પૂર્વ રાજદૂત ભાસ્વતી મુખરજીના જણાવ્યા અનુસાર ભારતે જે પિશાચને શરૂઆતમાં જ ઓળખી લીધો હતો, તેને યુરોપે પોતાને ત્યાં ચૂપચાપ પગપેસારો કરવાની તક આપી છે. યુએનમાં મેં ત્રણ વાર ભારતનું પ્રતિનિધિત્વ કરીને ચેતવણી આપી હતી કે અમે જે આતંકનો સામનો કરી રહ્યા છીએ તે એક દિવસ આખી દુનિયા પર સકંજો કસશે. એ વખતે અમને કહેવાતું હતું કે તમારા માટે જે આતંક છે તે સામેના પક્ષ માટે ન્યાયની લડાઈ પણ હોઈ શકે છે.
ભાસ્વતી મુખરજીએ ઉમેર્યું કે, યુરોપની લિબરલ સોસાયટીએ આવું કહીને અમને સતત નજરઅંદાજ કર્યા હતા. હવે આતંકીઓએ તેનો લાભ ઉઠાવ્યો અને 25 વર્ષમાં યુરોપિયન દેશોમાં પણ સ્લિપર સેલ તૈયાર થઈ ગયા. આજે યુરોપિયન દેશો આઘાતથી જોઈ રહ્યા છે કે આતંકીઓ એ લોકોનાં ગળાં કાપવા ઈચ્છે છે જે અભિવ્યક્તિની આઝાદીની વાત છે. હવે આ દેશોને આતંકનું દર્દ સમજાશે. તેમને લાગતું હતું કે આ ફક્ત ભારત અને તેના પાડોશી દેશોની સમસ્યા છે. હવે તેમણે આ સમસ્યાને નજરઅંદાજ કરવાની કિંમત ચૂકવવી પડશે.
મુંબઈના 26/11ની જેમ વિએનામાં 3/11
ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં સોમવારે રાતે મુંબઈ જેવા આતંકી હુમલાને અંજામ અપાયો હતો. હુમલાખોરોએ શહેરની વચ્ચે એક યહૂદી ધર્મસ્થળ નજીક ભારે ભીડ હતી, ત્યારે રાત્રે આઠ વાગ્યે આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે મહિલા સહિત ચારનાં મોત થયાં છે અને 20થી વધુને ઈજા થઈ છે. આ ઘટના પછી વિએનાને સીલ કરી દેવાયું છે અને 1000થી વધુ પોલીસકર્મી હુમલાખોરોને શોધવા અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન બે હુમલાખોરને મંગળવારે જ ઝડપી લેવાયા હતા, જ્યારે એકને ઠાર કરાયો હતો. તેણે નકલી આત્મઘાતી બેલ્ટ પહેર્યો હતો. આતંકી હુમલા પછી ઓસ્ટ્રિયામાં મંગળવારે ત્રણ દિવસના શોકની જાહેરાત કરાઈ છે.
આ અંગે ગૃહમંત્રી કાર્લ નેહમરે કહ્યું કે ઠાર કરાયેલો 20 વર્ષીય હુમલાખોર ગયા વર્ષે ડિસેમ્બરમાં આઠ મહિનાની જેલની સજા કાપીને છૂટ્યો હતો. તે મૂળભૂત રીતે ઉત્તર મેસેડોનિયાનો હતો અને આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થવા સીરિયા જતો ઝડપાયો હતો. ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબાસ્ટિયન કૂર્ઝે કહ્યું કે, આ આતંકી હુમલાના ગુનેગારો વિરુદ્ધ અમે આકરી કાર્યવાહી કરીશું. આવા આતંકી હુમલા અમને ડરાવી દે, એવું અમે નહીં થવા દઈએ.
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિએનાના કાયરતાપૂર્ણ આતંકી હુમલાથી હું ખૂબ જ દુ:ખી છું. ભારત આ મુશ્કેલ ક્ષણે ઓસ્ટ્રિયા સાથે છે. આ હુમલાના પીડિતો અને પરિવારો સાથે મારી સંવેદના છે.
ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને કહ્યું કે, ફ્રાન્સ પછી આ બીજો આતંકી હુમલો છે, પરંતુ આવા હુમલાથી અમે ઝૂકીશું નહીં. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે યુરોપમાં આતંકનું વધુ એક બિભત્સ કૃત્ય જોવા મળ્યું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ કહ્યું કે આ ભયાનક હુમલાથી અમે આઘાતમાં છીએ.