- ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020 જાહેર
- 107 દેશમાં ભારતનો ક્રમ છેક 94મો
- બાંગ્લાદેશે 75મા, મ્યાંમારે 78મા અને પાકિસ્તાને 88મા ક્રમ સાથે ભારત કરતાં સારી હાલતમાં હોવાનો પુરાવો આપ્યો
ગ્લોબ હંગર ઈન્ડેક્સ 2020ની આજે જાહેરાત કરવામાં આવી હતી. એ પ્રમાણે ભારતનો સમાવેશ સૌથી વધુ ભૂખમરો વેઠતા 20 દેશોમાં થયો છે. ભારતનો ક્રમ 107 દેશોમાં 94મો નોંધાયો છે.
આ ઈન્ડેક્સમાં જે દેશો પાછળ હોય ત્યાં સૌથી વધારે ભૂખમરો હોય એવી સીધી ગણતરી છે. સૌથી ઓછો ભૂખમરો વેઠતા દેશોને શરૂઆતી ક્રમ આપવામાં આવે છે. આ ઈન્ડેક્સ દર વર્ષે ઈન્ટરનેેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ) દ્વારા તૈયાર કરવામાં આવે છે.
ભારતના પડોશી દેશોની સ્થિતિ પણ ઈન્ડેક્સ મુજબ તો સારી છે. બાંગ્લાદેશ લિસ્ટમાં 75મા ક્રમે, મ્યાંમાર 78મા ક્રમે, જ્યારે પાકિસ્તાન 88મા ક્રમે છે. એટલે કે ત્યાં ભારત કરતાં ઓછો ભુખમરો છે.
ગયા વર્ષના લિસ્ટમાં 117 દેશો હતા અને એમાં પણ ભારત 102મા ક્રમે એટલે કે છેલ્લા દસ દેશોમાં જ સ્થાન પામ્યો હતો. ભારત સહિતના બધા પડોશી દેશોને આ ઈન્ડેક્સમાં સિરિયસ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. નેપાળ 73મા ક્રમે અને શ્રીલંકા 64મા ક્રમે છે, માટે તેમનું સ્થાન જરા સારૂં ગણાય છે.
આ રિપોર્ટમાં દરેક દેશની ખોરાક-પોષણની સ્થિતિને 100માંથી માર્ક આપવામાં આવે છે. ભારતનો 100માંથી સ્કોર 27.2 નોંધાયો હતો. 26થી વધારેનો સ્કોર હોય એ દેશોની સ્થિતિ ગંભીર ગણવામાં આવે છે.
જેમનો સ્કોર પાંચ કે તેનાથી ઓછો હોય એ દેશોમાં ભૂખમરો ઓછામાં ઓછો ગણાય છે.એવા દેશોમાં ચીનનો પણ સમાવેશ થયો છે. જ્યારે રિપોર્ટમાં યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કેમ કે ત્યાં ભૂખમરાની ગંભીર સમસ્યા નથી.
રિપોર્ટ પ્રમાણે ભારતની 14 ટકા વસ્તી પોષણયુક્ત ખોરાક મેળવી શકતી નથી. તો વળી 5 વર્ષથી નીચેના બાળકો કુપોષણથી મૃત્યુ પામતા હોય તેનો દર ભારતમાં 3.7 ટકા છે. ભારતમાં અનેક બાળકોને જન્મ પછી પુરતો અને પોષણક્ષમ ખોરાક મળી શકતો નથી. બાળકોનો શારીરિક-માનસિક વિકાસ ન થવો એે પણ ભારતમાં બહુ મોટો પ્રશ્ન છે.
ભારતમાં ભૂખમરાનું એક મોટું કારણ આયોજનનો અભાવ છે. સરકારી ગોદામોમાં લાખો ટન અનાજ સડી-બગડી જાય છે. સરકાર દાનત અને આયોજનના અભાવે એ અનાજ જરૂરિયાતમંદો સુધી પહોંચાડી શકતી નથી.
એ રીતે બાળ-પોષણ માટેે સરકારે અનેક યોજનાઓ તો ઘડી છે, પરંતુ તેનો અસરકારક અમલ થઈ શકતો નથી. નિષ્ણાતોએ રિપોર્ટ અંગે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારની સ્થિતિ સુધારી શકાય તો સમગ્ર ભારતનું ચિત્ર સુધરી શકે.આ રાજ્યોમાં મોટી વસ્તી છે અને ભૂખમરાનું પ્રમાણ ત્યાં જ વધારે છે.
આફ્રિકા ખંડના દેશોમાં ભૂખમરાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું હતું. એમાં પણ ચાડ, તિમોર અને માડાગાસ્કરની સ્થિતિ અત્યંત દયનિય છે. 2030 સુધીમાં વિશ્વને ભૂખમરા મુક્ત કરવાનો આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંક છે, પરંતુ અત્યારની સ્થિતિ જોતા એ પુરો થાય એવી શક્યતા લાગતી નથી.
સૌથી ઓછો ભૂખમરો ધરાવતા દેશો
ભૂખમરાની સમસ્યા જ્યાં સૌથી ઓછી હોય એવા દેશોની સંખ્યા સત્તર છે.
બેલારૂસ, બોસ્નિયા, હર્ઝગોવિનિઆ, બ્રાઝિલ
ચીલી, ચીન, કોસ્ટા રીકા, ક્રોએશિયા
ક્યુબા, ઈસ્ટોનિયા, કુવૈત, લાત્વિઆ
લિથુઆનિઆ, મોન્ટેનિગ્રો, રોમાનિયા
તુર્કી, યુક્રેન, ઉરૂગ્વે
સૌથી વધુ ભૂખમરો ધરાવતા દેશો
લિસ્ટમાં છેલ્લા દસ દેશો આ પ્રમાણે છે
નાઈજિરિયા, અફઘાનિસ્તાન, લિસોથો, સિએરા લિઓન, લાઈબિરિયા, મોઝામ્બિક, હૈતી, માડાગાસ્કર, તિમોર, ચાડ