2020માં ડર 2021માં આક્રોશઃ તંત્રની ઘોર બેદરકારીને કારણે માંડમાંડ પાટે ચડેલી આર્થિક સ્થિતિ પડી ભાંગી

Ahmedabad Gujarat

કોરોનાના કેસો (Corona Cases) વધતા ગયા વર્ષે આજના દિવસે લોકડાઉન (Lockdown) લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છતાં કોરોનાની સ્થિતિ જે હતી ત્યાં જ છે. આ દરમિયાન લોકોએ સ્વજનો ગુમાવ્યા અને રોજગારી ગુમાવી. 2020માં જ્યારે કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે લોકોમાં ડર જોવા મળતો હતો. 2021માં માંડ થાળે પડેલી સ્થિતિમાં ચૂંટણી પછી તંત્રની ઘોર બેદરકારીને કારણે પહેલાં જેવી સ્થિતિ થઈ ગઈ છે. વધતાં કેસોને લીધે હાલ ગુજરાતમાં રાત્રી કરફ્યૂનો સમય લંબાવી દેવાતાં રાત્રી બજારો બંધ થતાં અનેક લોકોને આર્થિક ફટકો પડ્યો છે. એટલે હજુ પણ લોકો આર્થિક સંકડામણમાં ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે. વર્ષ 2020માં કોરોનાનો ડર હતો જ્યારે વર્ષ 2021માં કોરોના ડરની સાથે આક્રોશ છે.

કોરોનાને લીધે ગત માર્ચ 2020થી લાગુ કરાયેલાં લોકડાઉનને લીધે અનેક લોકોની આર્થિક અને માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. લોકડાઉનની શરૂઆતમાં તો કેટલાક લોકોને કોરોનાનો ડર એટલો લાગતો હતો કે તેઓ ઘરની બહાર જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા જતા પણ ડરતા હતા. લોકડાઉનની શરૂઆતમાં મધ્યમ વર્ગ અને ગરીબ લોકોએ કરેલી બચતને વાપરી એટલે છોડો સમય કોઈ તકલીફ પડી નહીં. પરંતુ જેમ જેમ લોકડાઉન વધતું ગયું તેમ બચત પણ પૂરી થતાં લોકો આર્થિક સંકડામણમાં આવી ગયા. જો કે લોકડાઉનની અસર અર્થતંત્ર પર પણ પડતાં અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ. કેટલાય લોકોની નોકરી જતી રહી હોવાથી કેટલાક લોકોએ ધંધા શરૂ કર્યાં. તો કેટલાક લોકો આર્થિક ભીંસમાં આવતાં તેમને ધંધા બંધ કરવા પડ્યા હતા.

કોરોનાની થપાટને લીધે કેટલીય નાની મોટી ફેક્ટરીઓ બંધ થઈ જે હજુ સુધી ચાલુ થઈ શકી નથી. પરપ્રાંતિય મજૂરો તેમના રાજ્યમાં જતા રહ્યા હતા. પણ નાછૂટકે રોજગારી માટે પાછા આવવા મજબૂર બન્યા. પરંતુ તેમને પણ અગાઉ કરતાં ઓછી મજૂરી મળતી હોવા છતકાં નાછૂટકે મજૂરી કરવા મજબૂર બન્યા છે.

જો કે ધીમે ધીમે અનલોક થતાં લોકોના ધંધાને અસર પડી હોવાથી લોકો કંટાળી ગયા હતા. દરમિયાન ધીમે ધીમે લોકોના ધંધા શરૂ થયા. તેવામાં દિવાળીની ખરીદીમાં ભારે ભીડ થતાં અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોનાનાં કેસોમાં ફરી ઉછાળો આવતાં પાછો રાત્રિ કરફ્યૂ સહિતના અંકુશ લાદી દેવાયા હતા. તેમાંથી માંડ માંડ ફરી ધંધા શરૂ થયા હતા. તેવામાં ફરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફેબ્રુઆરીના અંતથી કોરોનાના કેસોમાં હાલ વધારો થઈ રહ્યો હોવાથી બાગબગીચા, શાળા કોલેજો બંધ કરવા સહિત રાત્રિ કરફ્યૂનો સમયગાળો લંબાવી દેવાતા લોકોમાં આક્રોશ છે. તેમાં પણ રાત્રિ ખાણીપીણીના બજારોના નાની મોટી લારીઓ ચલાવતાં લોકોનાં ધંધા પડી ભાગ્યા છે. એટલે લોકડાઉન થયાને એક વર્ષ પુર્ણ થયું છે. ત્યારે હાલ લોકોમાં કોરોનાના ડરની સાથે ધંધા રોજગારને લઈને આક્રોશ છે. જ્યારે ગત લોકડાઉન કરાયું ત્યારે લોકોમાં કોરોનાનો ડર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *