લગ્નના લખલૂટ ખર્ચને અટકાવાશે: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સહિત તમામ સમાજની દીકરીનાં લગ્ન 41 હજારમાં કરાવી આપશે, કન્યાને 7 હજારનું પાનેતર અપાશે, બંને પક્ષ માટે તમામ સુવિધા પૂરી પાડશે

Gujarat

લગ્નોમાં થતા લખલૂટ ખર્ચને અટકાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પાર્ટી પ્લોટ, હોલ, ફાર્મ હાઉસ તેમજ ઘરે બંધાતા મંડપને બદલે જાસપુર ખાતે આવેલા ઉમિતા માતાના મંદિરમાં જ લગ્નવિધિ સંપન્ન કરવા પહેલ કરી છે. ઉમિયા ફાઉન્ડેશન લગ્નોમાં થતા લાખોના ખર્ચાને બદલે માત્ર 41 હજારમાં લગ્ન કરાવી આપશે. ફાઉન્ડેશન કન્યાને 7 હજારનું પાનેતર, લગ્નમાં આવેલા જાનૈયા સહિતના મહેમાનો માટે તમામ પ્રકારની સુવિધા ઊભી કરશે. આ સમારંભમાં વરવધૂ પક્ષના થઈ માત્ર 100 લોકો હાજરી આપી શકશે.

ઉમિયા માતાના મંદિરમાં સોમવારે પાટીદાર સમાજના પ્રથમ લગ્ન થયા. મહેસાણાના જગુદણના ખેડૂત જયંતીભાઈ પટેલની દીકરી મયૂરીના લગ્ન અમદાવાદના ભાવિક પટેલ સાથે થયા હતા. લગ્ન પ્રસંગે વરપક્ષ તરફથી સંસ્થાને 4 લાખ ભેટ આપી હતી.

કન્યાને 7 હજારનું પાનેતર-ચોરી અપાશે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલના જણાવ્યા અનુસાર, લગ્નમાં કન્યાપક્ષને ચોરી તેમજ કન્યાને 7 હજારના પાનેતરની ભેટ અપાશે. મંડપ તેમજ ભોજન સહિતનો તમામ ખર્ચ સંસ્થા ઉઠાવશે. સમૂહ લગ્નની પરંપરા જીવંત રાખવા રાજ્યના કોઈપણ ખૂણાની દીકરી હશે તોપણ 41 હજારમાં લગ્ન કરી અપાશે.

100 મહેમાનને રૂ.300ની ડિશ પીરસાશે
100 મહેમાનો માટે રૂ.300ની ડિશનો ખર્ચ પણ સંસ્થા ઉઠાવશે. આ ઉપરાંત તમામ મહેમાનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ સંસ્થા તરફથી કરવામાં આવશે. ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલના જણાવ્યા મુજબ, દરેક પાટીદાર યુવક-યુવતી ઉમિયા માતા સમક્ષ જ લગ્ન કરે એવો અમારો હેતુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *