- કોરોનાના મૃતકોના શરીર પર થેલા મૂકી દીધા
- એક જ દિવસમાં 18 લાશના અંતિમ સંસ્કાર કરાયા
- કોરોના પ્રોટોકોલથી જુલાઈમાં 101 અંતિમ સંસ્કાર થયા જ્યારે ઓગસ્ટમાં 334ના થયા
રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે. કોવિડના શબઘરમાં મોટા રૂમને બદલે એક લાંબી લોબી હતી જેમાં એક દીવાલ પાસે લાશો રાખેલી હતી જ્યારે તેની બાજુમાં જ સાવરણા, ભંગાર તેમજ બીજો કચરાનો સામાન પડ્યો હતો. એક લાશની ઉપર તો થેલા અને કોથળીઓ રાખી દેવાની બેદરકારી પણ હતી. આ લોબીમાં 9 લાશ હતી. મોતનો આંકડો છુપાવવા માટે મોટાભાગે રાત્રે જ સ્મશાનમાં મૃતદેહોને લઈ જવામાં આવતા હતા. શબવાહિનીના ડ્રાઈવર તથા સ્મશાનમાં કાર્યરત સેવકો પાસે જમવાનો કે આરામનો પણ સમય હોતો નથી એટલા મોટા પ્રમાણમાં મૃતદેહો સ્મશાનમાં આવી રહ્યા છે.
રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોત મામલે સિવિલ હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે અને મોતની હકીકત શું છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે કોવિડ હોસ્પિટલથી શરૂ કરી સ્મશાન ગૃહ સુધી સતત 14 કલાક નજર રાખતા ચોંકાવનારી હકીકત બહાર આવી છે. જે અહીં તાદ્દશ કરાઈ છે. સિવિલમાં ભાસ્કરની ટીમ સવારે 8 કલાકે જ પહોંચી ગઈ હતી. ત્યાંનો સ્ટાફ મૃતદેહોની અંતિમવિધિ માટે સ્મશાનગૃહ અને કબ્રસ્તાનમાં ફોન કરતા હતા. ત્યાં જોવા મળ્યું કે શબવાહિનીઓ વારાફરતી આવીને શબ લઈને જતી હતી. એક શબવાહિનીમાં એક શબ લઈ જાય તો ક્યારે લાશ પૂરી થાય તે નક્કી ન હોવાથી એક વાહનમાં બે શબ પડ્યા હતા. આ દૃશ્યો નિહાળ્યા બાદ આખરે કેટલી લાશો પડી છે તે જાણવા કોવિડના શબઘરમાં જવાનું જોખમ દિવ્ય ભાસ્કરની ટીમે લીધું.

મૃતદેહ પર જ બેગ સહિતનો સામાન મુકવામાં આવ્યો.
શબઘરનું બોર્ડ મારેલો એક દરવાજો હતો તે ખોલતાં જ અંદરની સ્થિતિ જોઈ. એક લાંબી લોબીમાં દીવાલ પાસે લાશો રાખેલી હતી જ્યારે તેની બાજુમાં જ સાવરણા, ભંગાર તેમજ બીજો કચરાનો સામાન પડ્યો હતો. એક લાશની ઉપર તો થેલા અને કોથળીઓ રાખી દેવાની બેદરકારી પણ હતી. આ લોબીમાં 9 લાશ ગણી હતી. શબઘરની બહાર નીકળતી વખતે બે ડેડબોડીને શબવાહિનીમાં લઈ જવાઈ રહી હતી પીપીઈ કિટ સાથે જ ભાસ્કરની ટીમે ડ્રાઈવરને પૂછ્યું કેટલામો ફેરો છે? ડ્રાઈવરે કહ્યું સવારથી અત્યાર સુધીમાં 6 ફેરા કરી ચૂક્યો છું દરેક ફેરામાં બે લાશ લીધી છે વધુ નથી લીધી.
