- ટ્રમ્પની ભત્રીજીએ પુસ્તકમાં કર્યો દાવો- પિતાના હાથે માર ખાવાથી ટ્રમ્પ ડરતા હતા
વોશિંગ્ટન. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે તેના આગામી પુસ્તકમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખના પિતા તેમને બાળપણમાં બહુ હેરાન કરતા હતા. તેની તેમના જીવન પર ગાઢ અસર પડી છે. મેરીના જણાવ્યા મુજબ ટ્રમ્પ પરિવારમાં ભૂલની જવાબદારી લેવાનું શીખવાડાતું નહોતું. પરંતુ ચીટિંગની ટેવને ઉત્તેજન અપાતું હતું. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે કોલેજમાં એડમિશન માટે પ્રવેશપરીક્ષામાં ગોરખધંધા કર્યા હતા. તેમણે પૈસા આપીને પોતાને સ્થાને અન્યને પરીક્ષા આપવા મોકલ્યો હતો.
ડોનાલ્ડ તે સમયે ક્વીન્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી હતા અને કોલેજમાં પ્રવેશ માટે તેમને સારા માર્ક્સ મેળવવાની જરૂર હતી. તેમને વિશ્વાસ નહોતો કે તેઓ સારા માર્ક્સ મેળવી શકશે કે કેમ? એટલે તેમણે ચીટિંગ કર્યુ હતું. ટ્રમ્પ પાસે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વિખ્યાત વોર્ટન બિઝનેસ સ્કૂલની ડિગ્રી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જુનિયરની પુત્રી મેરીના પુસ્તક ટુ મચ એન્ડ નેવર ઈનફ: હાઉ માય ફેમિલી ક્રિએટેડ ધ વર્લ્ડ્સ મોસ્ટ ડેન્જરસ મેનમાં દાવો કર્યો છે કે ડોનાલ્ડને તેમના પિતા ફ્રેડી ટ્રમ્પ સિનિયર બહુ હેરાન કરતા હતા. ટ્રમ્પ સિનિયરને પ્રેમનો અર્થ જ ખબર નહોતો. ડોનાલ્ડની માતા જ્યારે બીમાર પડ્યાં ત્યારે તેઓ 2 વર્ષના હતા. પિતાને લાગતું હતું કે બાળકના ઉછેરની જવાબદારી તેમની નથી અને તેઓ સપ્તાહના છ દિવસ 12-12 કલાક કામ કરતા હતા. તેમણે પિતા પાસે જતા ડર લાગતો હતો. મોટા થઈને ખુદ ડોનાલ્ડે પણ આ પરંપરા અપનાવી. આ પુસ્તકને લઈને ટ્રમ્પ પરિવાર અને વ્યવસાયે સાઈકોલોજિસ્ટ મેરી વચ્ચે કાનૂની જંગ શરૂ થઈ ચૂક્યો છે. હકીકતમાં મેરીએ 20 વર્ષ પહેલાં એક નોન ડિસ્ક્લોઝર એગ્રિમેન્ટ કર્યો હતો. ટ્રમ્પ પરિવારનો દાવો છે કે તેના હેઠળ તે સંસ્મરણ લખી શકે નહીં.
14 જુલાઈએ પુસ્તક બજારમાં આવશે, બેસ્ટ સેલરના લિસ્ટમાં સૌથી આગળ
મેરી ટ્રમ્પનું પુસ્તક 28 જુલાઈએ રીલિઝ થવાનું હતું. પરંતુ હવે તે 14 જુલાઈએ રીલિઝ થશે. પ્રકાશક સાયમન્ડ એન્ડ શુસ્ટરના જણાવ્યા મુજબ વધુ માંગ હોવાથી અને લોકોની દિલચસ્પીના કારણે આ પુસ્તક બેસ્ટ સેલરની યાદીમાં પહેલા ક્રમે આવી ચૂક્યું છે. પુસ્તકમાં પ્રમુખના બાળપણ સાથે જોડાયેલા રોચક કિસ્સા છે. લોકો તેને વાંચવાનું પસંદ કરશે.