નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 16મો દિવસ છે. ખેડૂત નેતા બૂટા સિંહે ગુરુવારે કહ્યું હતું કે કાયદાને રદ કરવા માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, એટલા માટે ટ્રેન અટકાવવાની તારીખની જાહેરાત કરીશું. ખેડૂતોના નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું હતું કે ખેતી રાજ્યોનો વિષય છે, તો કેન્દ્ર એના માટે કાયદો કેવી રીતે લાવી શકે.
રેલવેએ પંજાબ જતી 4 ટ્રેન રદ કરી
આજે સિયાલદહ-અમૃતસર અને ડિબ્રૂગઢ- અમૃતસર ટ્રેન રદ કરવામાં આવી છે. 13 ડિસેમ્બરે અમૃતસર-સિયાલદહ અને અમૃતસર-ડિબ્રૂગઢ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.
ભગવાન જાણે ક્યારે નિવેડો આવશે
ખેડૂત નેતા શિવકુમાર કક્કાને પૂછવામાં આવ્યું કે નિવેડો ક્યારે આવશે તો તેમણે કહ્યું, ભગવાનને ખબર કે ક્યારે આવશે. શિયાળા અને કોરોનાને કારણે અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, પણ માગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.
સરકાર અને ખેડૂત વાતચીત માટે રાજી
બન્ને પક્ષો એકબીજાની પહેલ કરવાની રાહ જોઈ રહ્યા છે. કૃષિમંત્રીએ કહ્યું હતું કે જ્યારે વાતચીત થઈ રહી છે તો આંદોલનને વધારવાનું એલાન યોગ્ય નથી. તો આ તરફ ખેડૂતોનું કહેવું છે કે વાતચીતનો રસ્તો બંધ નથી કર્યો, સરકારના બીજા પ્રપોઝલ પર વિચારીશું.
કૃષિમંત્રીએ કહ્યું-સરકાર સુધારા માટે તૈયાર, ખેડૂત નિર્ણય નથી કરી શકતા
કેન્દ્રએ ખેડૂતોને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે કૃષિ કાયદાને પાછા લેવા મુશ્કેલ છે. જો કોઈ ચિંતા છે તો સરકાર વાતચીત અને સુધારા માટે હંમેશાં તૈયાર છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે અમે ખેડૂતો સાથે ઘણી વખત વાતચીત કરી. તેમના દરેક સવાલનો જવાબ લેખિતમાં પણ આપ્યો, પણ ખેડૂત હાલ પણ નિર્ણય નથી લઈ શકતા અને આ ચિંતાની વાત છે.
આંદોલનની વચ્ચે કોરોનાનું જોખમ
ખેડૂત આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર ફરજ અદા કરી રહેલા 2 IPS કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત એક DCP અને એક એડિશનલ DCP પણ સંક્રમિત થઈ ગયા છે.