સંસદના બંને ગૃહોમાં પાસ થયેલા કૃષિ બિલો વિરૂદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન આજે વધુ ઉગ્ર થાય તેવી શક્યતા છે. વિભિન્ન ખેડૂતો સંગઠનોએ આજે બિલના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે. હરિયાણા અને પંજાબમાં આ બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ ખેડૂત સંગઠનોની સાથે સાથે રાજકીય પક્ષો પણ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે. કૃષિ બિલોનો સૌથી વધુ વિરોધ પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આજે 31 ખેડૂત સંગઠનોએ પંજાબ બંધનું આહ્વાન કર્યુ છે. આ બાજુ હરિયાણામાં પણ ભારતીય ખેડૂત ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ સુખદેવ સિંહે પંજાબના દુકાનદારોને અપીલ કરી છે કે, ભારત બંધ પર તેઓ દુકાનો બંધ રાખે અને ખેડૂતોનું સમર્થન કરે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પણ ખેડૂતોને તેમની લડાઈમાં સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે શુક્રવારે પ્રદેશમાં કલમ 144 ભંગની કોઈ એફઆઈઆર નોંધાશે નહીં.
મુખ્યમંત્રીએ ખેડૂત દેખાવકારોને અપીલ કરતા કહ્યું કે આંદોલન દરમિયાન કાયદા વ્યવસ્થાનો ભંગ થવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન લોકોને અસુવિધા ન થાય અને સાર્વજનિક સંપત્તિને નુકસાન ન પહોંચે તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ. હરિયાણામાં ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)એ અગાઉ જાહેરાત કરી દીધી છે કે કૃષિ બિલો વિરૂદ્ધ ભારત બંધને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.
આ બાજુ હરિયાણા પ્રદેશની ભાજપની સરકારે પણ આંદોલનને ધ્યાનમાં રાખતા પ્રદેશની સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. પ્રદેશના ગૃહમંત્રી અનિલ વિજે ગૃહ વિભાગ અને પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી. તેમણે ડીજીપીને હડતાળ દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે નિર્દેશ આપ્યા છે.