શિયાળુ સત્ર : ‘સંસદમાં 22 કલાક વેડફાયા’, 2 કલાકથી ઓછી ચર્ચામાં આટલા બિલ થયા પાસ

india

Indian Parliament : સંસદનું શિયાળું સત્ર બુધવારે જ પૂર્ણ થઇ ગયું હતું. નવા સંસદ ભવનમાં આયોજીત પ્રથમ અને વર્તમાન લોકસભાનું અંતિમ ઔપરીચારિક સત્ર સુરક્ષા ભંગ, ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી વિવાદ અને મોટી સંખ્યામાં વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના કારણે ચર્ચામાં રહ્યું હતું. આ સત્ર દરમિયાન દેશના ફોજદારી કાયદામાં ફેરફાર લાવતા ત્રણ મહત્વના ખરડા અને ટેલિકોમ સેક્ટરમાં પરિવર્તન લાવનાર એક મહત્વપૂર્ણ બિલ સહિત 18 બિલ પસાર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, 17મી લોકસભામાં પસાર કરવામાં આવેલા કુલ બિલો પૈકી અડધા બિલો અંગે બે કલાકથી પણ ઓછી ચર્ચા કરવામાં આવી હતી તેમ એક થિંક ટેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે.

સંસદ પર આતંકી હુમલાની વરસી પર સુરક્ષામાં ચૂક

સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષામાં ચૂકને કારણે હોબાળો મચી ગયો હતો. વિપક્ષે તેને મોટો મુદ્દો બનાવ્યો અને વિસ્તૃત ચર્ચા સાથે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી. આ વિવાદને કારણે વિપક્ષના રેકોર્ડ 146 સાંસદોને બંને ગૃહોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

લોકસભા અને રાજ્યસભામાં 146 સાંસદોને કરાયા હતા સસ્પેન્ડ

લોકસભામાં કાર્યવાહીના છેલ્લા દિવસે ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા બંને ગૃહોમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા વધીને 146 થઈ ગઈ. જેમાં લોકસભાના 112 અને રાજ્યસભાના 34 સાંસદોનો સમાવેશ થાય છે. ચાર બેઠકોમાં કોંગ્રેસના 60, ડીએમકેના 21, જેડીયુના 14, ટીએમસીના 21, એસપીના 4, બીએસપી, આઈયુએમએલ, જેએમએમ, વીસીકે, આરએસપીના એક-એક, એનસીપીના 4, સીપીએમના 5, સીપીઆઈના 3, એનસીના 2 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રાજ્યસભામાં 65 અને લોકસભામાં 62 કલાક કામ થયું 

શિયાળુ સત્રમાં રાજ્યસભામાં 65 કલાક અને લોકસભામાં 61 કલાક 50 મિનિટ કામ થયું હતું. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, વિપક્ષ દ્વારા કાર્યવાહી ખોરવવાને કારણે લગભગ 22 કલાક વેડફાઈ ગયા હતા. ધનખડે કહ્યુ કે, ગૃહમાં કુલ 79 ટકા કામ થયું હતું. 14 બેઠકો દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષી બેન્ચના 2,300 થી વધુ પ્રશ્નોને સંબોધવામાં આવ્યા હતા. કુલ 17 બિલ પાસ થયા હતા. લોકસભામાં 74 ટકા કામગીરી નોંધાઈ હતી. 14 બેઠકો યોજાઈ હતી તેમજ 18 બિલ પાસ થયા હતા.

સંસદના શિયાળુ સત્રમાં 18 બિલ પસાર કરાયા

શિયાળુ સત્રમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલ પસાર કરવામાં આવ્યા હતા. જેથી દેશના ફોજદારી કાયદામાં ધરમૂળથી ફેરફાર થઇ ગયા છે. આ ઉપરાંત ટેલિકોમ સેક્ટરના માળખામાં ફેરફાર લાવતા ટેલિકોમ બિલ અને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટેના બિલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસ બિલ, પ્રેસ અને રજીસ્ટ્રેશન સહિતના 18 બિલ પસાર કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *