ક્રુડ ઓઈલ કે જેને રીફાઈન કરવામાં નથી આવ્યું એવું કાચું તેલ. આ ક્રુડ ઓઈલમાંથી નીકળે છે પેટ્રોલ, ડિઝલ, કેરોસીનનું તેલ, ગેસ અને વેસલીન. સોમવાર ૯ માર્ચ, ૨૦૨૦ એ ક્રુડ ઓઈલની કિંમતમાં મોટો ઘટાડો થયો. શરુઆતના વેપારમાં લગભગ ૩૦ ટકાનો ઘટાડો થયો. તેને ૩૦ વર્ષનો મોટો ઘટાડો કહેવાય છે. તેને ૧૭ જાન્યુઆરી, ૧૯૯૧ ની ગલ્ફ વોર શરુ થયા બાદનો સૌથી મોટો ઘટાડો કહેવાય છે.
પરંતુ આટલો મોટો ઘટાડો કેમ થયો ?
એક લાઈનમાં કહીએ તો તેલનું ઉત્પાદન ઓછુ કરવાના મુદ્દે તેલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક (OPEC) અને રશિયા વચ્ચે કરાર થઇ ના શક્યો. ઓપેક પર સાઉદીનો દબદબો છે. ગત સપ્તાહે સૌડીએ રશિયાને ક્રુડ ઉત્પાદનમાં ઘટાડાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ રશિયાએ સાઉદીની વાત ના સ્વીકારી અને વર્તમાન તેલ ઉત્પાદન યથાવત રાખવાની વાત કહી. ત્યારબાદ રશિયાને પાઠ ભણાવવા માટે સાઉદી અરેબિયાએ ક્રૂડની કિંમતો ઘટાડી દીધી. પરંતુ ઓપેક ક્રુડનું ઉત્પાદન કેમ ઓછુ કરવા માંગે છે ? એ જાણતા પહેલા સમજી લઈએ કે ઓપેક છે શું ?
શું છે ઓપેક ?

Organization of the Petroleum Exporting Countries. OPEC. પેટ્રોલિયમ નિર્યાતક દેશોનું સંગઠન. ઓપેકની સ્થાપના ૧૯૬૦ માં ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલાએ કરી હતી. હેતુ અમેરિકા અને યુરોપિયન ઓઈલ કંપનીઓની તાકાત અને વલણથી ઓઈલ ઉત્પાદક દેશોના હિતો સાચવવા. ઓપેકની રચનાનું સૂચન વેનેઝુએલાએ કર્યું હતું. એ એકમાત્ર દેશ હતો, જે ફારસની ખાડીથી ઘણો દુર હતો. વેનેઝુએલા એ દેશ છે, જેની પાસે ક્રુડ ઓઈલનો મોટો ભંડાર છે. અમેરિકાની જાસુસ એજન્સી સી.આઈ.એ. અનુસાર લગભગ ૩૦,૨૩૦ કરોડ બેરલ ક્રુડ ઓઈલ.
૧૯૬૦ થી ૨૦૧૮ ની વચ્ચે પાંચ સદસ્ય દેશોની સાથે, દસ અન્ય દેશ પણ તેમાં જોડાઈ ગયા. આ દસ દેશ છે કતાર, ઇન્ડોનેશિયા, લીબિયા, સંયુક્ત અરબ અમીરાત, અલ્જીરિયા, નાઈજીરિયા, એકવાડોર, અંગોલા, ગેબોન અને ઇક્ટોરીયલ ગીની. કેટલાય દેશો આ સંગઠનમાં આવતા જતા રહ્યા. કતાર ૨૦૧૮ માં ઓપેકથી અલગ થઇ ગયું. ઓપેક દેશ દુનિયાના ઓઈલ સપ્લાયનો ૪૦ ટકા કરતા વધારે પ્રમાણને નિયંત્રિત કરે છે. તે ૮૨ ટકા ઓઈલ ભંડારના માલિક પણ છે. સાઉદી અરબનો આ સંગઠન પર દબદબો છે. ઓપેક ઇચ્છતું હતું કે રશિયા ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરે. પરંતુ રશિયાએ ઓપેકની વાત ના માની. સહમતી ના બનતા શુક્રવાર ૬ માર્ચે જ ઓઈલની કિંમતમાં ૧૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
કોરોના વાયરસ સાથે કેવી રીતે જોડાયેલી છે સમગ્ર બાબત ?

દુનિયામાં ક્રુડ ઓઈલનું સૌથી મોટું ખરીદદાર ચીન છે. કોરોના વાયરસ સંક્રમણના કારણે ચીન મોટાપાયે પ્રભાવિત છે. ત્યાં ફેક્ટરીઓ, ઓફીસ અને દુકાનો પહેલાની જેમ નથી ચાલી રહી. ઘણી કંપનીઓનું પ્રોડક્શન ઘટી ગયું છે. ચીન સામાન્ય રીતે દરરોજ લગભગ ૧ કરોડ ૪૦ લાખ બેરલ ઓઈલની ખપત ધરાવે છે. પરંતુ કોરોના વાયરસને કારણે એવું નથી થઇ રહ્યું. ચીનની સાથે અન્ય દેશો પણ કોરોનાની ઝપટમાં છે. ઘણા દેશોમાં યાત્રા પર પ્રતિબંધ છે. રસ્તાઓ પર ગાડીઓ નથી ચાલી રહી. ફ્લાઈટ્સ ઓછી થઇ છે. હવાઈ જહાજોના કામમાં આવનાર જેટ ફ્યુઅલની ખપત પણ ઓછી થઇ રહી છે.
આ કારણે ક્રૂડની માંગણીમાં પણ ઘટાડો થયો છે. ક્રુડ ઓઈલની કિંમતોમાં થઇ રહેલા સતત ઘટાડાને રોકવા માટે ઓપેક અને સહયોગી દેશ ઓઈલ પ્રોડક્શનમાં રોજ ૧.૫ મીલીયન બેરલનો ઘટાડો કરવા માંગતા હતા, પરંતુ રશિયાએ તેના પર પોતાની સહમતી ના આપી. ત્યારબાદ દુનિયાના સૌથી મોટા ઓઈલ પ્રોડ્યુસર દેશ સાઉદી અરબે ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી દીધી.
સાઉદી અરેબિયા અને રશિયા ક્રુડ ઉત્પાદન કરનારા અન્ય મોટા દેશ હોય. એ બજારમાં કબજો મેળવવાની લડાઈ લડી રહ્યા છે. અમેરિકાના શેલ ઓઈલ ફિલ્ડથી છેલ્લા દસકામાં ક્રુડ ઉત્પાદન વધારીને ડબલ કરી દીધું છે. અમેરિકા જે ઝડપથી ક્રુડ ઉત્પાદન વધી રહ્યું છે, તેનાથી સાઉદી અરેબિયા અને રશિયા જેવા મોટા દેશોના માર્કેટ પર જોખમ ઉભું થઇ રહ્યું છે. આ કારણે રશિયાએ ઉત્પાદન ઘટાડાની વાત ના સ્વીકારી.

રશિયાના ઉત્પાદનમાં ઘટાડાની ના પાડ્યા બાદ સાઉદીએ એપ્રિલમાં ક્રુડ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. સાઉદીએ ગત મહીને પોતાના ક્રુડ ઉત્પાદનને વધારીને ૧૦ લાખ બેરલ પ્રતિ દીવસ કરવાની વાત કરી છે. જાણકારોનું કહેવું છે કે ક્રુડ ઓઈલની કિંમત હજુ ઘટશે. સોમવારે ૯ માર્ચે કિંમત ઘટ્યા બાદ ભારતીય બજારમાં ક્રુડ ઓઈલ ૨૨૦૦ રૂપિયા પ્રતિ બેરલની નીચે આવી ગયું છે. એક બેરલમાં ૧૫૯ લીટર ક્રુડ હોય છે. આ રીતે એક લીટર ક્રુડ ઓઈલનો ભાવ લગભગ ૧૩-૧૪ રૂપિયા થઇ ગયો.
દેશમાં ક્રુડ ઓઈલ પાંચે ત્યારબાદ તેને રીફાઈન કરવામાં આવે છે. પછી ઓઈલ કંપનીઓ તેને દરેક રાજ્યોમાં પહોંચાડે છે. દેશની ટેક્સ વ્યવસ્થા અનુસાર અને રાજ્યોની સરકારો તેના પર ટેક્સ લગાવે છે. પછી પેટ્રોલ પંપ પર ક્રુડ વેચનારા ડીલર પોતાનું કમીશન લે છે. કોસ્ટ બાદ ટેક્સ અને કમીશન વગેરે લાગવાના કારણે ઓઈલની કિંમત તેની શરૂઆતની કિંમત કરતા ઘણી વધારે થઇ જાય છે અને સામાન્ય ગ્રાહકોને તેની વધેલી કિંમત પર પેટ્રોલ- ડીઝલ મળે છે. ક્રુડ ઓઈલની કિંમતો ઘટવાથી પેટ્રોલ- ડીઝલની કિંમતો ઘટવી જોઈએ. પરંતુ ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે તેનો ઘણો વધારે ફાયદો લોકોને નથી મળવાનો. પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં ૨ થી ૩ રૂપિયાનો ઘટાડો થઇ શકે છે.
પરંતુ એક બીજું ય ગણિત છે. ભારતના ક્રુડ બાસ્કેટની કિંમત ૪૭.૯૨ ડોલર છે. એટલે કે ભારતને ૧૫૯ લીટર ક્રુડ ઓઈલ માટે ૩૫૬૭.૪૫ રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. તેવામાં ક્રુડ જો ૩૦ ટકા સસ્તું થઇ જાય છે તો ક્રુડ બાસ્કેટ પણ ૩૦ ટકા સસ્તું થવાની શક્યતા છે. ક્રુડ બાસ્કેટ ૨૪૭૦ રૂપિયાનું થઇ શકે છે. જો તેનો પૂરો ફાયદો લોકોને મળે છે તો પેટ્રોલ ૫૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી શકે છે.