- એસઓપીનું અનિવાર્યપણે પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ તત્કાળ પગલાં લેવાશે
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતાં રાજ્ય સરકારે આગામી સોમવાર, એટલે કે 7મી જૂનથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. 5મી જૂને શનિવારે પણ તમામ સરકારી કચેરીમાં કામગીરી ચાલુ રખાશે. એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે ફેલાતાં કચેરીઓના કર્મચારીઓ સંક્રમિત ન બને એ માટે સરકારે તમામ સરકારી-ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રાખવાનો અને સરકારી કચેરીઓ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું જરૂરી
છેલ્લા દોઢ માસ કરતાં પણ વધુ સમયથી સરકારી-ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલતી હતી. હવે સોમવારથી તમામ કચેરી પૂર્ણ સ્ટાફથી કાર્યરત થઇ શકશે. જોકે કચેરીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું અનિવાર્ય રહેશે. આ તરફ ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની તમામ નીચલી કોર્ટોમાં 7 જૂનથી પ્રત્યક્ષ સુનાવણીનો આદેશ કર્યો છે. માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી કોર્ટ વીડિયો-કોન્ફરન્સથી ચાલી શકશે.
વકીલોએ સરકારમાં આર્થિક સહાય માગી હતી
કોર્ટની કામગીરી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે નક્કી કરેલી એસઓપીનું પાલન કરવાનું રહેશે. દરેક કોર્ટના પરિસરમાં પ્રવેશ-બહાર નીકળવા માટે માત્ર એક દરવાજો શરૂ કરી શકાશે. દરેક કોર્ટ રૂમમાં સેનિટાઇઝર રાખવાનું, સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. કોરોના પછી 15થી 17 માસ પછી કોર્ટો શરૂ કરાઇ રહી છે. લોકડાઉન દરમિયાન જુનિયર વકીલોની પ્રેક્ટિસ પર માઠી અસર પડી હતી. વકીલોએ હાઇકોર્ટમાં અનેક વખત પ્રત્યક્ષ સુનાવણી ફરીથી શરૂ કરવા માગણી કરી હતી. હજારો વકીલોની પ્રેક્ટિસ બંધ થવાથી સરકારમાં આર્થિક સહાય માગી હતી.
પહેલી લહેર
કુલ કેસ | 2,44,258 |
કુલ સાજા | 2,30,077 |
કુલ મોત | 4302 |
એક્ટિવ કેસ | 9,879 |
(23 માર્ચથી 30 ડિસે. 2020 સુધી)
બીજી લહેર
કુલ કેસ | 5,09,052 |
કુલ સાજા | 4,93,803 |
કુલ મોત | 5396 |
એક્ટિવ કેસ | 22,110 |
(30 માર્ચથી 4 જૂન 2020 સુધી)
આ વખતે સાચવજો… સુરતમાં કાપોદ્રાને જોડતા તાપી બ્રિજ પર દરરોજ સવારે 7થી 9માં 1 લાખ જેટલાં વાહનો પસાર થાય છે. દર મિનિટે 900થી હજાર વાહનો પસાર થતાં જોવા મળે છે.