પાકિસ્તાનમાં ટ્રેન દુર્ઘટના:સિંધમાં ડહારકી વિસ્તારમાં 2 પેસેન્જર ટ્રેન અથડાતાં 30નાં મોત, 50થી વધુ ઘાયલ ઘાયલ; હજી ઘણા લોકો કોચમાં ફસાયેલા છે

World

પાકિસ્તાનમાં સોમવારે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. સિંધના ડહારકી વિસ્તારમાં બે પેસેન્જર ટ્રેન એકબીજાને અથડાઈ હતી. આ ઘટનામાં અંદાજે 30 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ બંને એકબીજા સાથે અથડાઈ હતી. હજી પણ ઘણા લોકો કોચમાં ફસાયેલા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

ઘોટકી પાસે થઈ દુર્ઘટના
આ ઘટના ઘોટકી પાસે રેતી અને ડહારકી રેલવે સ્ટેશન પાસે વહેલી સવારે 3.45 વાગે થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોઘા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. ઘટના સવારે 3.30થી 4 વાગ્યા વચ્ચે ઘટી હતી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસના કોચ અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર પડ્યા હતા. એને કારણે સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ એને અથડાઈ ગઈ હતી. આ કારણે ટ્રેનના કોચને પણ ઘણું નુકસાન થયું છે.

રેસ્ક્યૂ ટીમ ચાર કલાક સુધી ઘટનાસ્થળે પહોંચી ન હતી
અકસ્માત બાદ અધિકારીઓ ચાર કલાક સુધી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. મોડી પહોંચેલી રેસ્ક્યૂ ટીમે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. હજી પણ અકસ્માતમાં ખરાબ રીતે ડેમેજ થઈ ગયેલા કોચને ગેસ-કટરથી કાપીને એમાં ફસાયેલા મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. નજીકનાં ગામોથી પહોંચેલા ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતને કારણે આ માર્ગ પરનાં મોટા ભાગનાં વાહનોને ટ્રાફિકની અસર થઈ છે.

માર્ચમાં પણ થઈ હતી દુર્ઘટના
આ પહેલાં માર્ચ મહિનામાં પણ કરાચી એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના ઘટી હતી. ટ્રેન લાહોરથી નીકળી હતી અને સુક્કુર પાસે એના 8 કોચ ટ્રેક પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું અને 40 મુસાફરો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *