- 1 ફેબ્રુઆરી કે તેના પછી સ્પેન, જર્મની અને ફ્રાન્સની મુસાફરી કરનાર નાગરિકોના પણ નિયમિત અને ઈ-વિઝા સસ્પેન્ડ: ઈમિગ્રેશન બ્યુરો
- સમગ્ર દેશમાં મંગળવારે કોરોનાવાઈરસના 14 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા, તેમાં કેરળના 8, પુના અને કર્ણાટકના 3-3 કેસ સામેલ
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 61 મામલાઓની પુષ્ટિ થઈ છે. મંગળવારે સમગ્ર દેશમાં 14 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાં કેરળના આઠ, પુના અને કર્ણાટકના 3-3 કેસ છે. જ્યારે સરકારે વાઈરસના ખતરાને જોતા ફ્રાન્સ, જર્મની અને સ્પેનના નાગરિકોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા છે. સાથે જ આ ત્રણે દેશોમાંથી આવનાર નાગરિકોના નિયમિત અને ઈ-વીઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઈમિગ્રેશન બ્યુરોએ મંગળવારે મોડી રાતે નોટીફીકેશન બહાર પાડતા કહ્યું છે કે દેશમાં પ્રવેશ ન કરનારા ફ્રાંન્સ, જર્મની અને સ્પેનના એવા નાગરિકો જેમના નિયમિત અને ઈ-વિઝા અત્યાર સુધીમાં ઈસ્યુ થઈ ચૂક્યા છે, તેને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય જે નાગરિકોએ 1 ફેબ્રુઆરી કે ત્યાર બાદ સ્પેન, જર્મની અને ફ્રાન્સની મુસાફરી કરી છે, તેમના નિયમિત અને ઈ-વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોરોનાવાઈરસથી પ્રભાવિત દેશોમાં મુસાફરીથી બચવાની સલાહ
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાએ મંગળવારે ઘણાં મંત્રાલયો અને વિભાગોના સેક્રેટરીની સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી, બાદમાં આ નોટિફિકેશન ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે ચીન, ઈટલી, જર્મની, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, સ્પેન સહિત કોરોનાવાઈરસથી પ્રભાવિત દેશોમાં મુસાફરી કરવાથી બચવાની સલાહ આપી છે.
કેરળમાં સંક્રમિત દર્દીઓનો આંકડો 14ને વટાવી ગયો
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે કહ્યું- રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમણના 14 મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેના ખતરાને જોતા સાતમુ ધોરણ સુધીના કલાસની પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત રહેશે. જ્યારે ધોરણ 8,9 અને 10ની પરિક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થશે. 31 માર્ચ સુધી ટયુશન ક્લાસ, આંગણવાડી, મદરેસા બંધ કરાવવામાં આવી છે. 11-31 માર્ચ સુધી થિએટર બંધ રહેશે.