- અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણા દેશો પ્રતિબંધો હળવા કરી રહ્યા છે
- વોશિંગ્ટનના સ્પોકન શહેરમાં પાસ્તા ફેક્ટરીમાં 22 કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા
વોશિંગ્ટન. અમેરિકામાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોના સંક્રમણનું જોખમ વધી ગયું છે. મિસોરીમાં એક સંક્રમિત સેલૂન વર્કરથી 91 લોકોમાં કોરોના ફેલાયો છે. તેમાં 84 ગ્રાહક, 7 સેલૂન વર્કર છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જે સેલૂન વર્કરથી ચેપ ફેલાયો છે તે લોકડાઉન ખુલ્યા બાદ 8 દિવસ કામ પર આવ્યો હતો.
મિસોરીમાં 4મેના રોજ સેલૂન ખુલી ગયા હતા. અહીં કોરોનાના અત્યાર સુધી 11 હજાર 752 કેસ સામે આવ્યા છે. જ્યારે 676 મૃત્યુ થયા છે. મિસોરીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા માઈક પાર્સન ગવર્નર છે. ટ્રમ્પ શરૂઆતથી જ લોકડાઉન ખોલવા પર ભાર આપી રહ્યા હતા.
પાસ્તા ફેક્ટરીમાં 22 કર્મચારીઓને ચેપ લાગ્યો
વોશિંગ્ટનના સ્પોકેન શહેરમાં પાસ્તા ફેક્ટરીમાં 22 કર્મચારીઓ સંક્રમિત થયા. ડેમોક્રેટિક પાર્ટીના નેતા જે ઈન્સલી વોશિંગ્ટનના ગવર્નર છે. ઈન્સલીએ લોકડાઉન ખોલવામાં ટ્રમ્પના આગ્રાહની આલોચના કરી હતી. વોશિંગ્ટનમાં આંશિક લોકડાઉન ખોલવામાં આવ્યું છે. તેના અંતર્ગત અમુક ખાદ્ય ઉદ્યોગો ખોલવામાં આવ્યા છે.
વોશિંગ્ટનમાં હેર સેલૂન, જિમ 1 જૂન બાદ ખુલી શકે છે. અહીં અત્યાર સુધી 20 હજાર 395 કેસ સામે આવ્યા છે. જ્યારે 1067 મોત થયાં છે. અમેરિકાના તમામ 50 રાજ્યોએ જુદા જુદા સમયે લોકડાઉન ખોલ્યું હતું
એક લાખ મોત છતાં ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા છેઃબાઈડેન
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના પ્રબળ દાવેદાર જો બાઈડને ટ્રમ્પની ટીકા કરી છે. બાઈડેનના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાથી લગભગ એક લાખ લોકોના મોત થયા છે અને ટ્રમ્પ ગોલ્ફ રમે છે. ટ્રમ્પ લોકડાઉન શરૂ થયા બાદ પહેલી વખત શનિવારે વર્જિનિયામાં ગોલ્ફ રમ્યા હતા. અમેરિકામાં અત્યાર સુધી 16 લાખ 66 હજાર 829 કેસ સામે આવ્યા છે. જ્યારે 98 હજાર 683 લોકોનાં મોત થયાં છે.