- લંડનની ફ્લાઇટ બંધ કરાઈ એના છેલ્લા દિવસે 275 પેસેન્જર્સ આવ્યા હતા, જેમાંથી 4 નાગરિક પોઝિટિવ હતા
- ચારેય દર્દીનાં સેમ્પલ લઈને પુણેની વાઇરોલોજિકલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયાં
અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં UKથી આવેલા તમામ નાગરિકોના RT-PCR ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનામાં લંડનથી આવેલા 1400 લોકોના ડેટા એરપોર્ટ ઓથોરિટીએ રાજ્ય સરકારને સોંપ્યા છે. આમાંથી 408 નાગરિક અમદાવાદ શહેરના જ હોવાનું જણાતાં આજે તેમના ટેસ્ટિંગની કામગીરી મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા હાથ ધરાવાની છે.
લંડનની ફ્લાઇટ બંધ કરાઈ એના છેલ્લા દિવસે 275 પેસેન્જર્સ આવ્યા હતા
લંડનમાં હાલના કોરોનાનો 70 ટકા વધુ ઝડપથી ફેલાતો વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે, એણે દુનિયાભરમાં ચિંતાની લાગણી ફેલાવી છે. લંડનની ફ્લાઇટ બંધ કરાઈ એના છેલ્લા દિવસે 275 પેસેન્જર્સ આવ્યા હતા, જેમના કોરોનાના ટેસ્ટ થતાં 4 નાગરિકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમને હાલ SVP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સારી હોવાનું જણાયું છે. આ દર્દીઓનાં સેમ્પલ લઇને પુણેની વાઇરોલોજિકલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયાં છે.
એરપોર્ટ ઉપર ઊતરેલા 275 પેસેન્જર્સમાંથી 50 લોકો અમદાવાદના
પુણેથી રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે કે આ 4 દર્દી અત્યારના કોરોનાના વાઇરસ પ્રમાણેના જ છે કે વાઇરસના 70 ટકા વધુ ફેલાતા નવા સ્ટ્રેનના છે. ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ઉપર ઊતરેલા 275 પેસેન્જર્સમાંથી 50 લોકો અમદાવાદના છે. એ બધાને સાત દિવસ સુધી તેમના પોતાનાં ઘરોમાં જ હોમ-ક્વૉરેન્ટીન રહેવાના આદેશો અપાયા છે. મ્યુનિ.એ આજે આ અંગે તેમના નિવાસસ્થાનો પર તપાસ પણ હાથ ધરી હતી.
પોલીસતંત્રએ પણ તમામ પેસેન્જર્સનાં નામ-સરનામાં મેળવી લીધાં છે
આ અંગે પોલીસતંત્રએ પણ તમામ પેસેન્જર્સનાં નામ-સરનામાં મેળવી લીધાં છે. અમદાવાદ સિવાય જિલ્લામાં રહેતા હોય એવા નાગરિકોનાં સરનામાં જિલ્લા પોલીસને અપાયાં છે. પોલીસતંત્ર પણ તેમનાં ઘરે અવારનવાર તપાસ કરશે અને કોઇ નાગરિક ક્વૉરીન્ટીનનો ભંગ કરતો હોવાનું જણાશે તો તેમની સામે ગુનો પણ નોંધાશે એમ જાણવા મળે છે. માર્ચમાં એરપોર્ટ ઉપર હેલ્થનું ચેકિંગ હોવા છતાં પહેલાં આવેલા કેસોમાં એવું થયું હતું કે ઘેર ગયા પછી બે દિવસે લક્ષણો દેખાયાં હતાં. લંડનથી આવતા નાગરિકોના આ અનુભવમાંથી બોધપાઠ લઇને સતત મોનિટરિંગ કરવામાં આવે એ જરૂરી છે.