અમદાવાદ : કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે અલગ અલગ ધંધા રોજગાર નિયમોના પાલન સાથે ખોલવાની મંજૂરી આપી છે, તેવામાં હવે ખાનગી કોચિંગ ક્લાસીસ શરૂ કરવાની પણ માંગ બુલંદ થઈ છે. જે માટે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન ગુજરાત અગ્રણીઓએ રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગમાં રજુઆત કરી છે.
કોરોના વાયરસના કેસ વધતા 21 માર્ચ બાદ લોકડાઉન જાહેર થઈ ગયું, અને આ લોક ડાઉનને ત્રણ મહિના ઉપરનો સમય થયા અને લગભગ મોટા ભાગના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા. જોકે જૂન મહિનાની શરૂઆતમાં અનલોક વન સાથે જ સરકારે છૂટછાટો આપતા ઘણા ધંધાઓ શરૂ થઈ ગયા, અને હાલ જાણે જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. જોકે ત્રણ મહિનાથી શાળાઓ અને શૈક્ષણિક કાર્ય બંધ છે. આગામી ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસ સુધી શાળા કોલેજ ખુલે તેવા અણસાર નથી. જોકે આ બધાની વચ્ચે ત્રણ મહિનાથી ખાનગી કોચિંગ ક્લાસના ધંધાને પણ અસર થઈ છે. જેને લઈ હવે ખાનગી ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપવાની માંગ ઉઠી છે.
ખાનગી ક્લાસીસ સંચાલકોનું એસોસિએશન ફેડરેશન ઓફ એકેડેમિક એસોશિએશન ગુજરાત હાલ આગળ આવ્યું છે. આ એસોસિયેશનના ચેરમેન વિજયભાઈ મારુ જણાવે છે કે, રાજ્યભરમાં 15 હજારથી વધુ અને અમદાવાદમાં 4500 જેટલા ખાનગી કોચિંગ કલાસ છે. જેમના મોટાભાગે કલાસીસ સંચાલકો એવા છે કે, જેઓ ભાડે જગ્યા રાખી ક્લાસીસ ચલાવે છે. પણ ત્રણ મહિનાથી ક્લાસીસ સદંતર બંધ હોવાથી મુશ્કેલીઓ વધી છે. આવક ઝીરો છે અને તેની સામે જગ્યાનું ભાડું ચઢી રહ્યું છે. ઉનાળા દરમિયાન જ સૌથી વધુ વેકેશન બેચ ચાલતી હોય છે કે પછી ઈંગ્લીશ સ્પિકિંગ ક્લાસીસ ધમધોકાર ચાલતા હોય છે પણ ઉનાળા દરમિયાન જ લોકડાઉન જાહેર થતા આ બધી વેકેશન બેચ બંધ રહી. ક્લાસીસ બંધ કરવા પડ્યા જેની ઘણી મુશ્કેલીઓ પડી. 15 હજાર ક્લાસીસમાં ઘણા એવા છે કે ખૂબ નાના પાયે ચાલતા હોય તેમને તો જાણે ધંધો પડી જ ભાંગ્યો છે. જો બધા ધોરણના કલાસીસના ખોલી શકાય તો માત્ર ધોરણ 10 ને ધોરણ 12ના કલાસીસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ કલાસીસ સંચાલકોએ કરી છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચિવ વિનોદ રાવને લેખિતમાં રજુઆત કરી છે. આ મામલે ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું છે. જે માટે ક્લાસીસ સંચાલકો કોરોના સંક્રમણને રોકવાના તમામ નિયમોનું પાલન કરશે તેવી બાંહેધરી પણ આપવા આવી છે. જો સરકાર આ મામલે યોગ્ય નિર્ણય નહિ લે તો ક્લાસીસ સંચાલકો 1 તારીખથી જાતે કલાસીસ ખોલી કાઢશે તેવી ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી છે.
આ સાથે એફએએ, સેક્રેટરી – શ્રી પ્રકાશભાઈ કરમચંદાની, એઇજી, પ્રમુખ – શ્રી સતિષ શાહ, સચિવ – એસ. આઇ. ત્રિવેદી, સમિતિના સભ્યો – દિપકભાઇ, બિપીનભાઇ, મનીષભાઇ, અમિતભાઇ, બિપીનભાઇ પરમાર, સરજુભાઇ ચૌહાણ અને રમેશભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.