- કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોના દેખાવો યથાવત્
- અમારી માગ પ્રત્યે સરકાર જિદ્દી વલણ અપનાવીને અમારૂ અપમાન કરી રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
પંજાબમાં કૃષિ કાયદાઓના વિરોધમાં દેખાવો હજુ પણ ચાલુ છે. અલગ અલગ સંગઠનોના બેનર હેઠળ પંજાબના ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે અને વડાપ્રધાન મોદીના પૂતળા બાળી રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભાજપ નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકાર દેખાવાકારો પ્રત્યે જિદ્દી વલણ અપનાવી રહી છે.
ખેડૂતોની સાથે વિરોધ પક્ષો પણ કૃષિ સેક્ટરના ત્રણ કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે આ ત્રણેય કાયદાઓ ખેડૂત વિરોધી છે અને તેનાથી કૃષિ સેક્ટર પડી ભાંગશે. જો કે બીજી તરફ કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે નવા કૃષિ કાયદાઓથી ખેડૂતો વચેટિયાઓની પકડમાંથી મુક્ત થશે અને પોતાની રીતે પોતાની પેદાશો પોતાના ભાવે વેચી શકશે.
આજે પંજાબના ફગવાડા, મુક્તસર, અમૃતસર, પટિયાલા અને ભટિન્ડામાં ખેડૂતોએ મોટા પાયે દેખાવો કર્યા હતાં. જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઇ ગયો હતો. ખેડૂતોએ ફગવાડા અને હોશિયારપુર માર્ગ પર રેલીનું આયોજન કર્યુ હતું અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા બાળ્યા હતાં. ખેડૂતોેએ આક્ષેપ કર્યો છે કે કૃષિ મંત્રાલયના અિધકારીઓ સાથેની બેઠકમાં તેમના નેતાઓનું અપમાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બુધવારે ખેડૂત નેતાઓની કૃષિ મંત્રાલયના અિધકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ સચિવ હાજર હતાં પણ કોઇ કેન્દ્રીય પ્રધાન હાજર ન રહેતા ખેડૂત નેતાઓએ ચાલુ બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. ફગવાડામાં દેખાવો કરી રહેલા દેખાવકારોને સંબોધતા બીકેયુના જનરલ સેક્રેટરી સતનામસિંહ સાહનીએ જણાવ્યું હતું કે આપણે છેલ્લા ત્રણ મહિનાથી કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે પણ સરકાર આપણી માગ સાંભળતી જ નથી.