કેન્દ્રનાં કૃષિ બિલોની વિરુદ્ધ દિલ્હીની સીમાઓ પર ખેડૂતોના આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. હરિયાણા સાથે જોડાયેલી દિલ્હીની સિંધુ અને ટીકરી બોર્ડરને પોલીસે આજે સતત બીજા દિવસે બંધ રાખી છે. ખેડૂતો સાથે 3 ડિસેમ્બરે વાતચીત કરવા અડેલી સરકારે સોમવારે જીદ છોડી દીધી અને 1 ડિસેમ્બર એટલે કે આજે બપોરે 3 વાગ્યે 32 કિસાન સંગઠનોના નેતાઓને વાતચીત માટે વિજ્ઞાન ભવન બોલાવ્યા છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે જે ખેડૂતનેતા 13 નવેમ્બરની બેઠકમાં સામેલ હતા, તેમને ચર્ચામાં સામેલ થવા માટેનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સરકાર સાથેની વાતચીત પહેલાં કિસાન નેતાઓ મીટિંગ કરીને આગળની સ્ટ્રેટેજી નક્કી કરશે.
કેન્દ્રનાં ત્રણ કૃષિ બિલોની વિરુદ્ધ પંજાબમાં તો દેખાવો પહેલેથી ચાલી રહ્યાં હતાં, જોકે 6 દિવસ પહેલાં જ પંજાબ-હરિયાણાના ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી. પોલીસે તેમને બોર્ડર પર જ રોકી દીધા. સરકારે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ દેખાવો બંધ કરીને બુરાડી આવી જાત તો વાતચીત પહેલાં જ થઈ ગઈ હોત.
ગૃહમંત્રી-કૃષિમંત્રીએ 24 કલાકમાં 2 વખત બેઠક કરી
કિસાનોએ સરકારની શરત ન માની, પરંતુ રવિવારે કહ્યું કે હવે દિલ્હીના 5 એન્ટ્રી પોઈન્ટ્સને સીલ કરાશે. કિસાનોએ કહ્યું હતું કે તેઓ 4 મહિના સુધી ચાલે તેટલાં રાશન-પાણી સાથે લઈને આવ્યાં છે. એ પછી સરકારમાં બેઠકો શરૂ થઈ. રવિવારે રાતે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બેઠક કરી હતી. સોમવારે ફરી બેઠક થઈ. ગૃહમંત્રીના ઘરે થયેલી બેઠકમાં કૃષિમંત્રી અને ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.
સરકારે કહ્યું- કોરોના, ઠંડીના કારણે ઝડપથી વાતચીત થશે
સોમવારની બેઠક દરમિયાન એવા સંકેત મળી રહ્યા હતા કે સરકાર કિસાનોને કોઈપણ પ્રકારની શરત વગર વાતચીત માટેનું આમંત્રણ મોકલશે. એવું જ બન્યું, મોડી રાતે સરકારે પ્રસ્તાવ મોકલી દીધો. જોકે કૃષિમંત્રીએ વધી રહેલું કોરોના સંક્રમણ અને વધુ ઠંડી વધવાનું કારણ જણાવી ઝડપી ચર્ચા કરવા માટે તૈયાર થવા જણાવ્યું હતું.
અપડેટ્સ
- પંજાબ કિસાન સંઘર્ષ સમિતિના જોઈન્ટ સેક્રેટરી સુખવિંદરે કહ્યું હતું કે દેશમાં ખેડૂતોનાં 500થી વધુ સંગઠનો છે. સરકારે માત્ર 32 સમૂહને બોલાવ્યા છે. જ્યાં સુધી તમામ સંગઠનોને બોલાવવામાં આવશે નહિ ત્યાં સુધી અમે વાતચીતમાં સામેલ થઈશું નહિ.
- હરિયાણાની 130 ખાપ પંચાયતો આજે કિસાન આંદોલનમાં સામેલ થશે. બીજી તરફ, પંજાબમાં પણ પંચાયતોએ દરેક ઘરમાંથી એક સભ્યને ધરણાંમાં સામેલ થવા માટે કહ્યું છે.
- દિલ્હીનું ટેક્સી અને ટ્રાન્સપોર્ટ યુનિયન પણ સોમવારે કિસાનોના સમર્થનમાં આવી ગયું. તેમણે કહ્યું હતું કે જો 2 દિવસમાં કોઈ નિરાકરણ ન નીકળ્યું તો હડતાળ કરીશું.
- 27 નવેમ્બરે સિંધુ બોર્ડર પર થયેલી બબાલને લઈને અલીપુર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત લોકોની વિરુદ્ધ FIR નોંધાઈ છે.
32 વર્ષ પછી દિલ્હીમાં આવો સંઘર્ષ
સિંધુ બોર્ડર 32 વર્ષ પછી સૌથી મોટા કિસાન આંદોલનની સાક્ષી બની છે. 1988માં મહેન્દ્ર સિંહ ટિકેતના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશના 5 લાખ ખેડૂતો અહીં ભેગા થયા હતા.
