- અમદાવાદમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર આરોગ્ય ટીમ ઉભી રાખશે
- અન્ય જિલ્લાઓમાંથી આવતા વાહનનોની ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે
અમદાવાદ. શહેરમાં હાલ લોકલ સંક્રમણમાં ધીરે-ધીરે ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈ મહિનાથી કેસની સંખ્યા પણ 150થી 200ની આસપાસ સામે આવે છે. ત્યારે અન્ય શહેરોમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ત્યાના લોકો અમદાવાદ તરફ દોડી રહ્યા છે. જેથી શહેરની પરિસ્થિતી ફરી બગડે નહીં તે માટે તંત્રેએ હવે અમદાવાદમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર આરોગ્ય ટીમ ઉભી રાખશે. તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતા વાહનનોની ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
શહેરમાં કેસ ઘટતા અન્ય જિલ્લામાંથી લોકો અમદાવાદ તરફ દોડ્યાં
ગુજરાતમાં કોરોનાની શરૂઆતથી જ રાજ્યના હબ ગણાતા અમદાવાદમાં સૌથી વધુ સંકટ છવાયું હતું. માર્ચથી લઈને જૂન મહિના સુધી અમદાવાદમાં કેસની સંખ્યા એક દિવસમાં 500ને પાર પહોંચી હતી. જેને જોતા અન્ય જિલ્લાના લોકોમાં અમદાવાદ પ્રત્યે ખોફનો માહોલ સર્જાયો હતો. લોકોએ અમદાવાદમાં અવર-જવર પણ બંધ કરી દીધી હતી. ભલે પછી એ વેપાર-ધંધા માટે જ કેમ ના હોય. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળ્યો છે. તો બીજીતરફ હાલમાં સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ત્યાના લોકો અમદાવાદ તરફ દોડી રહ્યા છે. ત્યારે એએમસીએ હવે અન્ય જિલ્લામાંથી આવતા લોકો માટે કેટલાક કડક પગલા ભર્યા છે. શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ખાસ ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. અને જે પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાશે તેને પ્રવેશ આપવામાં આવશે નહીં.
છેલ્લા 10 દિવસમાં 4 શહેરોમાં નોંધાયેલા કેસના આંકડા
તારીખ | રાજ્યના કુલ કેસ | અમદાવાદ | વડોદરા | સુરત | રાજકોટ |
4 જુલાઈ | 712 | 172 | 61 | 253 | 47 |
5 જુલાઈ | 725 | 177 | 64 | 254 | 42 |
6 જુલાઈ | 735 | 183 | 65 | 241 | 21 |
7 જુલાઈ | 778 | 187 | 68 | 249 | 40 |
8 જુલાઈ | 783 | 156 | 67 | 273 | 39 |
9 જુલાઈ | 861 | 162 | 68 | 307 | 20 |
10 જુલાઈ | 875 | 165 | 69 | 269 | 39 |
11 જુલાઈ | 872 | 178 | 72 | 270 | 41 |
12 જુલાઈ | 879 | 172 | 75 | 251 | 46 |
13 જુલાઈ | 902 | 164 | 74 | 287 | 34 |
કુલ કેસ | 8,122 | 1716 | 683 | 2654 | 369 |
ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટોપમાં 650 મુસાફરોનું સ્ક્રિનિંગ થયું હતું, 6 પોઝિટિવ આવ્યાં
સોમવારે AMC દ્વારા શહેરના એસટી સ્ટેશન, નેશનલ હાઈવે સહિતમાં 1455 જેટલા કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 15ની આસપાસ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેને જોતા હવે શહેરમાં પ્રવેશ થતા તમામ વાહનોનું ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છેકે, ગઈકાલે ગીતા મંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ પર આવતી બસોમાં મુસાફરી કરનાર 560 લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સચેત થઈ ગયું છે. ત્યારબાદ કૃષ્ણનગર એસ.ટી બસ સ્ટોપ પર પણ 100થી વધુ મુસાફરોના ટેસ્ટ થયા હતા. કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે AMC દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તે, બસ મથકો પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ છે.