- બપોરે 1થી 3 એમ બે કલાક માટે રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવશે
- કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધી કરાશે
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામા આવ્યો હતો. ત્યારબાદ હવે અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને લઈ આવવામાં આવી રહ્યો છે. બાદમાં કોવિડ ગાઈડલાઈન મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બપોરે 1થી 3 એમ બે કલાક માટે રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવશે અને ત્રણ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો અંતિમદર્શન માટે હાજર રહેશે.
અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહેશે
અભય ભારદ્રાજના પાર્થિવ દેહને બે વાગ્યે અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાશે. અંતિમ દર્શન કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધી કરાશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહેશે.
ભારદ્વાજના નિધનથી ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી
માત્ર એક જ સપ્તાહના ગાળામાં ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું છે. તેઓ જૂન મહિનામાં જ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા હતા. આ અગાઉ ગયા મંગળવારે કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.
બે બેઠક ખાલી પડી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે 61 મત જોઈએ. હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા 11 ધારાસભ્યો જોઇએ, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે.
અભય ભારદ્વાજ ભાઈના નામથી જાણીતા હતા
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ ભાઈના હુલામણા નામથી જાણીતા હતા. મુખ્યમંત્રીના કોલેજકાળથી તેઓ મિત્ર હતા. અભય ભારદ્વાજ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અનેક કેસોમાં કાનૂની સલાહકાર રહી ચૂક્યા છે. મુખ્યમંત્રીના ડર્ટી ડઝન ગ્રુપના સભ્ય હતાં. જે 12 મિત્રોનું ગ્રુપ છે. ભાજપના ટ્રબલ શૂટરની ભૂમિકામાં રહેતા અભય ભારદ્વાજ ભાજપના પડદા પાછળના કિંગ મેકર રહ્યાં છે. અભય ભારદ્વાજ વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે સંકળાયેલા હતા.