- પતિએ જ સોપારી આપી હોવાની પત્નીને વિશ્વાસ નહીં થતા કિલરે વીડિયો બતાવી પૂરાવો આપ્યો
- પતિના ષડયંત્રની જાણ થતા પત્ની પર જાણે આભ તૂટી પડ્યું
વ્યક્તિ પૈસા માટે કેટલી હદ સુધી જઈ શકે છે તેની એક આઘાતજનક ઘટના સામે આવી છે. સદનસીબે આ ઘટના તેના અંતિમ અંજામ સુધી ન પહોંચી, પણ ઘટના કેવી રીતે તૈયાર કરવામાં આવી તેનો પર્દાફાશ થયો છે. બિહારના પટનામાં વીમા ક્લેમ માટે પતિએ રૂપિયા 10 લાખમાં પત્ની અને ચાર વર્ષના બાળકની હત્યા કરવાની સોપારી આપી હતી.
જ્યારે સોપારી કિલર હત્યા કરવા ઘરે પહોંચ્યો ત્યારે મહિલાના ખોળામાં રહેલા માસૂમને જોઈ તેનું હૃદય પીગળી ગયું. તેણે પતિ દ્વારા આપવામાં આવેલી સોપારીની પોલ ખોલી નાંખી. મહિલાને જ્યારે વિશ્વાસ થતો ન હતો ત્યારે છેવટે સોપારી કિલરે તેના પતિનો એક વીડિયો પત્નીને દેખાડ્યો.

પતિએ જ પત્ની-દિકરીની હત્યા માટે સોપારી આપી હોવાનો વિશ્વાસ થતો ન હતો
વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્ની અને દિકરીને ગોળી નહીં પણ અકસ્માતમાં મારવાની વાત કહી રહી હતી. જેથી અકસ્માતમાં મૃત્યુ દર્શાવ્યા બાદ તેને વીમાનો ક્લેમ મળી જાય. પતિ દ્વારા રચવામાં આવેલું આ ષડયંત્ર જ્યારે સામે આવી ગયું ત્યારે પત્નીના હોશ ઉડી ગયા.ત્યારબાદ કવિનગર પોલીસ સ્ટેશન જઈ તેણે આરોપી પતિ અજય કુમાર યાદવ, નિવાસી મહિંદ્રા એક્લેવ તથા સોપારી કિલર ગજરાજ સામે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
બિહારના પટનાની રહેવાસી રાખીનું કહેવું છે કે તે અહીં એક કોલોનીમાં પતિ અને 4 વર્ષના દિકરા સાથે ભાડેથી રહે છે. પતિ આજમગઢનો રહેવાસી છે અને દવા કંપનીમાં MR છે. રાખીએ જણાવ્યું હતું કે આશરે સાડા પાંચ વર્ષ અગાઉ તેના પ્રેમલગ્ન થયા હતા. લગ્ન બાદ ઘર સંસાર સારો ચાલતો હતો, પણ છેલ્લા એક વર્ષથી વિવાદ શરૂ થઈ ગયો છે. મહિલાને પતિ પર આડાસંબંધની આશંકા છે.
સોપારી કિલર ઘણા સમયથી મહિલાનો પીછો કરતો હતો
રાખીએ કહ્યું કે પતિ પાસેથી સોપારી નક્કી થયા બાદ શંકાસ્પદ સોપારી કિલરે પીછો કરવાની શરૂઆત કરી હતી. તે અમને માતા-પુત્રને માર્ગ અકસ્માતમાં મારી નાંખવાની ફિરાકમાં હતો. આ માટે તેણે અનેક વખત કારથી પીછો કર્યો, પણ તે સફળ થયો નહીં. આ વાત સોપારી કિલરે મહિલા સમક્ષ કબૂલી.
કિલરે કહ્યું કે બાળકને ખોળામાં જોઈ તેને મારવાની હિંમત થઈ નહીં. આ ઉપરાંત સોપારી કિલર અનેક વખત પીછો કરતો હોવાની પણ વાત કહી હતી. તેણે કહ્યું કે જો તે એકલી મળી હોત તો તેનો કાર અકસ્માત ક રી દીધો હોત. પણ બાળકને મારવાની તેની હિંમત ન હતી.
વાત સાંભળી જાણે આભ તૂટી પડ્યું
રાખી કહે છે કે સોપારી કિલર 25 ફેબ્રુઆરીના રોજ તેના ઘરે આવી પહોંચ્યો હતો. અપરિચિત વ્યક્તિને જોઈ પૂછપરછ કરી તો આ યુવકે કહ્યું કે તારા પતિએ માતા-દિકરાની હત્યા કરવા માટે તેને 10 લાખ રૂપિયાની સોપારી આપી છે. મહિલાને આ વાતનો વિશ્વાસ થતો ન હતો ત્યારે તેણે પતિનો વીડિયો દેખાડ્યો,જેમાં તે કહી રહ્યો છે કે મારી પત્ની અને દિકરાને મારી નાંખ. પણ ગોળી ન મારતો. વીમા ક્લેમ લેવાનો છે, માટે આ બન્નેની અકસ્માતમાં હત્યા કરી દેવામાં આવે. આ જોઈને મહિલા પર જાણે આભ તૂટી પડ્યું.