કોરોનાની વેક્સિન હજુ સુધી આવી નથી. અત્યારે માસ્ક તેમજ સોશિયલ ડિસન્ટન્સ એક માત્ર વિકલ્પ છે. આ હકીકતને ધ્યાનમાં રાખી અમદાવાદના ઉત્પાદકોએ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો જેવો મેસેજ આપતાં હજારો પતંગો બનાવ્યા છે.

અમદાવાદના પતંગ બજારમાં ઉત્તરાયણના 1 મહિના પૂર્વે થતો 80 ટકા ધંધો કોરોનાને કારણે તૂટી 30 ટકા થયો

Gujarat
  • દર વર્ષે બનતાં 8 થી 10 કરોડ પતંગ સામે આ વખતે 2 કરોડ જ તૈયાર થયા
  • પતંગનાં 80 ટકા કારખાનાં બંધ રહ્યાં, બહારનાં રાજ્યોમાંથી કારીગરો કે વેપારીઓ પણ ન આવ્યાં

અમદાવાદના પતંગ બજારમાં દર વર્ષે 8થી 10 કરોડ પતંગ બને છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અંદાજે 2 કરોડ પતંગ તૈયાર થઈ છે. જમાલપુર, કાલુપુર, રાયપુર, દિલ્હી ચકલા જેવા બજારોમાં હોલસેલ ભાવમાં 25થી 30 ટકા જેટલો જ વેપાર થયો છે. હોલસેલના વેપારીઓ એક મહિના પહેલાં તો 80 ટકા પતંગો જુદાં જુદાં રાજ્યોમાં વેચીને ફ્રી થઈ જતા હોય છે. સિઝનલ વેપારીઓના ફટાકડાઓ દિવાળીમાં વેચાયા ના હોવાથી તેમણે દુકાનો લગાવી પતંગમાં રોકાણ કર્યું પરંતુ ત્યાં પણ મંદીનો માહોલ નડી રહ્યો છે.

જમાલપુરના ત્રણ પેઢી જૂના પતંગના વેપારી રાજુ પતંગવાલાએ કહ્યું કે, ઉત્તરાયણ પૂરી થયા બાદ અમે ફેબ્રુઆરી-માર્ચમાં પતંગોનું મટીરીયલ લાવવાથી લઈ બનવવાનું કામ શરૂ કરી દઈએ છીએ પરંતુ લોકડાઉનના કારણે આ કામ જુલાઈમાં શરૂ થયું છે.

કાલુપુરના વેપારી પપ્પુભાઈ પતંગવાલાએ જણાવ્યું કે, બહારના રાજ્યોમાંથી પતંગ બનાવવા આવતા 70 પરિવારો આવ્યા જ નથી. 80થી 85 ટકા પતંગ બનાવવાના કારખાના બંધ છે. કોરોનાના વધુ કેસો અને કર્ફ્યૂના કારણે બહારના રાજ્યોના વેપારીઓ નથી આવતા. અમારે 7.30 વાગે દુકાનો બંધ કરી 9 પહેલા ઘરે પહોંચવું પડે છે.

ઉત્તરાયણ અંગે હજુ સુધી SOP બહાર ન પડતાં ગૂંચવાડો
સરકારે ઉત્તરાયણ અંગે હજુ સુધી એસઓપી બહાર ન પાડી હોવાથી વેપારીઓ તેમજ પતંગ રસિયામાં ગૂંચવાડો છે. વેપારીઓનું કહેવું છે કે સ્પષ્ટ ગાઇડલાઇનના અભાવે પતંગ દોરીના ધંધાને અસર પડી રહી છે. લોકો પણ ખરીદી કરવા આવતા ખચકાય છે.

કાચી સામગ્રી મોંઘી, કોડીના ભાવ 10થી 15 ટકા ઘટ્યા
પતંગમાં ઉપયોગમાં આવતી સળી આસામ અને ત્યાંથી કોલકાતામાં બનીને આવે છે. પરંતુ કોરોનાના કારણે વધુ ઉત્પાદન થયું નથી અને માલની ખેંચ હોવાથી ભાવમાં પણ વધારો થયો છે. ગયા વર્ષે રૂપિયા 300ની 100 પતંગ વેચાઈ હતી. આ વખતે હોલેસલ ભાવમાં 225માં વેચાઈ રહી છે. 500ની મોટી પતંગો 350 છે. રોકાણ કર્યું હોવાથી વેપારીઓ જલદી વેચવાની ફિરાકમાં એવરેજ 10થી 15 ટકા નીચા ભાવે કોડી પતંગ વેચી રહ્યા છે.

15ને બદલે માત્ર 2 રાજ્યમાં પતંગનો વેપાર થયો
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ સહિતના 12થી 15 રાજ્યોમાં પતંગો બનીને જાય છે પરંતુ અત્યારે પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશને બાદ કરતાં અન્ય રાજ્યમાંથી વેપારીઓ ફરક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *