- લાખો પેજપ્રમુખો બનાવી વધુમાં વધુ ભાજપતરફી મતદાન કરાવવાની પાટીલની ટીમની વ્યૂહરચના ખોરવાઈ રહી હોવાની શક્યતા
ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વધુ મતદાન અને ભાજપના ભવ્ય વિજય માટે ભાજપ પ્રમુખ પાટીલે ગોઠવેલી પેજ-પ્રમુખની ફોર્મ્યુલા ફેલ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. 6 મહાનગરપાલિકામાં ઓછા મતદાને ભાજપના નેતાઓને દોડતા કરી દીધા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખો અને મતદારોને લખેલા પત્રની પણ અસર જોવા મળી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખનો પત્ર લખ્યો છે. આમ તેમણે પત્રના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો છે.
સીઆર પાટીલે ચૂંટણી વ્યૂહરચના ઘડી હતી
ગુજરાત ભાજપના પ્રદેશ-પ્રમુખ સી આર પાટીલે ચૂંટણી માટેની વ્યૂહરચના ગોઠવી હતી. જેમાં પેજ પ્રમુખો અને પેજ સમિતિઓ બનાવી હતી, જેના કારણે ભાજપની પ્રદેશ નેતાગીરીએ ગ્રાસ રૂટના પેજ પ્રમુખોના સહારે મતદાન માટેની સ્ટ્રેટેજી ગોઠવી હતી. પરંતુ વહેલી સવારથી જ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કંગાળ મતદાન શરૂ થતાં ભાજપના સ્થાનિક નેતાઓને દોડતા કર્યા હતા. પણ પેજ-પ્રમુખો અને પેજ સમિતિના સભ્યો એકદમ નિષ્ક્રિય બની જતા ભાજપમાં ભય ફેલાઈ ગયો હતો. તે જોતા ભાજપના પ્રમુખ પાટીલની પેજ પ્રમુખની ફોર્મ્યુલા ફેલ જઈ રહી હોવાનું બહાર આવી રહ્યું છે.

પેજ-પ્રમુખ બનાવવાની જાહેરાત કરાઈ ત્યારની ફાઈલ તસવીર.
પેજ-પ્રમુખ એટલે શું?
ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી, આ પેજ-પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદારયાદી જે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે એ મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે, આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે, સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન આવા લાખો પેજ-પ્રમુખો સાથે પ્રદેશ-પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.
ગુજરાતની 15 લાખ પેજ સમિતિને સંબોધીને પત્ર
રાજ્યમાં 21 ફેબ્રુઆરી મહાનગરપાલિકા યોજાઈ ગઈ છે અને 28 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાઓની અને પંચાયતોની ચૂંટણીને લઈ હાલ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સી.આર.પાટીલથી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ધારાસભ્યો સહિતના આગેવાનો હાલ શેરીઓ ખુંદી રહ્યાં છે. જો કે આ પ્રચાર જંગ વચ્ચે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ પ્રમુખનો પત્ર લખ્યો છે. આમ તેમણે પત્રના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં પેજ-પ્રમુખોને સંબોધોની લખ્યું કે, પેજ-પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે. ચૂંટણી એ જન-ગણના મન સુધી પહોંચવાનું નિમિત્ત માત્ર છે. જેના દ્વારા ઘર ઘરના સભ્યોને, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખ માટે પત્ર લખ્યો હતો
2022ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન સી.આર.પાટીલે સ્પષ્ટ કહ્યું હતું કે ‘તમેં મને પેજ જિતાડી આપો, હું ગુજરાતમાં ભાજપ માટે 182 ધારાસભા બેઠકનો લક્ષ્યાંક રાખું છું. ’સી.આર.પાટીલે વિધાનસભાની પેટાચૂંટણીથી શરૂ કરેલી આ વ્યૂહરચના હવે આગામી મહાનગરપાલિકા,જિલ્લા તાલુકા પંચાયત અને 2022ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે.