીનબાગમાં 38 દિવસથી મહિલાઓના ધરણાં, પૂર્વોત્તરની 9 યુનિવર્સિટી આ કાયદાના વિરોધમાં બંધ
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ દાખલ 144 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ કાયદાના સમર્થન અને વિરોધ વિશેની દરેક અરજીઓ પર સુનાવણી કરશે. તે ઉપરાંત કાયદાની બંધારણ મુજબ તથ્યતાની તપાસ પણ કરવામાં આવશે. આ સિવાય બેન્ચ કેન્દ્રની તે અરજી વિશે પણ સુનવાણી કરશે જેમાં આ મામલે હાઈકોર્ટની પેન્ડિંગ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ને હટાવવા વિશેની અરજીઓની પણ સુનાવણી કરાશે.
CAA અંતર્ગત 31 ડિસેમ્બર 2014થી ભારતમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, ઈસાઈ, જૈન અને પારસી સમુદાયના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભા અને રાજ્યસભામાં આ ખરડો પસાર થયા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 12 ડિસેમ્બર 2019ના રોજ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. ત્યારપછી કાયદો બનાવવામાં આવ્યો છે. તેના વિરોધમાં પૂર્વોત્તર સહિત સમગ્ર દેશમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન થયેલી હિંસામાં યુપી સહિત ઘણાં રાજ્યોના લોકોના જીવ પણ ગયા છે.
કઈ અરજીમાં શું કહેવામાં આવ્યું છે?
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ: IUMLએ તેમની અરજીમાં કહ્યું છે- સીએએ સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમાં ગેરકાયદે પ્રવાસીઓના એક ગ્રૂપને નાગરિકતા આપવાની અને ધર્મના આધારે તેમાં પક્ષપાત કરવામાં આવ્યો છે. તે બંધારણના મૂળભૂત માળખા વિરુદ્ધ છે. આ કાયદો સ્પષ્ટ રીતે મુસ્લિમો સાથે ભેદભાવ કરી રહ્યો છે. કારણ કે આ કાયદાનો લાભ માત્ર હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈને મળવાનો છે. સીએએ પર વચગાળાનો પ્રતિબંધ લગાવવો જોઈએ. તે સાથે જ ફોરેન એમન્ડમેન્ટ ઓર્ડર 2015 અને પાસપોર્ટ એન્ટ્રી અમેન્ડમેન્ટ રુલ્સ 2015ના ક્રિયાશીલથવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવે.
કોંગ્રેસ: જયરામ રમેશે અરજીમાં કહ્યું છે કે, આ કાયદો બંધારણ તરફથી આપવામાં આવેલા મૌલિક અધિકારો પર હુમલો કરે છે. આ સમાન લોકો સાથે અસમાન વ્યવહાર કરે છે. કાયદા વિશે એ સવાલ છે કે, ભારતમાં નાગરિકતા આપવા અથવા ન આપવા માટે ધર્મ આધાર હોઈ શકે છે? એ સ્પષ્ટ છે કે સિટિઝનશીપ એક્ટ 1995માં ગેરબંધારણીય સંશોધન છે. શંકાસ્પદ કાયદો બે પ્રકારનું વર્ગીકરણ કરે છે. પહેલાં ધર્મના આધારે અને બીજું ભૌગોલિક પરિસ્થિતિના આધારે. બંને વર્ગીકરણોનું તે હેતુ સાથે કોઈ સંબંધ નથી, જે માટે આ કાયદાને લાવવામાં આવ્યો છે. એટલે કે ભારત આવેલા એવા ગ્રૂપને છત, સુરક્ષા અને નાગરિકતા આપવી જેનું પડોશી દેશોમાં ધર્મના આધાર શોષણ કરવામાં આવતું હોય.
આરજેડી, તૃણમૂલ, AIMIM: આરજેડી નેતા મનોજ ઝા, તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રા, AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસીએ સીએએના બંધારણીય અસ્તીત્વ સામે સવાલ ઉભા કર્યા છે. જમીયત ઉલેમા-એ-હિન્દ, ઓલ ઈન્ડિયા આસામ સ્ટુડન્ટ યુનિયન, પીસ પાર્ટી, સીપીઆઈ, એનજીઓ રિહાઈ મંચ અને વકીલ એમએલ શર્મા અને અમુક લૉના વિદ્યાર્થીઓએ સીએએ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.
કેરળ: મુખ્યમંત્રી પિનરઈ વિજયન કાયદાને ધર્મનિરપેક્ષ વિરુદ્ધ ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. કેરળ સરકારે કહ્યું હતું કે, અમે કાયદા વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રાખીશું કારણકે આ દેશની ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રને નુકસાન પહોંચાડે તેવો છે. કેરળ સિવાય પંજાબ વિધાનસભાએ પણ સીએએ વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાશ અને મહારાષ્ટ્ર જેવા બિન ભાજપ શાસિત રાજ્યોએ પહેલેથી જ આ કાયદાને લાગુ ન કરવાની વાત કરી છે.
કોર્ટે ગઈ સુનાવણીમાં શું કહ્યું હતું- અમારુ કામ તથ્યતા તપાસવાનું
સુપ્રીમ કોર્ટે 9 જાન્યુઆરીએ કાયદાને બંધારણીય ગણાવવાની માંગણી કરતી અરજી વિશે સુનાવણી કરી હતી. બેન્ચે તુરંત સુનાવણીનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, દેશ અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યાં હિંસા અટકશે ત્યારે સુનાવણી કરવામાં આવસે. પહેલીવાર આવું બન્યું છે કે, જ્યારે કોઈ દેશ કાયદાને બંધારણમાં ગણાવવાની માંગણી કરે છે, જ્યારે અમારુ કામ તો તથ્યતા તપાસવાનું છે.