- પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું- મહિલાઓ પુરુષો કરતા શ્રેષ્ઠ છે
- સામાન્ય રીતે સમસ્યાઓનું કારણ એ વૃદ્ધો છે, જે રસ્તામાં અડચણ રૂપ બની રહ્યા છેઃ ઓબામા
વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું કહેવું છે કે, જો દુનિયાને મહિલાઓ ચલાવતી હોત તો લોકોના જીવનસ્તરમાં સુધારો જોવા મળતો અને દરેક જગ્યાએ સારા પરિણામો જોવા મળતા. સિંગાપુરમાં એક કાર્યક્રમમાં તેમણે નારી શક્તિની પ્રશંસા કરતા કહ્યું કે, તે સર્વશ્રેષ્ઠ ન હોઈ શકે પણ એ વાત તો સાચી છે કે તે પુરુષો કરતા તો શ્રેષ્ઠ છે.
ઓબામાએ કહ્યું કે, ‘જ્યારે રાષ્ટ્રપતિ હતો, ત્યારે ઘણી વખત વિચાર આવ્યો હતો કે જો મહિલાઓ દુનિયાને ચલાવતી હોત તો કેવું હોત. મને પુરે પુરો વિશ્વાસ છે કે જો બે વર્ષ માટે દરેક દેશની કમાન મહિલાઓના હાથમાં સોંપી દેવામાં આવે તો તમને દરેક જગ્યાએ સુધારો જોવા મળશે. આનાથી લોકોનું જીવનસ્તર સુધરશે. હાલ તમને ક્યાંય પણ સમસ્યા જોવા મળે તો સમજી જવાનું કે આ એ વૃદ્ધ પુરુષોના કારણે જ થઈ રહ્યું છે. જે રસ્તામાંથી હટવા માંગતા નથી.’
ઓબામાએ વધુમાં કહ્યું કે, ‘રાજનેતાઓ માટે જરૂરી છે કે તેઓ પોતાને યાદ અપાવે કે તેમણે કામ કરવાનું છે. આ લોકો જે પદ પર છે , તેની પર ચોંટ્યા રહેવા માટે નથી. આ લોકો માત્ર પોતાની શક્તિ અને મહત્વ વધારવા માટે જ નથી’
રાજકારણ છોડ્યા બાદ ઓબામાએ ફાઉન્ડેશન શરૂ કર્યું
2009થી 2016 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચુકેલા ઓબામાએ રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી રાજકારણ છોડી દીધું હતું. હાલ તેઓ પત્ની મિશેલ સાથે ‘ઓબામા ફાઉન્ડેશન’ચલાવે છે. આ સંસ્થા દુનિયાભરના યુવા નેતાઓ અને કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરે છે. ઓબામાના જણાવ્યા પ્રમાણે, તે સમાજમાં નવી શોધને મહત્વ આપવા માંગે છે. રોજિંદા જીવનને વધુ સારુ બનાવવા માટે લોકોને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. ઓબામા ફાઉન્ડેશન બર્લિન,જકાર્તા સાઉ પાઉલ અને નવી દિલ્હીમાં પણ કાર્યક્રમ કરી ચુક્યો છે. ઓબામા 2017માં દિલ્હી આવ્યા હતા. તેમણે યુવા નેતાઓ સાથે વાતચીત કરી હતી.