કોરોના ઘટ્યો: અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 50 ટકા વેન્ટિલેટર બેડ ખાલી, શહેરની 107 હોસ્પિટલમાં માત્ર 132 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે

Gujarat
  • ખાનગી હોસ્પિટલોમાં વિવિધ વોર્ડમાં 58 ટકા બેડ ખાલી, કુલ 1615 દર્દી સારવાર લઈ રહ્યા છે તો સામે 2153 બેડ ખાલી છે

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં દિવાળી પછી પહેલી વાર આઈસીયુ વિથ વેન્ટિલેટર બેડ અડધો અડધ ખાલી થયાં છે. કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો થતાં રાહતની સ્થિતિ છે. શહેરની 107 ખાનગી હોસ્પિટલોમાં 132 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે, જ્યારે 131 બેડ ખાલી થયાં છે. દિવાળીના તહેવારના અરસામાં ગંભીર પ્રકારના દર્દીઓને વેન્ટિલેટર બેડ મળતાં નહોતાં, જોકે સ્થિતિમાં સુધારો થયો છે. રવિવારની સ્થિતિએ ખાનગી હોસ્પિટલોમાં વિવિધ વોર્ડમાં 58 ટકા બેડ ખાલી છે. કુલ 1615 દર્દી સારવાર લઈ રહ્યા છે તો સામે 2153 બેડ ખાલી છે.

ખાનગી હોસ્પિટલોનું હાલનું ચિત્ર
શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે આઈસીયુ બેડ મેળવવા મુશ્કેલી પડતી હતી, જોકે દિવાળી પછી પહેલીવાર એવું બન્યું છે કે ICUમાં દાખલ દર્દીઓ કરતાં ખાલી બેડની સંખ્યા વધારે છે. ICUમાં 242 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે 289 બેડ ખાલી પડ્યાં છે. આઈસોલેશન વોર્ડમાં 569 દર્દી સારવાર લઈ રહ્યા છે, 880 બેડ ખાલી છે. HDUમાં 626 દર્દી સારવાર લઈ રહ્યા છે, જ્યારે 853 બેડ અત્યારે ખાલી પડયાં છે. દિવાળી પછી કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવતાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે હવે કેસો ઘટવા માંડતાં રાહત થઈ છે. આ સ્થિતિમાં એક જ દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં 25 બેડની કેપેસિટી ઘટાડાઈ છે, હવે કુલ બેડની કેપેસિટી 3722 છે.

કેસમાં ઘટાડો થતાં શહેરીજનોને રાહત.
કેસમાં ઘટાડો થતાં શહેરીજનોને રાહત.

અમદાવાદની હાલની સ્થિતિ
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. સતત ચોથા દિવસે 300થી ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 247 નવા કેસ અને 268 દર્દી સાજા થયા છે, જ્યારે 8 દર્દીનાં મોત થયાં છે. 12 ડિસેમ્બરની સાંજથી 13 ડિસેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 239 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 8 દર્દીનાં મોત થયાં છે તેમજ શહેરમાં 257 અને જિલ્લામાં 11 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 53,668 થયો છે, જ્યારે 47,519 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,160 થયો છે.

ગુજરાતની હાલની સ્થિતિ
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના બેફામ બન્યો હતો, પરંતુ હવે દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 હજાર 989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1,175ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે કેસ ઘટવા પાછળ ઓછું ટેસ્ટિંગ જવાબદાર છે. 12 ડિસેમ્બર કરતાં 13 ડિસેમ્બરે 5000 ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમજ 11 દર્દીનાં મોત થયાં છે અને 1347 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે સતત 10મા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે, આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 92.33 ટકા થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *