- કેનેડાના ન્યૂ ફાઉન્ડલેન્ડ, લેબ્રાડોર અને એટલાન્ટિકમાં શુક્રવાર-શનિવારે ભારે બરફવર્ષા થઇ
- સેંટ જોનમાં રેકોર્ડ બર્ફવર્ષાથી ગાડીઓ દબાઈ, ઘરોમાં બરફ જામ્યો, ફસાયેલાં લોકોને કાઢવા સેના પહોંચી
મોન્ટ્રિયલ (કેનેડા): દેશમાં આવેલા બરફના તોફાન- બોમ્બ સાયક્લોને ન્યૂ ફાઉન્ડલેન્ડ, એટલાન્ટિક અને લેબ્રાડોર રાજ્યમાં તબાહી મચાવી દીધી છે. શુક્રવાર-શનિવારે બરફના તોફાનની ચપેટમાં આવ્યા બાદ ન્યૂ ફાઉન્ડલેન્ડની રાજધાની સેન્ટ જોનમાં ઈતિહાસની અત્યાર સુધીની સૌથી વધારે બરફવર્ષા થઇ હતી. સેન્ટ જોન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 120-157 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલી જેના કારણે હવાઇ સેવાઓ રોકવી પડી હતી.
હવામાન વૈજ્ઞાનિક રોબ કેરોલે કહ્યું- બોમ્બ સાયક્લોન બનવાનું કારણ 24 કલાકમાં હવાનું દબાણ 24 મિલીબાર અથવા તેનાથી વધારે થવું છે. આ કારણ છે કે શહેરમાં એક દિવસમાં 76.2 સેમી (30 ઇન્ચ) બરફ પડ્યો. તેનાથી રાજધાનીમાં બરફવર્ષાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો. સેન્ટ જોન શહેરમાં આ પહેલા 5 એપ્રિલ 1999એ 68.4 સેમી (27 ઇન્ચ) બરફ પડ્યો હતો.
બરફ જામી જવાથી ઘરોના દરવાજા બંધ, લોકો અંદર ફસાયાં
ગત સપ્તાહની શરૂઆતમાં અમેરિકાના પૂર્વોત્તર વિસ્તારોમાં ભારે પવન, બરફવર્ષા અને વરસાદના લીધે આ તોફાન કેનેડા પહોંચીને બોમ્બ સાયક્લોનમાં તબદીલ થઇ ગયું હતું. તેનાથી કેનેડાના ત્રણ રાજ્યોમાં અસર થઇ છે. સેન્ટ જોન શહેરમાં બરફના થર જામી જવાથી ઘરોના દરવાજા બંધ થઇ ગયા અને લોકો તેમા ફસાઇ ગયા હતાં. રસ્તાઓ પર ઉભેલી ગાડીઓ પણ બરફ નીચે દબાઇ ગઇ છે. લોકોની મદદ માટે સેના પહોંચી છે.
મેયરે કહ્યું- આવું તોફાન ક્યારેય જોયું નથી
શહેરના મેયર ડેની બ્રીને કહ્યું- હું હંમેશા આ શહેરમાં રહ્યો પરંતુ મેં આ પહેલા ક્યારેય આવી બરફવર્ષા , તોફાની હવાઓ અને બધુ સફેદ ચાદર નીચે દબાયેલું જોયું નથી. મારી લંબાઇ લગભગ 5 ફુટ 8 ઇન્ચ છે પરંતુ મારી સામે મારી ઉંચાઇથી પણ વધારે બરફ છે અને સામેની બરફ મારા માથાથી પણ ઉપર છે. મને રસ્તા પર મારી ગાડી દેખાતી નથી. તે બરફ નીચે દબાઇ ગઇ છે.
પ્રીમિયરે સેનાની મદદ માંગી
ન્યૂ ફાઉન્ડલેન્ડના પ્રીમિયર ડ્વાઇટ બોલે બરફમાં દબાયેલા લોકોને શોધવા અને બચાવકાર્ય માટે સેનાની મદદ માંગી હતી. ન્યૂ ફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોરમાં 150-200 સૈનિક મોકલવામાં આવ્યા છે.
રક્ષામંત્રીએ કહ્યું- પરિસ્થિતિ અસામાન્ય
રક્ષામંત્રી હરજીત સજ્જને કહ્યું- પરિસ્થિતિ અસામાન્ય છે. આગામી અમુક દિવસોમાં સૈનિકો વધારવા પડી શકે છે. અમે 250-300 સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યા છીએ. રાહત અને બચાવ માટે બે ગ્રિફોન હેલિકોપ્ટર અને બે હરક્યૂલિસ ટ્રાન્સપોર્ટ વિમાન પણ મોકલ્યા છે. હેલિકોપ્ટર બરફમાં ફસાયેલા લોકોને શોધવામાં મદદરૂપ બનશે જ્યારે ટ્રાન્સપોર્ટ વિમાનથી સૈનિકો અને નાગરિકો માટે દવાઓની વ્યવસ્થા કરવામાં આવશે.