જમ્મુ-કાશ્મીરના પુલવામાના તિકેન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે સેના સાથે અથડામણમાં બે આતંકી ઠાર થયા છે. તેમની હજી સુધી ઓળખ થઈ શકી નથી. આ વિસ્તારમાં સર્ચ-ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સેનાએ દરોડા પાડ્યા હતા, ત્યારે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જવાબી કાર્યવાહીમાં બે આતંકી ઠાર કરાયા.
રવિવારે શ્રીનગરમાં પોલીસ પાર્ટી પર થયો હતો હુમલો
શ્રીનગરના હવલ ચોક વિસ્તારમાં રવિવારે આતંકીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવી હતી. આ હુમલામાં એક જવાન અને એક નાગરિક ઘાયલ થયા હતા. આ પહેલાં 26 નવેમ્બરે શ્રીનગરના HMT વિસ્તારમાં આતંકીઓએ સેના પર હુમલો કર્યો હતો. એ હુમલામાં બે જવાન શહીદ થયા હતા. આ હુમલો મુંબઈની 12મી વરસી પર કરવામાં આવ્યો હતો.
બે દિવસ પહેલાં દિલ્હીમાં આતંકીઓ સાથે જોડાયેલા 5 આરોપી પકડાયા હતા
દિલ્હી પોલીસે સોમવારે આતંકી સંગઠન સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી બે પંજાબના અને ત્રણ કાશ્મીરના છે. તેમના નામ શબ્બીર અહમ, અયૂબ પઠાણ, રિયાઝ રાઠર, ગુરજિત સિંહ અને સુખદીપ સિંહ છે. શકરપુર વિસ્તારમાં તેમની એન્કાઉન્ટર પછી ધરપકડ કરવામાં આવી છે. ગુરજિત અને સુખદીપ ગેંગસ્ટર છે અને પંજાબના શૌય વિજેતા એક્ટિવિસ્ટ બલવિંદર સિંહની હત્યામાં પણ સામેલ છે. બાકીના ત્રણેય હિજ્બુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા છે.