ગુજરાત સરકારે ધોરણ-12ની બોર્ડની મુખ્ય પરીક્ષા રદ કરવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ હવે આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ કેવી રીતે જશે તે અંગે સરકારે કાંઇ સ્પષ્ટતા કરી નથી. ગુજરાત સરકાર હવે આ માટે કેન્દ્ર સરકારની નીતિની રાહમાં છે, પરંતુ તે પૂર્વે બોર્ડે આ તમામ વિદ્યાર્થીઓની માર્કશીટ બનાવવી પડશે. આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં 1.28 લાખ વિદ્યાર્થીઓ જ્યારે સામાન્ય પ્રવાહમાં 5.82 લાખ વિદ્યાર્થીઓ હતાં, જેઓ પ્રમોટ થઇ ગયા ગણાશે.
ગુજરાત સરકારનાં સૂત્રો જણાવે છે કે ઉચ્ચ શિક્ષણ વિભાગ 12 સાયન્સ પછીના પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે તેની નિયત પ્રણાલી જાળવી રાખશે. એટલે કે એન્ટરન્સ ટેસ્ટ આધારિત પ્રવેશ ફાળવશે, જેમાં નીટ, ગુજસેટ કે અન્ય તમામ પરીક્ષા ઓનલાઇન પદ્ધતિ મારફતે લેવાશે અને તેને આધારે મેરિટ તૈયાર થશે.
સૌથી વધુ તકલીફ બી ગ્રૂપના વિદ્યાર્થીઓને પડશે
આ તરફ ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને 12 સાયન્સ પછીના કોર્સની સીટોની સંખ્યા જોતાં સૌથી વધુ બી ગ્રૂપના વિદ્યાર્થીઓને એડમિશનમાં તકલીફ પડી શકે છે. ગુજરાતમાં 76 હજાર વિદ્યાર્થીઓએ બી ગ્રૂપ એટલે કે ધોરણ-12 સાયન્સમાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના વિષય રાખ્યાં હતાં, આની સામે ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને પેરામેડિકલની સરકારી અને ખાનગી બેઠકો મળીને કુલ 25,680 બેઠકો છે અને તેમાં પણ નર્સિંગની બેઠકો 5000 કરતાં વધુ છે. તેથી કુલ વિદ્યાર્થીઓ કરતાં ઉપલબ્ધ બેઠકો ઓછી છે. હાલ તમામ બેઠકો મળીને મેડિકલમાં કુલ બેઠકો 4,300, ડેન્ટલમાં 1,155, ફાર્મસીમાં 5,645, આયુર્વેદમાં 1,780, હોમિયોપેથીમાં 3,525, ફિઝીયોથેરાપીમાં 4,230 જ્યારે નર્સિંગમાં 5,045 બેઠકો છે.
એ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓને સરળતા રહેશે
એ ગ્રુપના એટલે કે મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષય રાખનારાં તથા એબી ગ્રુપના એટલે કે મેથ્સ, બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી કુલ 52,000 વિદ્યાર્થીઓ છે અને તેની સામે એન્જિનિયરીંગમાં સરકારી 11,000 બેઠકો મળીને કુલ 66,089 બેઠકો પ્રાપ્ય છે.
ખાનગી કોલેજોને બખ્ખાં થશે
સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી કોલેજોને આ વર્ષે ભરપૂર વિદ્યાર્થીઓ મળી રહેશે. એડમિશનના છેલ્લાં વર્ષોનો ટ્રેન્ડ જોતાં ચાર વર્ષથી એન્જિનિયરિંગની 55 ટકા જ્યારે ડેન્ટલ કોલેજોમાં ત્રણ વર્ષથી 200 બેઠકો ખાલી રહે છે. આ બેઠકોમાંથી તમામ કે મોટાભાગની ભરાઇ જશે. જો કે એન્જિનિયરિંગની બેઠકો તેમ છતાં આ વર્ષે ખાલી રહેશે.
તેજસ્વી વિદ્યાર્થીઓને સંઘર્ષ કરવો પડશે, ગુણવત્તા ઓછી થશે
કોંગ્રેસના પ્રવક્તા અને શૈક્ષણિક બાબતોના નિષ્ણાત ડો. મનીષ દોશી કહે છે કે આ સ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સારી કોલેજમાં કે સરકારી બેઠકોમાં પ્રવેશ મેળવવો અઘરો થશે. તે ઉપરાંત આવા પ્રોફેશનલ કોર્સમાં એડમિશન મેળવતાં વિદ્યાર્થીઓની ગુણવત્તા ઘટશે. કારણ કે આવા કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરિક્ષા ઉપરાંત બોર્ડની પરિક્ષામાં લઘુત્તમ ટકાવારીનું ધોરણ જળવાવું જોઇએ. પણ માસ પ્રમોશનમાં આમ નહીં થાય અને તેજસ્વી કે સામાન્ય વિદ્યાર્થીઓ સમાન પાયરીમાં આવી ગયા ગણાશે.