અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને પરત બોલાવ્યા પછી પ્રથમવાર રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અચાનક બદલાઈ ગઈ. એની અસર બીજા દેશો પર પણ પડી છે. આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે.બાઈડનની સ્પીચની મુખ્ય વાતો…
- મારી નેશનલ સિક્યોરિટી ટીમ અને હું ખુદ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છું. એ જોવાનું છે કે અમેરિકા ત્યાં કેમ ગયું હતું. અમે ત્યાં 20 વર્ષ રહ્યા. અમે અલકાયદાને તો નેસ્તનાબૂદ કર્યો. ઓસામા બિન લાદેનને પણ ખતમ કર્યો. અમે અફઘાનિસ્તાનને બનાવવા માટે દરેક શક્ય કોશિશ કરી. અમેરિકાએ પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં સફળતા હાંસલ કરી છે.
- જ્યારે મેં સત્તા સંભાળી તો તેના પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા હતા. 1 મે પછી અમારી પાસે વધુ વિકલ્પ નહોતા અથવા તો અમે ત્યાં જ રહ્યા હોત અને તાલિબાન સાથે લડ્યા હોત અથવા તો અમેરિકન સૈનિકોને પરત બોલાવ્યા હોત. હું મારા પ્લાન પર અડગ રહ્યો છું. અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત લાવવાના નિર્ણયમાં કોઈ ફેરફાર કરવા માગતો નથી.
- હું માનું છું કે તાલિબાન ખૂબ જલદી હાવી થઈ ગયા. ત્યાંની નેતાગીરીએ ખૂબ જલદી હાર માની. અમે ત્યાં અબજો ડોલર ખર્ચ કર્યા. અફઘાન ફોર્સને ટ્રેનિંગ આપી. આટલી મોટી ફોજ અને હથિયારોથી સજ્જ લોકોએ હાર કેવી રીતે માની લીધી.
- અમેરિકન સેના ત્યાં કેટલો સમય રોકાય, એક વર્ષ કે પાંચ વર્ષ. એનાથી શું સ્થિતિ બદલી હોત? મેં અશરફ ગની સાથે જૂનમાં વાત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે તેઓ સત્તામાં રહેલા કરપ્શનને દૂર કરે. ગનીને વિશ્વાસ હતો કે તેમની ફોજ તાલિબાનનો મુકાબલો કરી લેશે.
- હું એ ભૂલો કરી શકું એમ નહોતો, જે અગાઉના લોકોએ કરી હતી, આથી પોતાના પ્લાન પર જ અડગ રહ્યો. અફઘાન લોકોને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. ત્યાંની ફોજ અમારા અનેક નાટો સહયોગીઓથી વધુ છે. તેમની પાસે હથિયારો પણ હતાં. પછી આવું કેમ બન્યું?
- મેં ખુદ ત્યાં તહેનાત સૈનિકો સાથે વાત કરી હતી. પછી નક્કી કર્યું કે આ મામલાને ડિપ્લોમેટિક રીતે ઉકેલવો પડશે. આખરે મારે અમેરિકાનું હિત પણ જોવું છે.
- હાલ અમે 6 હજાર સૈનિકો ત્યાં મોકલ્યા છે, જેથી તેઓ અમારા અને પોતાના સહયોગી દેશોના લોકોને કાઢી શકે. તેઓ ત્યાં દિવસરાત કામ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે ત્યાંથી અમારા તમામ સિવિલિયન ત્યાંથી સુરક્ષિત પરત આવે.
- કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે અમે અફઘાનિસ્તાનના કેટલાક અમારા મદદગારોને કેમ ન બહાર લાવ્યા, પરંતુ તેઓ ખુદ અહીં આવવા માગતા નથી. તેમને સ્થિતિ સુધરશે એવો ભરોસો છે. અત્યારસુધીમાં અમેરિકાના ચાર રાષ્ટ્રપતિ અફઘાનિસ્તાન સંકટનો સામનો કરી ચૂક્યા છે. હું ઈચ્છતો નથી કે પાંચમા રાષ્ટ્રપતિ પણ આ બધું જુએ.
- અમે ઓસામા બિન લાદેનનો એક દાયકા સુધી પીછો કર્યો અને તેને ઠાર કર્યો. મને મારા નિર્ણય પર કોઈ અફસોસ નથી, કેમ કે એ અમેરિકાના હિતમાં છે. અમેરિકન સેનાને ત્યાં રાખવી અમારી રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં પણ નહોતું.
- અમે તાલિબાનને સ્પષ્ટ જણાવ્યું છે કે જો અમારા સૈનિકો પર હુમલો થયો તો અમે અત્યંત આકરા અને ઝડપી એક્શન લઈશું. અમેરિકન સૈનિકો ત્યાંથી જઈ રહ્યા છે, પરંતુ અમે ત્યાં સંપૂર્ણપણે નજર રાખી રહ્યા છે.
અમેરિકન વિદેશમંત્રીએ પણ કહ્યું-અફઘાનીઓ ખુદ મુકાબલો કરે
અત્યારસુધી અફઘાનિસ્તાનમાં રહેલી અમેરિકન સૈનિકોની વાપસી સાથે જ તાલિબાને પોતાની અસર વધારવાનું શરૂ કરી દીધું હતું. આના પર સવાલ ઊઠ્યા તો અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ પોતાની તકદીરનો નિર્ણય હવે ખુદ જ લેવો પડશે.