લાશને રામનાથપરા સ્મશાન, 80 ફૂટ રોડ સ્મશાન તેમજ મૃતક મુસ્લિમ હોય તો કબ્રસ્તાન લઈ જવાય છે. શબવાહિની પાછળ પાછળ રામનાથપરા સ્મશાન પહોંચ્યા જ્યાં ભઠ્ઠી સંચાલન કરતા દિનેશભાઈએ કહ્યું કે, બપોરે 1 વાગ્યા સુધીમાં 8 લાશ આવી ગઈ છે ભઠ્ઠી સતત ચાલુ જ છે. છેલ્લા 20 દિવસથી સ્થિતિ બહુ બગડી છે. ઘણા મૃતદેહો આવે છે એટલે 24 કલાક કામ થાય છે સુવાનો પણ સમય નથી મળતો. ભઠ્ઠીનું મહત્તમ તાપમાન 600 ડિગ્રી સેલ્શિયસ છે તેથી એક સામાન્ય કદ ધરાવતી લાશને પંચમહાભૂતમાં વિલીન થતા 1થી 1.5 કલાક થાય પણ કોરોના જેવી બીમારી હોય તેમજ શરીર જાડું હોય તો 3 કલાક પણ થઈ જાય. 27 ઓગસ્ટે તો 24 કલાકમાં જ 18 લાશ આવી. એક વાર તો મોટર ઓવરહીટ થઈ જતા બંધ થઈ હતી. આટલી વખત કદી ભઠ્ઠી ચાલુ રહી નથી. દિવસ દરમિયાન બપોરે બે કલાક એકપણ લાશ ન આવી કારણ કે, ત્યારે ડ્યૂટી બદલી હોવાનું જાણવા મળ્યું હતું.
મૃત્યુ પહેલા વૃદ્ધાએ પરિવાર સાથે વાતચીત કરી કહ્યું હતું, બેદરકારીના લીધે મોત જ દેખાય છે!
કોરોનાને કારણે ઘણા વૃદ્ધોનાં મોત નીપજ્યા છે. આ પૈકીના જ એક વૃદ્ધાએ પોતાના ઘરે ફોન કર્યો આ સમયે તેઓ આઈસીયુમાં ઓક્સિજન પર હતા એટલે પૂરું બોલી પણ શકતા ન હતા. ઘરે પરિવારજનોને કહ્યું કે મશીનોના અવાજથી આખી રાત ઊંઘ નથી આવતી, લોકોને અહીંયા લવાય છે પણ કોઇ બહાર જતું નથી. મારી સામે જ ગઈ રાતે 5ના જીવ ગયા. એક જગ્યાથી બીજી જગ્યાએ ફેંકી દે છે. અત્યારે એક ભાઈ ગુજરી ગયા મને તો બધે મોત જ દેખાય છે વૃદ્ધાએ ઘરે 3 વખત ફોન કરી સિવિલમાંથી લઈ જવાની વિનંતી કરી તે તમામનું રેકોર્ડિંગ ભાસ્કર પાસે છે. પરિવારજનોએ ફોન પર વૃદ્ધાને સાંત્વના આપી અને પછી થોડા જ સમય બાદ હોસ્પિટલમાંથી માઠા સમાચાર મળ્યા.
રાતે જ સૌથી વધુ અંતિમસંસ્કાર
ટીમ રાત્રી દરમિયાન ફરી સ્મશાને પહોંચતા જાણવા મળ્યું કે, સૌથી વધુ લાશ રાત્રે જ લવાય છે, રાત્રીના 9થી સવારના 7 સુધીમાં જ 7થી 10ના અંતિમ સંસ્કાર કરાય છે તેવું સ્મશાનના રજિસ્ટરમાં જોવા મળ્યું હતું.
27મીએ સૌથી વધુ 18 અંતિમ સંસ્કાર કરાયા
તારીખ | અંતિમ સંસ્કાર |
27 ઓગસ્ટ 2020 | 18 |
28 ઓગસ્ટ 2020 | 16 |
29 ઓગસ્ટ 2020 | 12 |
30 ઓગસ્ટ 2020 | 14 |
31 ઓગસ્ટ 2020 | 9 |
1 સપ્ટેમ્બર 2020 | 13 |
2 સપ્ટેમ્બર 2020 | 13 |
3 સપ્ટેમ્બર 2020 | 14 |
સપ્ટેમ્બરના 3 દિવસમાં 40ની અંતિમવિધિ થઈ
માસ | પ્રોટોકોલથી અંતિમવિધિ |
એપ્રિલ | 5 |
મે | 7 |
જૂન | 20 |
જુલાઈ | 101 |
ઓગસ્ટ | 334 |
સપ્ટેમ્બરના ત્રણ દિવસમાં | 40 |
કુલ | 507 |