ગુજરાતના કોલસા કૌભાંડ મામલે કેન્દ્રીય કોલસા મંત્રીએ જણાવ્યું કે, આ અંગે ફરિયાદ મળી છે પરંતુ તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.
- ગુજરાતમાં છ હજાર કરોડથી વધુનું કોલસા કૌભાંડ
- કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં માહિતી આપી
- યોગ્ય પગલાં લેવાની રાજ્ય સરકારની જવાબદારી
ગુજરાતમાં 60 લાખ ટન કોલસાના ગેરકાયદે વેપારને લઇને થયેલાં રૂ.6000 કરોડના કૌભાંડના પર્દાફાશનો મુદ્દો દેશની સંસદમાં ઊઠ્યો હતો. સોમવારે દિલ્હીમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા AAPના સાંસદ નારાયણ દાસ ગુપ્તાએ પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય કોલસા મંત્રીએ જણાવ્યું કે,આ અંગે. ગુજરાત સરકારને તપાસ કરવા જણાવાયું છે અને આ કિસ્સામાં ઉચ્ચ સ્તરીય તપાસ સોંપવા અંગે કેન્દ્ર સરકારની કોઇ વિચારણા નથી.
રાજ્યોને કોલસાનું વિતરણ કરવાની જવાબદારી રાજ્ય સરકાર છે.
કોલસા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 23 જૂન 2015ના રોજ નવી કોલસા વિતરણ નીતિ હેઠળ કોલસાના વિતરણ માટે ચાર રાજ્ય એજન્સીઓને નામાંકિત કરી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું સરકાર આ ઘટનાની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનું વિચારી રહી છે, ત્યારે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવી કોલસા નીતિ, 2007, અન્ય બાબતોની સાથે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યને નિયુક્ત એજન્સી દ્વારા ફાળવવામાં કોલસાનું ક્ષ્યાંકિત ગ્રાહકોને વિતરણ ન્યાયી અને પારદર્શક રીતે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકાર છે.
કૌભાંડની તપાસ સોંપવામાં આવી છે
આ કિસ્સામાં રાજ્ય સરકાર પાસેથી જાણવા મળ્યું છે કે હાલ આ કૌભાંડની તપાસ IAS અધિકારી અને GIDCના મેનેજિંગ ડિરેક્ટર એમ થેન્નારસનને સોંપાઇ છે. થોડા સમય પહેલાં સરકારે MSME કમિશનર રણજિત કુમારને બદલીને તે હોદ્દાનો ચાર્જ થેન્નારસનને સોંપ્યો હતો. હવે સરકારે MSME ઉદ્યોગોને ગુજરાતમાં સસ્તો અને સારો કોલસો ભારત સરકારની યોજના પ્રમાણે મળી રહે તે માટે આ યોજનાની જવાબદારી MSME કમિશનરેટ પાસેથી આંચકીને GMDCને સોંપી દીધી છે.
તપાસ સાવ ઠંડી હોવાનો દાવો
બીજી તરફ, રાજ્ય સરકારના સૂત્રો કહે છે કે હાલ થેન્નારસનને તપાસ સોંપાઇ તો છે, પરંતુ તે તપાસ સાવ ઠંડી છે તેમાં કોઇ મોટા ગજાની વ્યક્તિની જવાબદારી બહાર આવે તેવું થવાને બદલે સમગ્ર વાંક માત્ર કોલસા વિતરણ માટે નિમાયેલી એજન્સીઓ પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે.