નવા કૃષિકાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે હવે 30 ડિસેમ્બરે વધુ એક બેઠક યોજાશે. આ પહેલાં ખેડૂતોએ સરકારને પત્ર લખીને ચાર શરત સાથે 29 ડિસેમ્બરે વાતચીત કરવા આમંત્રણ આપ્યું હતું. જોકે, ખેડૂતો હજુ પણ કૃષિકાયદા પાછા ખેંચાવવા મક્કમ છે. આ બેઠકના એક દિવસ પહેલાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે, યુપીએના શાસનમાં ડૉ. મનમોહનસિંહ અને શરદ પવાર આ જ કાયદા લાગુ કરવા ઈચ્છતા હતા. જોકે, બહારના દબાણના કારણે તેઓ એવું ના કરી શક્યા.
સરકાર કાયદા પાછા નહીં લે તો આંદોલન ચાલુ રહેશેઃ ખેડૂત
આ મુદ્દે કૃષિ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલે પત્રમાં લખ્યું છે કે સંયુક્ત કિસાન મોરચાને 26 ડિસેમ્બરે ઈ-મેલ મોકલ્યો હતો. તેમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને ભારત સરકાર સાથે આગામી બેઠકનો સમય જણાવાયો છે. તમને અપીલ છે કે 30 ડિસેમ્બર, 2020ના રોજ વિજ્ઞાનભવનમાં કેન્દ્રીય મંત્રી સ્તરની સમિતિ સાથે બેઠકમાં ભાગ લો. તેના જવાબમાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે અમે બેઠકમાં સામેલ થઈશું અને જે પ્રસ્તાવ અમે રજૂ કર્યા છે તે વિશે વાત કરીશું. સરકાર કાયદા પાછા નહીં લે, તો અમે આંદોલન ચાલુ રાખીશું. અત્યાર સુધી સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે છ બેઠક થઈ ચૂકી છે, પરંતુ બધી જ નિષ્ફળ રહી છે. બીજી તરફ, અન્ય એક ઘટનાક્રમમાં 25 ખેડૂત સંગઠનોના નેતાઓએ નવા કૃષિકાયદાનું સમર્થન કર્યું છે. તેમણે સોમવારે કેન્દ્રીય કૃષિમંત્રીની મુલાકાત લઈને પોતાના સમર્થનનો પત્ર સોંપ્યો હતો.
કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ માટે 31 ડિસેમ્બરે કેરળ વિધાનસભામાં વિશેષ સત્ર
કેરલ સરકાર 31 ડિસેમ્બરે વિધાનસભામાં નવા કૃષિકાયદા વિરુદ્ધ અધ્યાદેશ રજૂ કરશે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આ માટે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. આ દરમિયાન કૃષિકાયદા અંગે ચર્ચા થશે અને તેની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરાશે.

પંજાબમાં થયેલા દેખાવોના કારણે અત્યાર સુધી 1,500 ટેલિકોમ ટાવરોને નુકસાન પહોંચાડાયું છે
પંજાબમાં 1,500 ટેલિકોમ ટાવરોને નુકસાન
પંજાબમાં થયેલા દેખાવોના કારણે અત્યાર સુધી 1,500 ટેલિકોમ ટાવરોને નુકસાન પહોંચાડાયું છે. તેના કારણે અનેક સ્થળે મોબાઈલ સર્વિસ પર અસર પડી છે. મોગામાં પોલીસ આવા જ એક કેસની તપાસ કરી રહી છે. જે ટાવરોને નુકસાન કરાયું છે, રિલાયન્સ જિયોના છે. આ કારણસર કંપનીએ ટાવરોની સુરક્ષા માટે પંજાબ પોલીસની મદદ માંગી છે.
અપડેટ્સ
- 25 ખેડૂત સંગઠનોના નેતાઓએ કૃષિ કાયદાને સમર્થન કર્યું છે. તેમણે સોમવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરીને સમર્થનની ચિઠ્ઠી સોંપી છે.
- ચંદીગઢમાં પંજાબ પ્રદેશ કોંગ્રેસ સેવા દળના સભ્યોમા સમર્થનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઘરની પાસે પ્રદર્શન કર્યું. તેમણે બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો તો પોલીસે ઘણા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા.
- બુરાડીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે, તેમને નિરંકારી સમાગમ ગ્રાઉન્ડનું નામ કિસાનપુરા કરી દીધું છે. તે 33 દિવસથી અહીં પ્રદર્શન કરી રહ્યાં છે. હવે તેમને આ તેમના ગામ જેવું લાગી રહ્યું છે.
ખેડૂતોની 4 શરતો
1. ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની શક્યતા પર વાતચીત થાય
2. મિનિમમ સપોર્ટ પ્રાઈઝ(MSP)ની કાયદાકીય ગેરંટી વાતચીતના એજન્ડામાં રહે.
3. કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓર્ડિનેન્સ હેઠળ સજાના પ્રોવિજન ખેડૂત પર લાગૂ ન થાય.ઓર્ડિનેન્સમાં સુધારો કરીને નોટિફાઈ કરવામાં આવે ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલમાં ફેરફારનો મુદ્દો પણ વાતચીતના એજન્ડામાં સામેલ થવો જોઈએ.
કેજરીવાલ બીજી વખત સિંધુ બોર્ડર પહોંચ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે સાંજે સિંધુ બોર્ડર પહોંચીને ખેડૂતોની મુલાકાત કરી. તે એક મહિનામાં બીજી વખત સિંધુ બોર્ડર પહોંચ્યા. તેમની સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હતા. ખેડૂતોને મળીને કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારને ખેડૂતો સાથે ઓપન ડિબેટ કરવાનો પડકાર આપું છું. આનાથી સ્પષ્ટ થઈ જશે કે આ કાયદો કેવી નુકસાન પહોંચાડશે.
મનકીબાત વખતે ખેડૂતોએ થાળી વગાડી
ખેડૂતોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો વિરોધ થાળી વગાડીને વિરોધ કર્યો. ભારતીય કિસાન યૂનિયન(BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જેવી રીતે PMએ કહ્યું હતું કે, કોરોના થાળી વગાડવાથી ભાગી જશે, એ જ રીતે ખેડૂત પણ થાળી વગાડી રહ્યાં છે જેથી કૃષિ કાયદાને ભગાડી શકાય.
પંજાબના વકીલે સુસાઈડ કર્યું
કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂતો 32 દિવસથી દિલ્હી બોર્ડર પર છે. પંજાબના સિનિયર એડવોકેટ અમરજિત રાયે દિલ્હીમાં આત્મહત્યા કરી હતી. તેઓ પંજાબના ફઝિલ્કા જિલ્લાના રહેવાસી છે. ટીકરી બોર્ડરથી 5 કિમી દૂર જઈ તેમણે ઝેર ખાઈ લીધું હતું.