નવા વર્ષે નવો નિયમ:સુરતમાં હવેથી ઓવર સ્પીડિંગ અને મોબાઇલ પર વાત કરતાં પકડાશો તો 3 મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ, ગત વર્ષે 282 અને આ વર્ષે 141 લોકોએ જીવ ગુમાવ્યો

Gujarat Surat

હવે જો તમે રોંગસાઈડ ડ્રાઇવિંગ કરતાં પકડાશો કે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતાં પકડાશો તો 3 મહિના સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાશે. આ સિવાય બીજીવાર ઈ-મેમો મળશે તોપણ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થશે. મંગળવારે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક સીપી કચેરીમાં યોજાઈ હતી. વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો મેળવનારનું પણ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરાશે.બ્લેક સ્પોટ, જીવલેણ અકસ્માત, દંડ, ઈ-મેમો જેવા ડેટાબેઝનાે અભ્યાસના આધારે ટ્રાફિક નિયમનને વધુ અસરકારક બનાવાશે.

સુરત શહેરમાં ગત વર્ષ દરમિયાન ગંભીર અકસ્માતોમાં 282 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જયારે આ વર્ષે 141 વાહનચાલકોએ જીવ ગુમાવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ગંભીર અકસ્માતોમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે.કોરોના મહામારીમાં અમલી થયેલા લોકડાઉનમાં વાહનવ્યવહાર ન હોવાથી અકસ્માતોનું અને ફેટલ એક્સિડેન્ટનું પ્રમાણ ઓછું થયું છે.

મહત્ત્વના નિર્ણયો જે તમે જાણવા માગો છો

  • ઓવરસ્પીડિંગ, ચાલુ બાઇકે મોબાઈલ પર વાત કરતાં પકડાશો તો દંડની રકમ ભરવા ઉપરાંત લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થશે
  • એક જ પ્રકારના નિયમ ઉલ્લંઘનમાં બીજી વાર ઈ-મેમો મેળવશો તો દંડ થશે
  • લાઇસન્સ સસ્પેન્ડ થયા બાદ ફરી પકડાશો તો લાઇસન્સ કાયમી સસ્પેન્ડ થશે
  • લાઇસન્સ સસ્પેન્ડ થતાં જ એની સોફ્ટ કોપી પણ વેલિડ રહેશે નહિ
  • ડ્રાઇવિંગ લાઇસન્સની હાર્ડ કોપી આરટીઓમાં જમા કરાવવાની રહેશે.
  • 3 મહિના બાદ આરટીઓમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું પડશે.

દર મહિને 100થી વધુ લોકોનાં લાઇસન્સ સસ્પેન્ડ
રોડ સેફટીની મીટિંગમાં લાઇસન્સ સસ્પેન્ડ કરવા બાબતે લેવાયેલા નિર્ણયનો કડકાઇથી અમલ કરવામાં આવશે. જોકે સામાન્ય દિવસોમાં પણ મહિને 100થી વધુ લોકોનાં લાઇસન્સ અલગ અલગ પ્રકારના નિયમ ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવે છે. – ડી.કે.ચાવડા,આરટીઓ,સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *