સાઉધમ્પ્ટન. વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગ રંગભેદ અંગે પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં રડી પડ્યો. તે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટમાં કોમેન્ટરી કરી રહ્યો છે.
તેણે કહ્યું કે, જાતિવાદ અંગે સમાજે પોતાનું વલણ બદલવું જોઈએ. હોલ્ડિંગ પોતાના માતા-પિતાને યાદ કરતાં ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું કે, સાચું કહું તો ભાવુક ક્ષણ ત્યારે આવે છે, જ્યારે હું મારા માતા-પિતા અંગે વિચારું છું.
66 વર્ષના હોલ્ડિંગે કહ્યું, ‘હું જાણું છું કે મારા માતા-પિતાએ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું છે. મારી માતાના પરિજનોએ તેમની સાથે વાત કરવાનું માત્ર એટલા માટે બંધ કરી દીધું હતું, કેમ કે તેમના પતિ (મારા પિતા) વધુ પડતા ડાર્ક હતા’.
હું જાણું છું તેમણે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને મને આ બધું અચાનક યાદ આવી ગયું. હોલ્ડિંગે કહ્યું કે, પરિવર્તન આવશે, પરંતુ ધીમે-ધીમે. તેણે કહ્યું કે, મને આશા છે કે, નાના-નાના પગલાં લેવાઈ રહ્યાં છે, પરંતુ તે સાચી દિશામાં છે.