રશિયામાં સંક્રમણ વધ્યું, રોજ 10 હજારથી વધુ કેસ, મોસ્કો સહિત 85 હોટસ્પોટ જાહેર

World
  • વિશ્વના એવા બીજા દેશની સ્થિતિ કે જ્યાં કોરોનાના નવા કેસ સૌથી વધુ આવી રહ્યા છે
  • મેયરની ચેતવણી- મોસ્કોમાં અઢી લાખ લોકો સંક્રમિત થઇ શકે છે, હાલ 92,676

મોસ્કો . રશિયા વિશ્વનો એવો બીજો દેશ બની ગયો છે કે જ્યાં કોરોનાના નવા સૌથી વધુ કેસ આવી રહ્યા છે. અહીં છેલ્લા 5 દિવસમાં રોજ ઓછામાં ઓછા 10 હજાર કેસ સામે આવ્યા છે. રશિયાથી વધુ કેસ માત્ર અમેરિકામાં જ નોંધાઇ રહ્યા છે. રશિયામાં અત્યાર સુધીમાં 1,87,859 કેસ નોંધાયા છે. જોકે, અહીં દૈનિક મૃત્યુદર 0.9 ટકા જ છે. અત્યાર સુધીમાં 1,723 મોત થયાં છે. રશિયા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચમો દેશ છે. 

સરકારે દેશમાં 85 હોટસ્પોટ અલગ તારવ્યા છે, જેમાંથી રાજધાની મોસ્કો સૌથી મોટું હોટસ્પોટ છે. અહીં અંદાજે 50 ટકા એટલે કે 92,676 કેસ સામે આવ્યા છે. મેયર સર્ગેઇ સોબયાનિને ચેતવણી આપી છે કે મોસ્કોમાં અઢી લાખ લોકો સંક્રમિત થઇ શકે છે. અહીં લૉકડાઉન 31 મે સુધી લંબાવી દેવાયું છે. જાહેર સ્થળો અને વાહનોમાં માસ્ક તથા ગ્લોવ્સ ફરજિયાત કરી દેવાયાં છે. લોકોને કડક આદેશ છે કે તેઓ અત્યંત જરૂરી કામ માટે જ ઘરની બહાર નીકળે. કામ પર જવા ઇચ્છતા લોકો પહેલાં સરકારી પાસ કઢાવે. 

રશિયન સરકારે 11 મે સુધી નોન-વર્કિંગ પિરિયડ જાહેર કર્યો છે જ્યારે જુદા-જુદા રાજ્યોએ પોતપોતાના સ્તરે લૉકડાઉનનું લેવલ નક્કી કર્યું છે. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિને કહ્યું કે  રશિયામાં પીપીઇ, માસ્કની અછત છે. સેન્ટ પીટર્સબર્ગની એક જ હોસ્પિટલમાં 111 સ્વાસ્થ્યકર્મી કોરોના પોઝિટિવ થઇ ચૂક્યા છે. ઘણા સ્વાસ્થ્યકર્મીઓએ કહ્યું કે પીપીઇ તો દૂરની વાત છે, તેમને માસ્ક પણ નથી અપાયાં. ફરિયાદ કરે તો નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી અપાય છે. ઘણા સ્વાસ્થ્યકર્મીઓએ નોકરી છોડી દીધી છે અને બીજું કામ શોધી રહ્યા છે. 

97 ડૉક્ટરનાં મોત થયાં છે, હેલ્થકર્મીઓ માટે માસ્ક ઓછા
રશિયામાં કોરોનાથી 97 ડૉક્ટરનાં મોત થઇ ચૂક્યાં છે. હજારો સ્વાસ્થ્યકર્મી સંક્રમિત છે. સ્વાસ્થ્યકર્મીઓ પર કેટલું દબાણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બે અઠવાડિયામાં ત્રણ સંક્રમિત ડૉક્ટર હોસ્પિટલની બારીમાંથી કૂદી ચૂક્યા છે, જેમાંથી બેનાં મોત થયાં છે. જોકે, આ બનાવોને આપઘાત ગણાવવાનો એજન્સીઓએ ઇનકાર કર્યો છે. બનાવોની તપાસ થઇ રહી છે. મીડિયામાં આની ટીકા થઇ રહી છે.

રશિયામાં 1 લાખ લોકો દીઠ 27 વેન્ટિલેટર પણ મોટા ભાગના જૂના
જોન હોપકિન્સ સેન્ટરના રિપોર્ટ મુજબ રશિયામાં દર એક લાખ લોકો દીઠ 27 વેન્ટિલેટર છે, જેમાંથી મોટા ભાગના 1990ના દાયકામાં બનેલા છે. ડૉક્ટર્સનું કહેવું છે કે તે વેન્ટિલેટરની ક્ષમતા નવા વેન્ટિલેટરથી ઘણી ઓછી છે. જોકે, સંખ્યાની વાત કરીએ તો અમેરિકામાં રશિયાથી પણ ઓછા, એક લાખ લોકો દીઠ 19 વેન્ટિલેટર જ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *