- સાસુ દિપ્તીબેને પણ હોસ્પિટલના સ્ટાફ પર ગુસ્સો ઉતાર્યો
હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલી પુત્રવધુ અને તેની સાસુ પોતાની જાત પર ગુસ્સો વ્યકત કરતા જોવા મળ્યા હતા. પોતે બચી જઇને જાણે કે ભુલ થઇ ગઇ છે કે કે પછી આ ખોટુ કૃત્ય આચર્યું હતું કે પછી પશ્ચાતાપ થઇ રહ્યો હતો તે સમજી શકાતુ ન હતું પણ પુત્રવધુ ઉર્વી હોસ્પિટલમાં પોતાના ગાલ પર જ તમાચા મારતી જોવા મળી રહી હતી જયારે સાસુ દિપ્તી બેન પણ હોસ્પિટલના સ્ટાફ પર પોતાનો ગુસ્સો વ્યકત કરતા જોવા મળ્યા હતા. જે સ્ટાફ તેમને બચાવવાના પ્રયાસ કરતો હતો તે સ્ટાફ પર ગુસ્સો વ્યકત કરીને તેઓ પોતાનું ફસ્ટ્રેશન વ્યકત કરતા જોવા મળ્યા હતા. સ્ટાફ નજીક આવે તો ગુસ્સો કરતા હતા. જો કે સ્ટાફે બંનેને કન્ટ્રોલ કર્યા હતા.
આર્થિક સંકડામણમાં આવેલા સોની પરિવારે પોતાની કાર અને બાઇક તથા મોપેડ તથા સાયકલ પણ વેચી દીધી હોવાનું પાડોશીઓ તરફથી જાણવા મળ્યું હતું. પરિવારે સ્કૂલમાં જતી દીકરીની સાયકલ 500 રુપીયામાં વેચી હોવાનું પણ જાણવા મળ્યું હતું. નરેન્દ્ર સોનીનો મૂળ વ્યવસાય ઇમિટેશન જ્વેલરીનો હતો. તેઓની મંગળબજારમાં માલિકીની દુકાન પણ હતી. પરંતુ, વ્યવસાય સારો ચાલતો ન હોવાથી તેઓએ પોતાની જ દુકાનમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે ધંધો પણ ન ચાલતા મંગળબજારની દુકાન વેચીને સમા અભિલાષા ચાર રસ્તા ઉપર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ, તે ધંધો પણ ન ચાલતા આખરે ધંધો બંધ કરી દીધો હતો.
3 લોકો હલનચલન કરતા હોવાથી ટેમ્પોમાં નાખી દવાખાને પહોંચાડ્યા
સમા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેશ રાઠવાએ જણાવ્યું હતું કે, અમને સાંજે 5 વાગે બનાવ અંગેની માહિતી મળતા સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં મકાનના દરવાજાને બહારથી તાળું મારેલું હતું. લોકની જાળીમાંથી બૂમ પાડતા અંદરથી ભાવિને કહ્યું કે ચાવી બહાર નાખી છે. અમે ચાવી શોધી તાળું ખુલ્યું હતું. અંદર જતા પરિવારના ચાર સભ્યો જમીન પર પડેલા હતા. જ્યારે એક વ્યક્તિ અને બાળક પલંગ જોવા મળ્યું હતું. જમીન પર પડેલા ચાર પૈકીના ૩ લોકો હલનચલન કરતા હોવાથી તે અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓ કરી તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની રાહ જોયા સિવાય થ્રી વ્હીલ ટેમ્પોમાં છાણી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ઘર પર બેંકની લોન બાકી હોવાથી વેચી ના શકયા
સોસાયટીના રહીશો તરફથી જાણવા મળતી વિગતો મુજબ નરેન્દ્ર સોનીના 2 માળના મકાનનો તાજેતરમાં અશોક ગજ્જર નામના વ્યક્તિ સાથે સોદો થયો હતો અને 1 મહિનાથી અશોક ગજ્જર અવાર નવાર મકાનમાં આવતા પણ હતા. જો કે આ મકાન પર નરેન્દ્ર સોનીએ લીધેલી લોનબાકી હોવાથી મકાનનો દસ્તાવેજ થઇ શકયો ન હતો જેથી પણ તેઓ ટેન્શનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું . મધ્યમવર્ગના સોની પરિવારે કેમ આવું પગલું ભર્યું તેની પોલીસે તપાસ શરુ કરી હતી.
બચી ગયેલા 3 ઉછાળા મારી ઉલટી કરતા હતા
પ્રત્યક્ષદર્શી જીતેન્દ્ર સોલંકી (પપ્પુ)એ જણાવ્યું હતું કે, હું આ રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે મેં સ્વાતી સોસાયટીમાં પોલીસ જોતા હું અંદર આવ્યો હતો અને પોલીસ સાથે મકાનમાં પ્રવેશ્યો ત્યારે બચી ગયેલા બે ત્રણ જણા તરફડીયા મારતા હતા અને ઉછાળા મારી ઉલટીઓ કરતા હતા જેથી હું તુરત જ બહાર રસ્તા પર દોડીને આવ્યો હતો અને ટેમ્પા ચાલકને તુરત બોલાવી બચી ગયેલા ત્રણેય જણાને ટેમ્પામાં હોસ્પિટલમાં ખસેડયા હતા.