દિલ્હી: દેશભરની કોલેજો-યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશનની ફાઇનલ યરની પરીક્ષા સ્થગિત કરવાની માગ અંગે સુપ્રીમકોર્ટે મંગળવારે ચુકાદો અનામત રાખ્યો. જસ્ટિસ અશોક ભૂષણે સુનાવણી દરમિયાન પૂછ્યું કે શું કોઇ રાજ્ય યુજીસીના નિયમો વિરુદ્ધ નિર્ણય લઇ શકે? આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વિદ્યાર્થીઓ માટે શું યોગ્ય છે એ તેઓ જાતે નક્કી ન કરી શકે. આ અંગે ન્યાયતંત્ર નિર્ણય લેશે. કોર્ટે આ મુદ્દે તમામ પક્ષકારો પાસેથી 3 દિવસમાં છેવટની લેખિત દલીલો માગી છે.
સુનાવણી દરમિયાન અરજદારોના વકીલે દાવો કર્યો કે યુજીસીએ જાહેર આરોગ્ય મુદ્દે વિચાર નથી કર્યો. આ અંગે જસ્ટિસ ભૂષણે કહ્યું કે યુજીસીએ બધી કોલેજો અને યુનિ.ઓને પરીક્ષા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી દિશાનિર્દેશોનું પાલન કરવા આદેશ કર્યો છે. તેથી એમ ન કહી શકાય કે તેણે જાહેર આરોગ્ય મુદ્દે વિચાર નથી કર્યો. જસ્ટિસ ભૂષણે તમામ વિદ્યાર્થીઓ પાસે લેપટોપ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાનો મુદ્દો પણ ધ્યાનમાં રાખવા કહ્યું.
અરજદારે કહ્યું- આઇઆઇટી પણ પરીક્ષા નથી લઇ રહી, કંઇક તો કારણ હશે
અરજદારો વતી સિનિયર એડવોકેટ અરવિંદ દાતારે કહ્યું કે આઇઆઇટીએ આ વર્ષે વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાની જાહેરાત કરી છે તેનું કંઇક તો કારણ હશે. ગ્રેજ્યુએશનની ફાઇનલ યરની પરીક્ષા ન લેવાથી તેનું ધોરણ ઘટી નહીં જાય. મહામારી પહેલાં 5 સેમેસ્ટરની પરીક્ષા થઇ ચૂકી છે. છઠ્ઠાની ઇન્ટરનલ એક્ઝામ પણ લગભગ પૂરી થઇ ચૂકી છે. અંતિમ પરીક્ષા બાકી છે.
વિદ્યાર્થીઓ વતી સિનિયર એડવોકેટ મીનાક્ષી અરોડાએ કહ્યું કે ઓનલાઇન એક્ઝામના નામે વિદ્યાર્થીઓને ગિની પિગ ન બનાવી શકાય. ઘણા વિદ્યાર્થીઓ પાસે લેપટોપ વગેરે નથી. દિલ્હી યુનિ.એ ઓનલાઇન એક્ઝામ શરૂ કરી છે. કોઇ વિદ્યાર્થી તેની પાસે લેપટોપ ન હોવાના કારણે એક્ઝામ ન આપી શકે તો તેમાં તેનો શું વાંક?
યુજીસીએ કહ્યું- કોરોના અને જીવન વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ
યુજીસી વતી સિનિયર એડવોકેટ પી. એસ. નરસિમ્હાએ કહ્યું કે યુજીસી આપણા જીવન અને મહામારી વચ્ચે સંતુલન સાધવા પ્રયાસ કરી રહ્યું છે. મહામારીના કારણે આપણે જીવનથી હાર ન માની શકીએ. સરકાર કામ કરી રહી છે. અદાલતો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી રહી છે. એવામાં શિક્ષણને પણ આગળ વધારવું પડશે. રાજ્ય સરકારો એમ ન કહી શકે કે પરીક્ષા નહીં લેવાય. પરીક્ષા લેવી કે નહીં તે નક્કી કરવાનો અધિકાર યુજીસીનો છે.
દિલ્હી સરકારે કહ્યું છે કે ફાઇનલ યરની એક્ઝામ નહીં લેવાય. વિદ્યાર્થીઓ પાસે બુક્સ પણ નથી કે ટીચર્સ પણ નથી. દરેક વિદ્યાર્થી પાસે કમ્પ્યૂટર પણ નથી.
પરીક્ષા વિના વિદ્યાર્થીઓને પાસ કરાય તો સમસ્યાઓ સર્જાશે: કોર્ટ
સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. આર. શાહે કહ્યું કે કોર્ટ સમક્ષ મુખ્ય બે મુદ્દા છે. પહેલો- રાજ્ય સરકાર કહે છે કે પરીક્ષા યોજી શકીએ તેમ નથી. બીજો- સરકારો કહી રહી છે કે પાછલી પરીક્ષાના આધારે પરિણામ જાહેર કરીશું. શું રાજ્ય સરકારોનું એમ કહેવું યોગ્ય છે કે પરીક્ષા વિના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે? તેનાથી સમસ્યાઓ નહીં સર્જાય? જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ કહ્યું- માની લો કે જો યુજીસી કહે કે તે પરીક્ષા લેશે, તો શું રાજ્ય સરકાર એમ કહી શકે કે વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ પાસ કરો? વિદ્યાર્થીઓને પાસ કરવાનો નિર્ણય રાજ્ય જાતે લઇ શકે?