ચીન પર જાસૂસીના આરોપો દુનિયાના અનેક દેશો લગાવી ચૂક્યા છે. હવે બ્રિટનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં કોન્સ્યુલેટ, યુનિવર્સિટીઝ અને કેટલીક કંપનીઓમાં ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના વફાદાર સભ્યો સામેલ છે. પાર્ટીના લીક થયેલા ડેટા બેઝમાં 19.5 લાખ સભ્યની માહિતી છે. એનાથી સ્પષ્ટ છે કે કઈ રીતે બીજિંગે બ્રિટનના દરેક ખૂણે પોતાની અસર ફેલાવવા માટે કોશિશ કરી છે. તેમાં ડિફેન્સ કંપનીઓ, બેંકથી લઈને ફાર્મા કંપનીઓ પણ સામેલ છે. તેમાં સૌથી ખતરનાક ઉપસ્થિતિ શાંઘાઈના બ્રિટિશ કોન્સ્યુલેટમાં હોવાનું જણાવાયું છે.
સંસદમાં કરવામાં આવશે સવાલ
‘ડેઈલી મેઈલ’એ ‘ધ મેઈલ’ના હવાલાથી દાવો કર્યો છે કે શાંઘાઈ સ્થિત બ્રિટિશ કોન્સ્યુલેટમાં એક સિનિયર અધિકારી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય છે. જોકે એનો કોઈ પુરાવો નથી કે કોઈ સભ્યે ચીન માટે જાસૂસી કરી છે. આ મામલે દાવો કરાયા પછી 30 સાંસદે કહ્યું હતું કે તેઓ આ મામલે હાઉસ ઓફ કોમન્સમાં સવાલ કરશે. ટોરી પાર્ટીના પૂર્વ નેતા ડનકન સ્મિથે કહ્યું છે કે તપાસથી સાબિત થાય છે કે કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યા છે.
બ્રિટન અને ચીન, બંને માટે કામ ન કરી શકે.
સ્મિથે કહ્યું હતું કે સરકારે હવે ચીનના કોન્સ્યુલેટના કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોને રવાના કરી દેવા જોઈએ. તેઓ બ્રિટન માટે અથવા તો ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી માટે કામ કરી શકે છે, બંને માટે નહીં. વિદેશ મંત્રાલયે એ વાત પર ભાર મૂક્યો છે કે વિદેશમાં પોતાની જાણકારી અને સ્ટાફને સુરક્ષિત રાખવા માટે આકરાં પગલાં લીધાં છે.
ક્યાં ક્યાં પહોંચ્યા છે પાર્ટીના સભ્યો
સિનિયર વ્હાઈટહોલ ઈન્ટેલિજન્સનાં સૂત્રોના પ્રમાણે, આ પ્રાપ્ત જાણકારીથી સુરક્ષા પર સવાલ સર્જાયા છે. જે ઓફિસમાં વધુ અધિકારી છે ત્યાં બ્રિટનની સિક્યોરિટી સર્વિસના કર્મચારી પણ છે. એવામાં શક્ય છે કે તે તેમની ઓળખ કરી રહ્યું છે. સેન્ટ એન્ડ્રૂ યુનિવર્સિટી, એરોસ્પેસ એન્જિનિયરિંગ-કેમિસ્ટ્રી રિસર્ચ, બ્રિટનની એચએસબીસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ફાઈઝર અને એસ્ટ્રેઝેનેકા જેવી ફાર્મા કંપનીઓ, એરબસ, બોઈંગ અને રોલ્સ રોયસમાં પાર્ટીના સભ્યો છે અથવા રહી ચૂક્યા છે.
સીસીપીમાં સામેલ થવાની હોડ
આ ડેટાબેઝ ટેલિગ્રામ પર લીક થયો છે અને ચીનના એક બળવાખોરે ઈન્ટરપાર્લમેન્ટરી એલાયન્સ ઓન ચીન (આઈપીએસી)ને આપ્યો છે. ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીમાં કુલ 9.2 કરોડ સભ્યો છે, પણ તેમાં સામેલ થવા માટે હરીફાઈ ઘણી તેજ રહે છે, આથી અરજી આપનારા 10માંથી માત્ર એક શખસને પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે.