- પરિવારને ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાની દલીલ
ઇસ્લામાબાદ. પાકિસ્તાનમાં પાંચ આતંકી વડાના બેન્ક ખાતાં ફરી ખોલી દેવાયા છે, જેમાં મુંબઇ હુમલાના આરોપી હાફિઝ સઇદનું ખાતું પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુએન સિક્યુરિટી કાઉન્સિલની સમિતિની મંજૂરી બાદ આ પગલું ભરાયું છે. ગયા મહિને એફએટીએફએ આતંકવાદ પર સકંજો કસવામાં નિષ્ફળતા બદલ પાક.ને ગ્રે લિસ્ટમાં નાખવાનો નિર્ણય લીધો હતો. હવે એ જોવાનું રહેશે કે એફએટીએફની આગામી બેઠકમાં યુએનએસસી અને પાક.ના આ પગલાં અંગે ચર્ચા થાય છે કે નહીં?
સઇદ ઉપરાંત જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તોઇબાના અબ્દુલ સલામ ભુટ્ટવી, હાજી અશરફ, યાહ્યા મુજાહિદ અને જફર ઇકબાલના બંધ બેંક ખાતાં પણ ચાલુ કરી દેવાયા છે. આ બધા જ યુએનના આતંકીઓના લિસ્ટમાં સામેલ છે અને ટેરર ફન્ડિંગના કેસમાં 1થી 5 વર્ષની સજા કાપી રહ્યા છે.
રિપોર્ટ્સ મુજબ, બધાએ યુએનને અપીલ કરી હતી કે તેમના બેંક ખાતાં ફરી ખોલી દેવાય, જેથી તેમના ઘર ચાલી શકે. કહેવાય છે કે આ બધાએ પાક. સરકારને તેમની આવકના સ્ત્રોત જણાવ્યા અને પછી તે માહિતી યુએનએસસીને મોકલાઇ હતી.